fbpx

બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં ધારાસભ્ય ઈશ્વર પરમારની હાર, વર્ષોથી દબદબો ધરાવતી વર્તમાન પેનલનો સફાયો

Spread the love

બારડોલી સુગર ફેક્ટરીની ચૂંટણીમાં ધારાસભ્ય ઈશ્વર પરમારની હાર, વર્ષોથી દબદબો ધરાવતી વર્તમાન પેનલનો સફાયો

એશિયા ખંડની સૌથી મોટી સહકારી ખાંડ ફેક્ટરી બારડોલી સુગર ફેક્ટરીની સામાન્ય ચૂંટણીના પરિણામો સામે આવતા જ દક્ષિણ ગુજરાતના સહકારી વતુર્ળોમાં ખળભળાટ મચી ગયો છે. સભાસદોએ વર્ષોથી સંસ્થા પર દબદબો ધરાવતી વર્તમાન ‘સહકાર પેનલ’નો પૂર્ણપણે અસ્વીકાર કરી કારમી હાર આપ્યો છે. આ ચૂંટણીમાં સ્થાનિક ધારાસભ્ય ઈશ્વર પરમારને પણ હારનો સામનો કરવો પડ્યો છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, ઈશ્વર પરમાર SC/ST બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમને સહકાર પેનલ તરફમાં 882 મત મળ્યા હતા. તેની સામે કિસાન પરિવર્તન પેનલના ઉમેદવાર તરુણ વાધેલાએ 1424 મત મેળવીને 542 મતના અંતરથી જીત મેળવી છે.

બારડોલી સુગર મિલની ચૂંટણીમાં કિસાન પરિવર્તન પેનલનું નિશાન ટ્રેક્ટર હતું તો સહકાર પેનલનું નિશાન બળદગાડું હતું. મતદાન થયેલી તમામ 14 બેઠકો પર પરિવર્તન પેનલના ઉમેદવારો વિજયી બન્યા છે. ખાસ વાત એ છે કે પેનલમાં મોટા સહકારી આગેવાનોના બદલે નવા અને યુવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા અને મતદારોએ તેમને જોરદાર સમર્થન આપ્યું છે.

ઓરણા બેઠક પરથી અનિલ પટેલે 672 મતથી, સેવણી બેઠક પરથી ચેતન પટેલે 465 મતથી અને પુણા બેઠક પરથી પ્રફુલ્લ પટેલે 666 મતથી જીત મેળવી છે. મોતા બેઠક પર શૈલેષ પટેલ 323 મતથી, નિઝર બેઠક પર રૂપેશ ભક્તા 508 મતથી અને બારડોલી બેઠક પર વિનોદ પટેલ 403 મતથી વિજયી થયા છે. ખરવાસા બેઠક પર ભૂપેન્દ્રસિંહ સોલંકીએ 544 મતથી, શામપુરા બેઠક પર કિરીટ પટેલે 405 મતથી અને એના બેઠક પર અતુલ પટેલે 263 મતથી જીત મેળવી છે. તુંડી બેઠક પરથી મુકેશ નગીન પટેલ 567 મતથી અને મોટી ફણોદ બેઠક પરથી પંકજ પટેલ 540 મતથી વિજયી બન્યા છે.

મહિલા અનામતની બંને બેઠકો પર પણ કિસાન પરિવર્તન પેનલના ઉમેદવારોનો વિજય થયો છે. મહિલા અનામત બેઠક-1 પરથી ઉષા પ્રવીણ પટેલે 453 મતથી અને બેઠક-2 પરથી ઉષા પટેલે 435 મતથી જીત મેળવી છે. અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ બેઠક પર તરન વાઘેલાએ 542 મતથી વિજય મેળવ્યો છે. આ સાથે મતદાન થયેલી તમામ બેઠકો પર પરિવર્તન પેનલનું પ્રભુત્વ જોવા મળ્યું છે.

2

15 બેઠકો ધરાવતા બારડોલી સુગરના નિયામક મંડળમાં સહકાર પેનલને માત્ર એક બેઠક મળી છે. તરજકા બેઠક પર સહકાર પેનલના અનિલ પટેલ બિનહરીફ ચૂંટાયા હતા. એટલે કે ચૂંટણીમાં મતદાન થયેલી 14 બેઠકોમાંથી એક પણ બેઠક પર સહકાર પેનલનો ઉમેદવાર જીતી શક્યો નથી.

