
મુંબઈના પોશ વિસ્તારોમાં બંધ મકાનોને નિશાન બનાવીને ચોરી કરનાર એક ચોરને સુરત પોલીસે નિયોલ ચેકપોસ્ટ પરથી ધરપકડ કરી છે. આરોપી ચોરીનો સામાન લઈને પબ્લિક ટ્રાન્સપોર્ટ દ્વારા રાજસ્થાનના ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા જઇ રહ્યો હતો. આ દરમિયાન વાહન ચેકિંગ દરમિયાન પોલીસને તેના પર શંકા ગઈ હતી અને તપાસ બાદ તેની પાસેથી 45.26 લાખથી વધુની કિંમતનો ચોરીનો માલ મળી આવ્યો હતો.
સુરત-બારડોલી રોડ પર આવેલી નિયોલ ચેકપોસ્ટ પર સારોલી પોલીસ સ્ટેશનની ટીમ વાહનોનું ચેકિંગ કરી રહી હતી. દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ અને કોન્સ્ટેબલ મનીષભાઈ વિઠ્ઠલભાઈને બાતમી મળી હતી કે મુંબઈનો એક ચોર ચોરીનો માલ લઈને પબ્લિક ટ્રાન્સપોર્ટમાંથી પસાર થવાનો છે. માહિતીના આધારે પોલીસે દેખરેખ વધારી હતી.
થોડા સમય બાદ પોલીસે અંત્રોલી ગામ તરફથી પગપાળા આવતા એક શકાસ્પદને ઘેરીને પકડી લીધો. તેની પાસેની બેગની તપાસ કરતા તેમાંથી સોનાના દાગીના સહિતની વસ્તુઓનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલા સામાનની કુલ કિંમત 45 લાખ 26 હજાર 690 રૂપિયા છે. તેમાં 329.3 ગ્રામ સોનું છે, જેની કિંમત 44 લાખ 12 હજાર 620 રૂપિયા, રોકડ રૂપિયા 70 હજાર, રૂપિયા 24 હજારની કિંમતનો સ્માર્ટફોન અને લગભગ 20 હજાર રૂપિયાની બે કાંડા ઘડિયાળનો સમાવેશ થાય છે.

આરોપી CCTVમાં કેદ થયો હતો
ધરપકડ કરાયેલા આરોપીની ઓળખ કમલજીત સિંહ ઉર્ફે શનિ સિંહ કુલજીત સિંહ ગુરદીપ સિંહ બગ્ગુ (26) તરીકે થઈ છે. તે મૂળ પંજાબના અમૃતસરનો છે અને હાલમાં નવી મુંબઈ અને સાયન કોલીવાડા, મુંબઈમાં રહે છે. પોલીસ રેકોર્ડ મુજબ, તે 2017 થી 2025 દરમિયાન મુંબઈના ધારાવી, જોગેશ્વરી, કાલાચોકી, ખેરવાડી, માહિમ અને RCF પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી અને ઘર ફોડના કેસમાં પકડાઇ ચૂક્યો છે.
પૂછપરછ દરમિયાન, આરોપીએ મુંબઈના MHB કોલોની વિસ્તારમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીના બે બંધ મકાનો સહિત છ મકાનોમાં ચોરી કર્યાનું કબૂલ્યું હતું. આ ઘટનાઓ દરમિયાન તે સોસાયટીમાં લાગેલા CCTV કેમેરામાં પણ કેદ થઈ ગયો હતો. સુરત પોલીસે મુંબઈ પોલીસનો સંપર્ક કરીને તેના જૂના ગુનાહિત રેકોર્ડની માહિતી એકઠી કરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, તાજેતરમાં MHB કોલોની પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી 4 નવી ચોરીની ફરિયાદોમાં આરોપીનું કનેક્શન પણ સામે આવ્યું છે. આ ઘટનાઓમાં ચોરાયેલા સામાનની કિંમત અંદાજે 45.26 લાખ રૂપિયા હોવાનું કહેવાય છે. જો કે, પોલીસ તપાસમાં આરોપી સાથે જોડાયેલી કુલ છ ચોરીના બનાવો પણ બહાર આવ્યા છે.

સુરતના DCP ડૉ.કાનન દેસાઈએ જણાવ્યું હતું કે શહેરમાં મિલકત સંબંધી અને અન્ય ગુનાઓને અંકુશમાં લેવા માટે વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ સતત કરવામાં આવી રહ્યું છે. રાત્રે પણ ચેકિંગ પોઈન્ટ સક્રિય રહે છે. નિયોલ ચેકપોસ્ટ એ સુરત શહેર અને સુરત ગ્રામ્યની સરહદ પર સ્થિત એક મહત્ત્વપૂર્ણ નાકુ છે, જ્યાં પોલીસની ટીમ સતત તકેદારી રાખે છે.
DCPના જણાવ્યા અનુસાર આ કાર્યવાહી દરમિયાન સારોલી પોલીસ સ્ટેશનના PI એસ.આર. વેકરીયા, D-સ્ટાફના PSI યુ.બી. મેડપરા, હેડ કોન્સ્ટેબલ હિંમતભાઈ માવજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ મનોજભાઈ વિઠ્ઠલભાઈની ટીમ હાજર રહી હતી. પબ્લિક ટ્રાન્સપોર્ટની તપાસ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિ પોલીસના ધ્યાન પર આવી હતી. બેગમાંથી સોનાના દાગીના મળી આવ્યા બાદ તેને પોલીસ સ્ટેશન લાવી પૂછપરછ કરવામાં આવી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ બંધ મકાનોની રેકીઓ કરતો હતો. જે ઘરમાં રાત્રે લાઇટ ન સળગતી, બહાર જ્યાં કેટલાય દિવસોના અખબારો બહાર પડેલા રહેતા હતા અથવા જ્યાં લાંબા સમય સુધી પૂજાના ફૂલો બહાર દેખાતા હતા તેવા ઘરોને તે રાત્રે ખાલી ગણતો હતો. આ પછી જ્યારે પણ તક મળે ત્યાં ચોરી કરતો હતો.
DCP કાનન દેસાઈએ જણાવ્યું કે પ્રાથમિક માહિતી મુજબ આરોપીના પરિવારજનો પણ ચોરીના કેસ સાથે જોડાયેલા છે. મુંબઈ પોલીસ પાસેથી મળેલી માહિતીમાં સામે આવ્યું છે કે તેની બહેન અને પરિવારના અન્ય સભ્યો પણ આવી પ્રવૃત્તિઓમાં સામેલ છે. પોલીસને શંકા છે કે આખું જૂથ સંગઠિત સિન્ડિકેટની જેમ કામ કરે છે.
ચોરીના સોનાના દાગીના ઓગાળીને વેચવામાં આવ્યા હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર પરિવારના સભ્યો ઉપરાંત આ નેટવર્કમાં વકીલો વગેરેની ભૂમિકાની પણ માહિતી સામે આવી છે. જો કે આ સમગ્ર નેટવર્કની ઝીણવટભરી તપાસ હજુ ચાલુ છે.
સુરત પોલીસે આરોપીઓ સામે કલમ 41(D) હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. મુંબઈ પોલીસની ટીમ પણ સુરત પહોંચી ગઈ છે. સુરત પોલીસ હવે આરોપીને મુંબઈ પોલીસને સોંપી રહી છે, જેથી ત્યાં નોંધાયેલા ચોરીના કેસમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરી શકાય. આરોપી અને તેના નેટવર્કે મુંબઈમાં બીજા કેટલા ગુના આચર્યા છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.