

સરકારી શાળાઓમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ અને કથળતી જતી શિક્ષણ વ્યવસ્થા સામે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. પાર્ટીના સ્થાપક અને કન્વીનર અભિજીત દીપકેએ શિક્ષણ મંત્રીને એક વિસ્તૃત પત્ર પાઠવીને શાળાઓની સ્થિતિ સુધારવા અને 6 મહત્ત્વપૂર્ણ પ્રશ્નોના જાહેર જવાબ આપવા માંગ કરી છે.

પત્રમાં જણાવાયું છે કે દેશની આઝાદીના 80 વર્ષ પૂર્ણ થવા છતાં આજે પણ અનેક સરકારી શાળાઓમાં પીવાનું શુદ્ધ પાણી, શૌચાલય, યોગ્ય વર્ગખંડો અને બેસવા માટે બેન્ચ જેવી પાયાની સુવિધાઓ ઉપલબ્ધ નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દ્રશ્યો ચિંતાજનક છે અને બાળકોને પ્રાણીઓ કરતા પણ ખરાબ પરિસ્થિતિમાં ભણવા માટે મજબૂર થવું પડે છે. દેશમાં શિક્ષણના સ્તરને સુધારવા માટે તમામ સરકારી શાળાઓનું માળખું યુદ્ધના ધોરણે સુધારવું અનિવાર્ય છે.
મંત્રી સમક્ષ રજૂ કરાયેલા 6 મુખ્ય પ્રશ્નો:
- શાળાઓનું સમારકામ: છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની કેટલી સરકારી શાળાઓનું નવીનીકરણ (રેનોવેશન) કરવામાં આવ્યું છે અને હાલ કેટલી શાળાઓને તાત્કાલિક રીપેરિંગ કે સંપૂર્ણ નવીનીકરણની જરૂર છે?
- શિક્ષકોની ખાલી જગ્યાઓ: હાલમાં શિક્ષકોની કેટલી જગ્યાઓ મંજૂર થયેલી છે, કેટલી ભરાયેલી છે અને કેટલી જગ્યાઓ ખાલી પડી છે?
- બજેટ અને ખર્ચ: છેલ્લા પાંચ વર્ષમાં સરકારી શાળાઓ માટે કેટલું ફંડ મંજૂર કરવામાં આવ્યું હતું અને તેમાંથી વાસ્તવમાં કેટલો ખર્ચ થયો છે?
- નવી શાળાઓની જરૂરિયાત: દેશના દરેક બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે હજુ કેટલી વધારાની સરકારી શાળાઓની જરૂર છે?
- બિન-શૈક્ષણિક કામગીરી: શૈક્ષણિક કાર્ય સિવાય સરકારી શાળાના શિક્ષકોને કઈ-કઈ બિન-શૈક્ષણિક (ગેર-શિક્ષણ) જવાબદારીઓ અને ફરજો સોંપવામાં આવે છે?
- ડિજિટલ અને રમત-ગમતની સુવિધાઓ: રાજ્યની કેટલી સરકારી શાળાઓમાં કમ્પ્યુટર, ડિજિટલ લર્નિંગ, સ્વચ્છ શૌચાલય અને રમત-ગમતના સાધનો તેમજ સુવિધાઓ ઉપલબ્ધ છે?

CJPએ સ્પષ્ટ કર્યું છે કે આ મુદ્દો કોઈ રાજકારણ કે સરકાર સામેનો નથી પરંતુ બાળકોના ભવિષ્યનો છે. બાળક ગમે ત્યાં જન્મ્યું હોય કે તેના માતા-પિતાની આવક ગમે તેટલી હોય, તેને સુરક્ષિત વર્ગખંડ, પીવાનું સ્વચ્છ પાણી, શૌચાલય, બેસવા માટે બેન્ચ અને ભણાવવા માટે શિક્ષક મેળવવાનો પૂરો હક છે. મંત્રાલય આ તમામ માહિતી સાર્વજનિક કરે અને નબળા માળખાને કારણે કોઈ પણ બાળક સન્માનજનક શિક્ષણથી વંચિત ન રહે તે માટે તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ કરવામાં આવી છે.