
પ્રાંતિજ નેશનલ હાઇવે-૪૮ પર બે મહિનામાં જ તિરાડો અને ખાડાઓનું સામ્રાજ્ય
-ઓવરબ્રિજ અને સર્વિસ રોડની કામગીરી સામે સવાલો
– વાહનચાલકોમાં રોષ; જવાબદાર તંત્ર સામે કાર્યવાહી કરવાની માંગ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે નેશનલ હાઇવે-૪૮ ના ત્રણ રસ્તા પાસે તાજેતરમાં જ બનાવવામાં આવેલા ઓવરબ્રિજ તેમજ આસપાસના સર્વિસ રોડની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે રોડ બનાવ્યાને હજુ બે મહિના જેટલો સમય થયો હોવાનું કહેવાય છે ત્યાં જ રોડ પર ઠેર-ઠેર મોટી તિરાડો અને ખાડાઓ પડી જતાં વાહનચાલકોમાં રોષ ફેલાયો છે
ઓવરબ્રિજની આસપાસના સર્વિસ રોડ પર રોડની બંને બાજુએ અનેક સ્થળોએ તિરાડો પડી ગઈ છે કેટલીક તિરાડો એટલી મોટી હોવાનું જોવા મળે છે કે ટુ-વ્હીલરના ટાયર તેમાં ફસાઈ જાય અથવા તિરાડમાં ઉતરી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે આ ઉપરાંત ઓવરબ્રિજ પાસે પ્રોટેક્શન આરસીસી દિવાલ નજીક પણ તિરાડો અને ગાબડાં જોવા મળતાં સમગ્ર કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે સ્થાનિકોના જણાવ્યા મુજબ રોડનું કામ તાજેતરમાં જ પૂર્ણ થયું હોવા છતાં ટૂંકા ગાળામાં જ રોડ પર તિરાડો અને ખાડાઓ પડવા લાગ્યા છે જેના કારણે રોડ બનાવવામાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા, યોગ્ય દેખરેખ અને કામની કામગીરી અંગે સવાલો ઉઠી રહ્યા છે વાહનચાલકોનું કહેવું છે કે વારંવાર ખાડાઓ પડતા હોવા છતાં જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી કેટલાક સ્થળે તો વાહનચાલકોએ જાતે જ ખાડાઓ પૂરીને રસ્તો પસાર થવા લાયક બનાવવાની ફરજ પડી હોવાનું પણ સામે આવ્યું છે
ત્યારે ભૂકંપ આવ્યો નથી છતાં તિરાડો, તો ભૂકંપ આવે તો શું થશે સ્થાનિકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે હાલ કોઈ મોટો ભૂકંપ કે કુદરતી આફત આવી નથી છતાં તાજેતરમાં બનેલા રોડ અને ઓવરબ્રિજ આસપાસ આટલી મોટી તિરાડો પડી રહી છે
તો ભવિષ્યમાં ભૂકંપ જેવી કુદરતી આફત આવે ત્યારે આ માળખું કેટલું ટકી શકશે? જોકે આ અંગે વાસ્તવિક સલામતી સ્થિતિ જાણવા માટે નિષ્ણાતો દ્વારા ટેકનિકલ તપાસ કરાવવી જરૂરી છે તગડો ટોલટેક્સ છતાં રસ્તાની આવી હાલતથી રોષ નેશનલ હાઇવે પર વાહનચાલકો પાસેથી ટોલટેક્સ વસૂલવામાં આવે છે, ત્યારે તેના બદલામાં સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત માર્ગ મળવો જરૂરી છે પરંતુ અહીં રોડ પર વારંવાર ખાડા અને તિરાડો પડતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઓવરબ્રિજ સહિત આસપાસના સર્વિસ રોડની કામગીરીની ગુણવત્તાની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાક્ટર સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી વાહનચાલકો અને સ્થાનિકોમાં માંગ ઉઠી છે“હમ નહીં સુધરેગા” જેવી સ્થિતિથી અકસ્માતનો ભય રોડની તિરાડો અને ખાડાઓ સમયસર નહીં પૂરવામાં આવે તો ખાસ કરીને રાત્રિના સમયે ટુ-વ્હીલર ચાલકો માટે ગંભીર અકસ્માતનો ખતરો ઊભો થઈ શકે છે જો આ સ્થિતિ યથાવત રહેશે તો આવતીકાલે કોઈ ગંભીર અકસ્માત સર્જાય અને નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો નવાઈ નહીં સ્થાનિકોની માંગ છે કે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરાવી રોડ, ઓવરબ્રિજ, સર્વિસ રોડ તથા પ્રોટેક્શન આરસીસી દિવાલની ગુણવત્તાની ટેકનિકલ તપાસ કરવામાં આવે અને ખામી જણાય તો કોન્ટ્રાક્ટર પાસેથી પોતાના ખર્ચે ગુણવત્તાયુક્ત રીતે રિપેરિંગ કરાવવામાં આવે






