

માત્ર 22 વર્ષની ઉંમરે અબજોપતિ બનવું એ એક સ્વપ્ન જેવું લાગે છે. પરંતુ દક્ષિણ કોરિયાની કિમ જુંગ-યુન સાથે આવું જ બન્યું. ફોર્બ્સની 2026ની વિશ્વ અબજોપતિઓની યાદીમાં તે વિશ્વની સૌથી નાની મહિલા ટેક અબજોપતિઓની યાદીમાં ટોચ પર છે. તેની સંપત્તિ સ્ટાર્ટઅપની સ્થાપનાથી નહીં, પરંતુ તેના પિતા દ્વારા સ્થાપિત ગેમિંગ કંપની નેક્સનમાંથી મળેલા હિસ્સામાંથી આવી છે.
ફોર્બ્સ અનુસાર, 2026ની યાદીમાં કિમ જુંગ-યુનની કુલ સંપત્તિ આશરે 1.7 અરબ ડૉલર છે. તે દક્ષિણ કોરિયાની છે, અને તેની સંપત્તિનો મુખ્ય સ્ત્રોત ઓનલાઈન ગેમિંગ છે. 22 વર્ષની ઉંમરે, તે ફોર્બ્સની યાદીમાં વિશ્વની સૌથી નાની અબજોપતિઓમાંની એક છે. જો કે, આ વર્ષે વિશ્વની સૌથી નાની મહિલા અબજોપતિનો રેકોર્ડ 20 વર્ષની એમિલી વાયગટના નામે છે. તેથી, કિમ જંગ યુનને વિશ્વની સૌથી નાની ઉંમરની અબજોપતિ કહેવા કરતાં સૌથી નાની ઉંમરની મહિલા ટેક અબજોપતિ કહેવું વધુ સચોટ છે.

કિમ જંગ યુનના પિતા, કિમ જંગ જુએ, 1994માં નેક્સનની સ્થાપના કરી હતી. આ તે કંપની છે જેણે ઓનલાઈન ગેમિંગની દુનિયામાં ક્રાંતિ લાવી હતી. નેક્સને મેપલસ્ટોરી, કાર્ટરાઈડર અને ડંજિયન એન્ડ ફાઈટર જેવી રમતો બનાવી હતી, જે વિશ્વભરમાં અત્યંત લોકપ્રિય બની હતી. ફોર્બ્સ અનુસાર, કંપની 80થી વધુ લાઈવ રમતો ચલાવે છે અને 72થી વધુ દેશોમાં તેના વપરાશકર્તાઓ છે.
કિમ જંગ જુએ માત્ર રમતો બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું નહીં પરંતુ ઓનલાઈન ગેમિંગ મોડેલનો પણ પાયો નાખ્યો જેમાં રમતો મફતમાં રમવા મળે છે, જ્યારે કંપની અન્ય માધ્યમો દ્વારા આવક ઉત્પન્ન કરે છે. નેક્સનને આ ફ્રી-ટુ-પ્લે મોડેલમાં પ્રારંભિક મુખ્ય ખેલાડી માનવામાં આવે છે, જે પાછળથી સમગ્ર ગેમિંગ ઉદ્યોગમાં ખૂબ જ લોકપ્રિય બન્યું.
કિમ જંગ યુનના જીવનમાં 2022માં મોટો ફેરફાર આવ્યો. તેના પિતા, કિમ જંગ જુનું 54 વર્ષની વયે અવસાન થયું. તેમના મૃત્યુ પછી, તેમની પુત્રીઓ, કિમ જંગ મીન અને કિમ જંગ યુનને કૌટુંબિક કંપનીમાં ખુબ મોટો હિસ્સો વારસામાં મળ્યો. બહેનોની સંપત્તિનો મોટો હિસ્સો NXCમાં પોતાના હિસ્સામાંથી આવે છે, જે NXCની સૌથી મોટી શેરહોલ્ડિંગ કંપની છે.

ફોર્બ્સ અનુસાર, બંને બહેનો NXCમાં હિસ્સો ધરાવે છે, જે જાપાની સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ Nexonની સૌથી મોટી શેરહોલ્ડર છે. કિમ જંગ યુનનો વ્યક્તિગત હિસ્સો આશરે 9 ટકા હોવાનો અંદાજ છે.
એટલે કે અહીં એક વાત સ્પષ્ટ સમજાવી જરૂરી છે કે, કિમ જંગ યુને પોતે Nexon શરૂ કરી ન હતી, કે ન તો તે કંપનીના રોજિંદા કામકાજનું સંચાલન કરે છે. ફોર્બ્સ અનુસાર, બહેનો નેક્સનના કામકાજમાં સામેલ નથી, અને તેમના અંગત જીવન વિશે ખૂબ ઓછી માહિતી જાહેર છે. તેમની અબજો ડૉલરની સંપત્તિ તેમના પિતા પાસેથી વારસામાંથી મળેલી છે.
કિમ જંગ યુનનું નામ સૌપ્રથમ 2022માં ચર્ચામાં આવ્યું હતું. તે સમયે, ફોર્બ્સે તેમને માત્ર 18 વર્ષની ઉંમરે વિશ્વના સૌથી નાના અબજોપતિ તરીકે નામ આપ્યું હતું. તેમના પિતાના મૃત્યુ પછી, તેમને અને તેમની મોટી બહેનને NXCમાં બહુમતી હિસ્સો વારસામાં મળ્યો હતો. તે સમયે પણ, તેમની મોટાભાગની સંપત્તિ વારસાગત શેરમાંથી આવી હતી.

તે સમયે, ફોર્બ્સે અહેવાલ આપ્યો હતો કે, દક્ષિણ કોરિયાના ભારે વારસા કર પછી, બહેનોની અંદાજિત સંપત્તિ આશરે 1 અરબ ડૉલર હતી. આનો અર્થ એ થયો કે, આટલી નાની ઉંમરે અબજોપતિ બનવાની તેમની સફર એક મોટી કંપનીની વર્ષોની મહેનત અને પરિવાર તરફથી વારસામાંથી ઉદ્ભવી છે.
નેક્સનની વાર્તા ફક્ત એક પરિવારની સંપત્તિની વાર્તા નથી. કંપની દક્ષિણ કોરિયા અને જાપાનમાંથી ઉભરી આવી અને વૈશ્વિક ઓનલાઈન ગેમિંગ બજારમાં પોતાને સ્થાપિત કરી. મેપલસ્ટોરી અને ડંજિયન એન્ડ ફાઇટર જેવી રમતો લાંબા સમયથી કંપનીના મોટા નામોમાંની એક છે. આ જ કારણ છે કે નેક્સનમાં તેમના હિસ્સાએ કિમ પરિવારને ટેક અને ગેમિંગ જગતના સૌથી ધનિક પરિવારોમાં સ્થાન આપ્યું છે.