
UN સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસના એક રિપોર્ટે હંગામો મચાવ્યો છે. તેમણે ચેતવણી આપી હતી કે, સમુદ્રનું સ્તર વધવાથી કોલકાતા અને મુંબઈમાં રહેતા લાખો લોકો પર ગંભીર અસર પડી શકે છે. રિપોર્ટમાં ગ્લોબલ વોર્મિંગને કારણે દરિયાઈ સ્તરમાં વધારો થવાની અસર અંગે અનેક ગંભીર ચેતવણીઓ આપવામાં આવી છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિમનદીઓ અને બરફની ચાદર પીગળી રહી છે અને પાણી ગરમ થઈ રહ્યું છે, જેનાથી મિલકત, લોકો અને સંસ્કૃતિઓ પણ પ્રભાવિત થઈ રહી છે.
55મી પેસિફિક આઇલેન્ડ્સ ફોરમ લીડર્સ મીટિંગમાં સેક્રેટરી-જનરલ અમીના મોહમ્મદ દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, 2024 સુધીમાં વાર્ષિક દરિયાઈ સ્તરમાં વધારો અત્યાર સુધીના સૌથી વધુ સ્તરે પહોંચી ગયો છે, જે લગભગ 6 મિલીમીટર છે.
આ બેઠકનું આયોજન પેસિફિક ટાપુ રાષ્ટ્ર પલાઉ દ્વારા કરવામાં આવી રહ્યું છે. દરિયાઈ સ્તરમાં વધારો થવાથી તેના ઘણા ટાપુઓ ઘણી હદ સુધી ડૂબી શકે છે, જે આ ગંભીર ખતરાને બહાર લાવે છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, દક્ષિણ એશિયાના નીચાણવાળા ડેલ્ટા પ્રદેશો અને ભારતમાં કોલકાતા અને મુંબઈ અને બાંગ્લાદેશમાં ઢાકા જેવા શહેરોમાં લોકોના વિસ્થાપનના સ્વરૂપમાં સૌથી મોટી અસર જોવા મળી રહી છે. 1.4 કરોડથી વધુ લોકો કાયમ માટે પોતાના ઘર ગુમાવી શકે એવું જોખમ છે.

આ અહેવાલમાં આ ભયાનક પરિસ્થિતિ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નક્કી કરવામાં આવી નથી. ન્યુ યોર્કમાં એક પ્રેસ કોન્ફરન્સમાં, સહાયક મહાસચિવ નવીદ હનીફે જણાવ્યું હતું કે, સમુદ્રનું સ્તર વધવું એક પડકાર ઉભો કરે છે, કારણ કે તે વિસ્તારોમાં લોકો તેમના દરિયાકાંઠાના વિસ્તારો ગુમાવી રહ્યા છે. દરિયાના સ્તરમાં વધારો થવાની અસર ફક્ત દરિયાકાંઠાના વિસ્તારો સુધી મર્યાદિત નથી.
નવીદ હનીફે કહ્યું, ‘કૃપા કરીને સમુદ્રના સ્તરમાં વધારો એક મોટી પ્રણાલીગત સમસ્યા તરીકે જુઓ, કારણ કે તે આરોગ્ય, ખાદ્ય સુરક્ષા, માનવ અધિકારો અને સંસ્કૃતિને અસર કરશે. તમે તમારી પૂર્વજોની જમીન અને તમારી ઓળખ ગુમાવશો. તેથી, સરકારોએ આ મુદ્દાને તેમની આયોજન પ્રક્રિયાઓમાં સામેલ કરવા માટે એક વ્યાપક અભિગમ અપનાવવાની જરૂર છે.’

ગયા અઠવાડિયે, નેપાળ-તિબેટ સરહદ પર હિમાલયમાં એક હિમનદી તૂટી પડવાથી અને નીચે પડવાથી પાણી અને કાદવ જેવી સુનામી આવી, સેંકડો લોકો માર્યા ગયા અને ઘણા વિસ્તારોનો નાશ થઇ ગયો. દક્ષિણ એશિયા પર હિમનદીઓના પીગળવાની અસર વિશે પૂછવામાં આવતા, હનીફે કહ્યું કે, હિમાલયની હિમનદીઓને ‘ત્રીજો ધ્રુવ’ માનવામાં આવે છે.
નવીદ હનીફે કહ્યું કે, આપણી પાસે ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ છે, અને દક્ષિણ એશિયામાં વિશ્વની હિમનદીઓના મોટા જથ્થાનું સ્થળ હોવાથી, તેને ‘ત્રીજો ધ્રુવ’ માનવામાં આવે છે. આગામી 15થી 20 વર્ષોમાં, દક્ષિણ એશિયામાં હિમનદીઓ પીગળવાને કારણે પૂરનું જોખમ રહેશે. તેમણે કહ્યું કે આ પછી દુષ્કાળ આવી શકે છે, જે પાક અને ખાદ્ય સુરક્ષાને અસર કરી શકે છે, જેનાથી ખુબ મોટું જોખમ ઉભું થઈ શકે છે.

અહેવાલમાં જણાવાયું છે કે, દરિયાઈ સ્તરમાં થયેલા વધારાને કારણે પહેલાથી જ શહેરી માળખાકીય સુવિધાઓ, પાણી પ્રણાલીઓ, પરિવહન, ઉર્જા ગ્રીડ, ઇમારતો અને ભૂગર્ભજળ સંસાધનોને નુકસાન થઇ રહ્યું છે.