
સુપ્રીમ કોર્ટે દેશભરના ન્યાયાધીશો માટે નવી માર્ગદર્શિકા જારી કરી છે. નિર્દેશમાં જણાવાયું છે કે બળાત્કાર અને જાતીય હુમલાના કેસોમાં ચૂકાદાઓ લખતા ન્યાયાધીશોએ જેન્ડર સ્ટીરિયોટાઇપ અથવા પીડિતાને દોષી ઠેરવતી ભાષાનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. આવા કેસોમાં કોર્ટે વધુ સંવેદનશીલ અને પીડિત કેન્દ્રિત અભિગમ અપનાવવો જોઈએ.
કોર્ટ દ્વારા જાહેર કરાયેલા આ સૂચનો સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અનિરુદ્ધ બોઝની આગેવાની હેઠળની નિષ્ણાત સમિતિના અહેવાલનો ભાગ છે. ચૂકાદાઓ અને લિંગ: ચૂકાદાઓ લખવામાં સંવેદનશીલતા અને કરુણા’ શીર્ષક ધરાવતો આ અહેવાલ દેશભરમાંથી 125 ટ્રાયલ કોર્ટના ચૂકાદાઓની તપાસ કર્યા પછી તૈયાર કરવામાં આવ્યો છે. તે ન્યાયી અને સંવેદનશીલ ન્યાયિક પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે ન્યાયાધીશોની નિયમિત તાલીમ અને સંવેદનશીલતાની જરૂરિયાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.
સમિતિએ ન્યાયાધીશોને કહ્યું કે, પ્રોસિક્યુટ્રિક્સ (મહિલા ફરિયાદી), લાચાર મહિલા, પવિત્રતા ગુમાવી દીધી અથવા મર્યાદા ભંગ જેવા શબ્દોનો ઉપયોગ બંધ કરવા વિનંતી કરી. સમિતિનું કહેવું છે કે આવા શબ્દો પિતૃસત્તાક રૂઢિવાદી વિચાર પર અધારિત છે અને પીડિતોને ફરીથી આઘાત પહોંચાડી શકે છે.

તેના બદલે કોર્ટને તટસ્થ અને કાયદેસર રીતે સચોટ શબ્દો પસંદ કરવી જોઈએ, અને પીડિત, સર્વાઇવર (જીવિત બચેલી), ફરિયાદી, જાતીય હુમલો, અને શારીરિક સ્વાયત્તતા જેવા શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ એ પણ સલાહ આપવામાં આવી હતી કે બીચારી લાચાર સગીર છોકરી, હવસથી પ્રેરિત, પોતાની ગેરકાયદેસર હવસ પૂરી કરવી, બાળપણ બરબાદ કર્યું અને તેનું જીવન બરબાદ કરી દીધું જેવા શબ્દોને બદલે, નૈતિક ચૂકાદાઓ પર નહીં, પણ ગુના અને તેની અસર પર ધ્યાન કેન્દ્રિત કરતી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ.
અહેવાલ મુજબ, ‘પવિત્રતા’, ‘શરમ’, ‘સંકોચ’, અને ‘સન્માન’ જેવા શબ્દોને જૂના વિચારોને પ્રોત્સાહન આપે છે, જે મહિલાની ગરીમાને તેની જાતીય પવિત્રતા અથવા તેના પરિવારના સન્માન સાથે જોડે છે. તેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે ન્યાયિક તર્ક સંમતિ, ગૌરવ, શારીરિક સ્વાયત્તતા અને બંધારણીય અધિકારો પર આધારિત હોવો જોઈએ.
સમિતિએ જાતીય હુમલાના કેસોની તપાસ કરતા રૂઢિગત વિચારસરણી પર આધાર રાખવા સામે પણ ન્યાયાધીશોને ચેતવણી આપી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે કોર્ટે ફક્ત એટલા માટે ખોટા નિષ્કર્ષ ન કાઢવા જોઈએ કારણ કે પીડિતાએ ગુનાની જાણ કરવામાં વિલંબ કર્યો હતો, શારીરિક રીતે વિરોધ કર્યો ન હતો, અથવા શારીરિક ઈજાના કોઈ ચિહ્નો ન દેખાયા.

અહેવાલમાં જણાવાયું છે કે, ઈજાના નિશાન ન હોવા, રિપોર્ટિંગમાં વિલંબ થવો, અથવા વિરોધ ન કરવાનો મતલબ એ નથી કે સંમતિ નથી હોતી. સંકટને લઇને પીડિતોની વિવિધ પ્રતિક્રિયા આપી શકે છે. કોર્ટોને ચેતવણી આપતા અહેવાલમાં પીડિતાના વર્તન અંગે કઠોર અપેક્ષાઓ રાખવા સામે સલાહ આપવામાં આવી હતી. તેમાં ન્યાયાધીશો કહેવામાં આયું કે બિન-સહમતિપૂર્ણ કૃત્યો હોય કે સગીર પીડિતોનો સમાવેશ થાય શારીરિક સંબંઘ ન કહેવું જોઇએ. તેના બદલે, કોર્ટો બળાત્કાર, જાતીય હુમલો, અથવા જાતીય હિંસા જેવા કાયદેસર રીતે ચોક્કસ શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ.
હવસ જેવા શબ્દોના ઉપયોગ સામે સલાહ આપતા અહેવાલમાં જણાવાયું છે કે જાતીય ગુનાઓને હવસથી પ્રેરિત કામ બતાવવાથી પુરુષ જાતીય આક્રમકતાને સામાન્ય માની લેવામાં આવે છે અને ગુનાની કથિત ગંભીરતા ઓછી થાય છે.
સમિતિએ એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, ન્યાયાધીશોએ અપમાનજનક અથવા અંગત જીવનમાં દખલઅંદાજી કરનાર ઉલટતપાસ પર કડક પ્રતિબંધ મૂકવો જોઈએ, ખાસ કરીને એ પ્રશ્નોને પીડિતાના ગુના પહેલાના જાતીય ઇતિહાસ, કપડાં અથવા કથિત વર્તન અંગે હોય.
અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે, “કોઈપણ સભ્ય સમાજમાં મહિલાને ફક્ત તેના કપડાંના આધારે આંકવી અથવા તેના ચારિત્ર્ય અથવા નમ્રતા વિશે તારણો કાઢવાને અક્ષમ્ય અને અસ્વીકાર્ય માનવામાં આવે છે. તેમાં વધુમાં જણાવાયું હતું કે ન્યાયાધીશોએ ખાતરી કરવી જોઈએ કે પીડિતો સાથે કોર્ટરૂમમાં આદરપૂર્વક વર્તન કરવામાં આવે.
10 ફેબ્રુઆરી, 2026 ના રોજ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ આ નિષ્ણાત સમિતિની રચના કરવામાં આવી હતી. તે ચૂકાદામાં જાતીય ગુનાઓ અને સંવેદનશીલ વ્યક્તિઓને લગતા કેસ સંભાળતા ન્યાયાધીશોમાં સંવેદનશીલતા અને સહાનુભૂતિને પ્રોત્સાહન આપવા માટે વ્યાપક માર્ગદર્શિકા બનાવવાની હાકલ કરવામાં આવી હતી.