fbpx

કિંજલ રબારી કેસમાં વળાંક: PSI પર હુમલો, 2 સમાજ સામ-સામે, કિંજલે CPને લેટર લખ્યો

Spread the love

કિંજલ રબારી કેસમાં વળાંક: PSI પર હુમલો, 2 સમાજ સામ-સામે, કિંજલે CPને લેટર લખ્યો

લોકગાયિકા કિંજલ રબારીના અપહરણ અને લગ્ન વિવાદનો મામલો વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. આ વિવાદને કારણે બે જ્ઞાતિઓ સામસામે આવી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે, જેને પગલે આવનારા દિવસોમાં મામલો વધુ ઉગ્ર બનવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આજે (7 સપ્ટેમ્બર) કિંજલના પિયર રાધનપુર તાલુકાના સિનાડ ગામે 50થી 60 લોકોના ટોળાએ ચૌધરી સમાજના PSI પર હુમલો કરી દેતા અફરાતફરી મચી ગઈ હતી.

બીજી તરફ, આ સમગ્ર વિવાદ વચ્ચે ગાયિકા કિંજલ રબારીએ અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર લખીને સ્પષ્ટતા કરી છે કે તેનું કોઈ અપહરણ થયું નથી. પત્રમાં કિંજલે ચોંકાવનારા ખુલાસા કરતા લખ્યું છે કે, તે તેના પતિ અશોક ચૌધરી સાથે ક્યારેય છૂટાછેડા લેવા માંગતી નહોતી. પરિવારે બળજબરીપૂર્વક હાઈકોર્ટમાં તેની પાસે જવાબ અપાવ્યો હતો અને ત્યારબાદ મરજી વિરુદ્ધ મુકેશ દેસાઈ સાથે તેને સોંપી દીધી હતી. કિંજલે આક્ષેપ કર્યો છે કે મુકેશ તેની સાથે બળજબરી કરતો હતો.

04

કિંજલે પોલીસ કમિશનરને લેટર લખીને કહ્યું હતું કે- મારી ઉંમર 25 વર્ષ છે. મેં બીએસસી એમએલટીનો અભ્યાસ કર્યો છે. અભ્યાસ દરમિયાન રાધનપુર અપડાઉન કરતી હતી, ત્યારે અશોક ચૌધરીના સંપર્કમાં આવી હતી. અમારો આ પરિચય પ્રેમમાં પરિવર્તિત થયો હતો. જેથી અમે બંને જીવનભર સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો અને તે નિર્ણય પ્રમાણે 2, મે 2024ના રોજ હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા હતા.લગ્ન પછી પતિ પત્ની તરીકે સંબંધ રાખ્યા હતા અને તે પછી અમારા બંનેના કુટુંબીજનોને લગ્ન સ્વીકારવા વિનંતી કરી હતી. પરંતુ અમારા કુંટુંબવાળા ના માનતા હોવાથી 10 માર્ચ 2026ના રોજ મારા પિતાના ઘરનો ત્યાગ કરીને હું અને અશોક સાથે પતિ પત્ની તરીકે રહેતા હતા.મારા પિયર પક્ષના લોકોએ બળજબરીથી મને છુટા પાડી ઘરે લઈ ગયા હતા. ઘરે લઈ જઈ ગોંધી રાખી અને મને ઘરની બહાર જવા દેતા નહોતા. મારો મોબાઇલ પણ લઈ લીધો હતો અને બળજબરીથી રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની અરજી અપાવી હતી. મારે અશોકથી ક્યારે છૂટાછેડા લેવાના નહોતા અને બળજબરીથી કોર્ટમાં મને હાઈકોર્ટમાં જવાબ પણ અપાવ્યો હતો.મારા પરિવારે બળજબરીથી મને મુકેશ દેસાઈને સોંપી દીધી હતી તે મારી સાથે બળજબરી કરતો હતો. જેથી મોકો મળતા મારા પતિ અશોકનો સંપર્ક કરી તેને બોલાવી 6 સપ્ટેમ્બરે મારી મરજીથી અશોક સાથે આવી છું. મારું કોઈ અપહરણ કરવામાં આવ્યું નથી કે મારી સાથે કોઈ પણ બળજબરી કરવામાં આવી નથી. તેમ છતાં મારા પરિવારના લોકો અને મુકેશ કોઈ ખોટી કાર્યવાહી કે ફરિયાદ કરે એમ હોય જેથી આપને અમારો જવાબ મોકલી આપું છું. આ સાચી હકીકત છે અને મારી સાથે થયેલા અન્યાય વિરુદ્ધ કાર્યવાહી કરવા વિનંતી છે.