આ ચૂટણીમાં ધારાસભ્ય ઉપરાંત પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશ પટેલની પણ હાર થતા સહકાર પેનલને મોટો ઝટકો લાગ્યો છે. આ પરિણામો દર્શાવે છે કે સભાસદોએ સહકારી સંસ્થાઓમાં રાજકીય દખલગીરી સામે સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. સ્થાનિક સભાસદોમાં જોવા મળેલા આ પરિવર્તને સત્તાધારી પેનલના ગઢને તોડી પાડ્યો છે. હવે નવી ચૂંટાયેલી ‘કિસાન પરિવર્તન પેનલ’ ખેડૂતોના હિતમાં કેવા નિર્ણયો લે છે અને સંસ્થાના સંચાલનમાં કેવા ફેરફારો જોવા મળે છે તેના પર બધાની નજર છે.

સુગર ફેક્ટરી જેવી શુદ્ધ ખેડૂતલક્ષી સંસ્થામાં વધી રહેલા સીધા રાજકીય પગપેસારા અને પ્રભાવ સામે ખેડૂત સભાસદોમાં ભારે અસંતોષ હતો. પક્ષીય રાજકારણથી ઉપર ઉઠીને ખેડૂતોએ સંસ્થાના ભવિષ્ય અને સાચા વિકાસ માટે ‘કિસાન પરિવર્તન પેનલ’ના ઉમેદવારોને સ્પષ્ટ જનાદેશ આપ્યો છે. બારડોલી સુગરના આ પરિણામોની સીધી અસર દક્ષિણ ગુજરાતની અન્ય સહકારી મંડળીઓ અને આગામી રાજકીય સમીકરણો પર પડવાની પૂરેપૂરી શક્યતા છે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં બારડોલી બેઠક પરથી ભાજપની ટિકિટ પર ઈશ્વર પરમાર જીત્યા હતા. જ્યારે તરુણ વાઘેલા અગાઉ 2017ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બારડોલી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રહી ચૂક્યા છે અને હાલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાં મહામંત્રી છે. આમ, રાજકીય પ્રતિસ્પર્ધીઓ વચ્ચે સહકારી ક્ષેત્રની સ્પર્ધા સ્થાનિક સ્તરે અત્યંત નોંધપાત્ર રહી છે.

3

ભાવેશ પટેલ લાંબા સમયથી બારડોલી સુગરના સંચાલન તેમજ સ્થાનિક ભાજપ સંગઠન સાથે સંકળાયેલા રહ્યા છે. ચૂંટણી અગાઉ ભાવેશ પટેલની સહકાર પેનલ અને અતુલ પટેલની આગેવાનીવાળી કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધી ટક્કર હતી. બારડોલી, કામરેજ અને પલસાણા વિસ્તારના શેરડી ઉત્પાદક સભાસદોએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો. જેની આજે 18 ઓગસ્ટે મતગણતરી યોજાઈ હતી. બારડોલી સુગર માત્ર સ્થાનિક સહકારી સંસ્થા નથી.

બાબેન ખાતે સ્થિત શ્રી ખેડૂત સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીની સ્થાપના વર્ષ 1955માં થઈ હતી અને સંસ્થા પોતાની સત્તાવાર માહિતીમાં તેને ગુજરાતના સહકારી ક્ષેત્રની પ્રથમ સુગર ફેક્ટરી ગણાવે છે. હાલ તેની શેરડી પિલાણ ક્ષમતા પ્રતિદિન આશરે 10 હજાર ટન છે. સરદાર પટેલના ઐતિહાસિક બારડોલી સત્યાગ્રહની ભૂમિ પર આવેલી આ સહકારી સંસ્થામાં શાસક જૂથ સામે પરિવર્તન પેનલનું પ્રદર્શન રાજકીય દૃષ્ટિએ પણ ચર્ચાસ્પદ બન્યું છે.

Leave a Reply

error: Content is protected !!