
ભાવનગરમાં લઠ્ઠાકાંડને હજુ મહિનો પણ થયો નથી ત્યાં હાદાનગર વિસ્તારમાં રેલવે કોલોનીના એક સરકારી ક્વાર્ટરમાંથી નકલી રોયલ સ્ટેગ દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને બોરતળાવ પોલીસે સંયુક્ત દરોડો પાડીને ઘટનાસ્થળેથી રેલવે કર્મચારી અક્ષયરાજસિંહ ગોહિલ, તેના ભાગીદાર વિજય ઉર્ફે મયંક મકવાણા અને તેમના પગારદાર કર્મચારી જીતેન્દ્ર ખાવડીયાને ઝડપી લીધા હતા. સાથે જ ફેક્ટરીમાંથી નકલી દારૂ ભરેલી રોયલ સ્ટેગની 17 બોટલ, સ્ટીકરો, કેમિકલના કેરબા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, LCB પોલીસે રેલવે કર્મચારી અક્ષયરાજસિંહના સરકારી ક્વાર્ટર પર રેડ કરી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂના ચપટા, Imperial Blueની બોટલના સ્ટીકરો તેમજ બોટલોને સીલ-પેક કરવા માટેના મશીનો મળી આવ્યા હતા. આ ઉપરાંત દારૂ બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું હોવાનું જણાવાયેલું કેમિકલ પણ સ્થળ પરથી મળ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં આ સરકારી ક્વાર્ટરમાંથી જ ડુપ્લિકેટ વિદેશી દારૂ તૈયાર કરી તેને બોટલમાં ભરીને પેક કરવાની કામગીરી થતી હોવાની વિગતો સામે આવી છે. દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, LCBની તપાસમાં અક્ષયરાજસિંહ અને વિજય ઉર્ફે મયંક ભાગીદારીમાં દારૂ બનાવવાની ફેક્ટરી ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. જ્યારે જીતેન્દ્ર ખાવડીયાને પગારદાર કર્મચારી તરીકે રાખવામાં આવ્યો હતો.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, પોલીસ પૂછપરછમાં ઝડપાયેલા આરોપી અક્ષયરાજસિંહે ખુલાસો કર્યો હતો કે, તેના બનેવી રામદેવસિંહ ઝાલા (રહે. મોરબી) માર્ફતે રાજસ્થાનના અર્જૂનસિંહ સોઢા અને સૂર્યપ્રતાપસિંગ રાઠોડ (રહે. બ્યાવર, રાજસ્થાન) સાથે સંપર્ક થયો હતો. રાજસ્થાનના અજીતસિંગ ઉર્ફે બન્ના રાઠોડે પાર્સલ માર્ફતે દારૂ બનાવવાની સામગ્રી મોકલી આપી હતી અને સૂર્યપ્રતાપસિંગે ભાવનગર આવીને બનાવટી દારૂ બનાવી બોટલિંગ કરી આપ્યું હતું. તૈયાર થયેલ દારૂનું વેચાણ વિજય ઉર્ફે મયંક મારફતે સ્થાનિક બુટલેગરોને કરવામાં આવતું હતું.
માહિતી પણ સામે આવી છે કે, પૂછપરછ દરમિયાન આરોપીઓએ કેરબામાં રહેલું કેમિકલ ઢોળી નાખ્યું હોવાનું સ્વીકાર્યું હતું. જોકે, કેમિકલ સહિત કબજે કરાયેલા તમામ મુદ્દામાલની તપાસ બાદ ડુપ્લિકેટ દારૂ બનાવવાની સમગ્ર પ્રક્રિયા અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે વધુ વિગતો બહાર આવી શકે છે. LCB પોલીસે રેલવે કર્મચારી સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી મળેલા મુદ્દામાલના આધારે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીઓ સામે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
હાલ બોરતળાવ પોલીસ મથકમાં આ ત્રણેય શખ્સો સામે પ્રોહિબિશન સહિતની કલમો હેઠળ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ દારૂ કેટલા સમયથી બનાવવામાં આવતો હતો અને બજારમાં કેટલો માલ વેચાયો છે તે અંગે ક્રાઇમ બ્રાન્ચે સઘન તપાસ શરૂ કરી છે.

આ કેસમાં 7 શખ્સો હજુ પણ ફરાર છે. પકડાયેલા વિજય ઉર્ફે મયંક નામના શખસે ખાટડીના બુટલેગર શક્તિસિંહ અને મંત્રેશ કોમ્પલેક્સ પાસે રહેતા ભાવેશ સોલંકી અને ચિત્રાના શરદ લીંબા ચાવડાને દારૂની બોટલો વેચાણ માટે આપી હતી. પકડાયેલો જીતેન્દ્ર ખાવડીયા ઈંગ્લિશ દારૂ બનાવવા અને તેના સાધનો અને સામગ્રી માટે દેખરેખ કરતો હતો. આ મામલે રાજસ્થાન, મોરબી, ભાવનગર શહેર અને જિલ્લાના મળી કુલ 10 વ્યક્તિઓના નામ સામે આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગર લઠ્ઠાકાંડમાં 14 લોકોના મોત બાદ પણ બુટલેગરો સુધરવાનું નામ નથી લેતા. ભાવનગરમાં અગાઉ લઠ્ઠાકાંડ બાદ દારૂના ગેરકાયદે નેટવર્ક સામે પોલીસની કામગીરી ચર્ચામાં રહી હતી. ત્યારે ફરી એક વખત સરકારી ક્વાર્ટરમાંથી જ ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાનું યુનિટ ઝડપાતા પોલીસ અને વહીવટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. હવે તપાસમાં આ દારૂ ક્યાં સપ્લાય થતો હતો અને આ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે જોવું મહત્ત્વનું રહેશે.