પ્રેમ સંબંધથી લઈને વિવાદ સુધીની વિગતવાર ટાઈમલાઈન

  • ઓળખાણ અને લગ્ન: સિનાડ ગામની વતની કિંજલ રબારી અભ્યાસ અર્થે રાધનપુર આવ-જા કરતી હતી ત્યારે તેની મુલાકાત અશોક ચૌધરી સાથે થઈ હતી. બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા તેમણે 2 મે 2024ના રોજ હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી લગ્ન કરી લીધા હતા.
  • ઘર છોડવું અને વિવાદ: પરિવારે આ લગ્ન સંબંધને ન સ્વીકારતા, બંનેએ 10 માર્ચ 2026ના રોજ ઘર છોડીને સાથે રહેવાનું શરૂ કર્યું હતું.
  • બળજબરીથી છૂટાછેડા અને બીજા લગ્ન: કિંજલના આક્ષેપ મુજબ, ત્યારબાદ પરિવારે તેને બળજબરીથી ઘરે લાવી ગોંધી રાખી હતી અને તેની ઈચ્છા વિરુદ્ધ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરાવવામાં આવી હતી. બાદમાં સમાજની વિધિ મુજબ તેના લગ્ન મુકેશ દેસાઈ સાથે કરાવી દેવાયા હતા.
  • અપહરણનું નાટક અને વીડિયો સપાટી પર: ગઈકાલે (6 સપ્ટેમ્બર) અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી કિંજલનું કારમાં આવેલા અજાણ્યા શખસોએ અપહરણ કર્યું હોવાની જાણ મુકેશ દેસાઈએ અમદાવાદ પોલીસને કરી હતી. જોકે, પોલીસે સ્થળ પર પહોંચી સીસીટીવી (CCTV) ચકાસતા કિંજલ પોતાની મરજીથી કારમાં બેસતી જોવા મળી હતી. ત્યારબાદ કિંજલનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેણે અપહરણનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે તે સ્વેચ્છાએ જ પોતાના પતિ અશોક ચૌધરી પાસે પાછી ગઈ છે.

આ અંગે કિંજલ રબારી અને અશોક ચૌધરીના વકીલ હીના ઠક્કરે જણાવ્યું હતું કે, કિંજલનું કોઈ અપહરણ થયું નથી, તેણે પોતે ફોન કરીને અશોક ચૌધરીને બોલાવ્યો હતો અને બંને સાથે ગયા છે. કિંજલના છૂટાછેડાનો મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે અને કોર્ટે કિંજલને હાજર રહેવા આદેશ કર્યો છે. કાયદાકીય છૂટાછેડા વિના કરાયેલા બીજા લગ્ન ગેરકાયદેસર છે.

ઘટના અંગે રાધનપુર પોલીસ સ્ટેશનના PSI એચ.વી. ચૌધરીએ માહિતી આપતા જણાવ્યું હતું કે, સિનાડ ગામે કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આજે (7 સપ્ટેમ્બર) સોમવાર અને અગિયારસનો પવિત્ર દિવસ હોવાથી ચૌધરી સમાજના લોકો ગામમાં આવેલા લાખનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ સમયે દેસાઈ સમાજના લોકો તેમને દર્શન કરવા જતા રોકી રહ્યા હતા.

ત્યાં તૈનાત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ શ્રદ્ધાળુઓને ન રોકવા અને શાંતિપૂર્વક દર્શન કરવા દેવા માટે લોકોને સમજાવવાના પ્રયાસો કર્યા હતા. આ દરમિયાન મહિલાઓ સહિત 50થી 60 લોકોના ટોળાએ પોલીસ કાફલા પર અચાનક હુમલો કરી દીધો હતો. ઘટનાસ્થળે DYSP, PI સહિતનો પોલીસ બંદોબસ્ત હાજર હોવા છતાં થયેલા આ હુમલામાં PSI એચ.વી. ચૌધરી અને અન્ય એક પોલીસ કર્મચારીને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત પોલીસકર્મીઓને તાત્કાલિક અસરથી વધુ સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ (સિવિલ) ખાતે ખસેડવામાં આવ્યા છે.

03

ઉલ્લેખનીય છે કે, રાધનપુરના સિનાડ ગામની વતની કિંજલ રબારી એક અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે. સરકારી શાળામાં અભ્યાસ કરતી વખતે શિક્ષકોના પ્રોત્સાહનને કારણે તેણે ગાયકી ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. પોતાની અથાક મહેનતના બળે તે ‘કોયલ કંઠી’ ગાયિકા તરીકે ઉભરી આવી હતી અને અનેક લોકગીતો તથા લગ્નગીતો દ્વારા સમગ્ર ગુજરાતમાં જાણીતી બની છે. હાલ આ કૌટુંબિક અને જ્ઞાતિગત વિવાદને પગલે ગામમાં ભારે ટેન્શનનો માહોલ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરી દેવાયો છે.

Leave a Reply

error: Content is protected !!