પ્રાંતિજ સહિત તાલુકામાં મેઘમહેર, મુઝાતા પાકને મળ્યું નવુ જીવનદાન
લાંબા વિરામ બાદ સવારથી ગાજવીજ સાથે વરસાદ
બપોર સુધીમાં અઢી ઇંચ જેટલો વરસાદ
ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશી
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘમહેર થતાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સોમવારે સવારથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બાદ ગાજવીજ સાથે ધીમીધારે વરસાદ શરૂ થયો હતો સવારથી બપોર સુધી સતત વરસાદ વરસતા પ્રાંતિજ પંથકમાં અંદાજે અઢી ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો
વરસાદના અભાવે મુઝાતા ડાંગર સહિતના પાકને મેઘમહેરથી નવુ જીવનદાન મળતા ડાંગર પકવતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ખેડૂતો માટે વરસાદ કાચા સોના સમાન સાબિત થયો હતો. ખેતરોમાં પાણી પહોંચતા પાકને જરૂરી ભેજ મળતાં ખેડૂતોમાં હવે સારા ઉત્પાદનની આશા જાગી છે બીજી તરફ સવારથી વરસેલા વરસાદના કારણે પ્રાંતિજ નગરના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. હનુમાન મંદિર વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા સ્થાનિકોમાં પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા હતા પ્રાંતિજમાં હિન્દુત્વની વાતો કરતી ભાજપ શાસિત પાલિકા સામે હવે વરસાદી પાણીની સમસ્યાને લઈને સવાલો ઉઠી રહ્યા છે હનુમાન મંદિર જેવા ધાર્મિક સ્થળે દર વર્ષે ચોમાસામાં ગંદુ અને વરસાદી પાણી ભરાતું હોવા છતાં તેનો કાયમી ઉકેલ કેમ લાવવામાં આવતો નથી તેવો સવાલ સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યો છે ધાર્મિક સ્થળોની સ્વચ્છતા અને વ્યવસ્થાની વાત કરતી પાલિકા હનુમાન મંદિર આસપાસ પાણી ભરાવાની સમસ્યા દૂર કરવામાં કેમ નિષ્ફળ રહી છે? શું દર વર્ષે વરસાદ આવે ત્યારે પાણી ભરાય અને ત્યારબાદ પાલિકા તંત્ર માત્ર કામગીરીના દાવા કરે તે જ વ્યવસ્થા રહેશે? સ્થાનિકો દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ કરવામાં આવી છે વરસાદના કારણે રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી હતી અને સવારથી વરસાદી માહોલ રહેતા જનજીવન પણ પ્રભાવિત થયું હતુંજોકે, બીજી તરફ અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જાણે કુદરતી એસી ચાલુ થઈ ગયું હોય તેમ નગરજનોને ગરમીમાંથી મોટી રાહત મળી હતી. લાંબા વિરામ બાદ મેઘરાજાની મહેર થતાં ખેડૂતો તેમજ સામાન્ય નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો









