fbpx

શેરબજારમાં સ્થિતિ ખૂબ જ ખરાબ, 2026માં વિદેશી રોકાણકારોએ રૂ.4 લાખ કરોડ કાઢી લીધા, સરકારે પગલા લેવા પડશે

Spread the love

શેરબજારમાં સ્થિતિ ખૂબ જ ખરાબ, 2026માં વિદેશી રોકાણકારોએ રૂ.4 લાખ કરોડ કાઢી લીધા, સરકારે પગલા લેવા પડશે

અમેરિકી બજારોમાં ઘટાડો થાય છે, ત્યારે ભારતીય બજારમાં પણ ઘટાડો થાય તે સમજી શકાય છે, પરંતુ જ્યારે અમેરિકી બજારોમાં તેજી વધે છે, ત્યારે પણ ભારતીય બજારમાં ઘટાડો જોવા મળે તે વિચારવા મજબૂર કરે છે. બજાર માટે સમાચાર સારા હોય કે ખરાબ, કડાકો બંને પરિસ્થિતિઓમાં અનિવાર્ય લાગે છે. છેલ્લા 10 મહિના કે તેથી વધુ સમયથી આપણા શેરબજારમાં આ જ વલણ જોવા મળી રહ્યું છે.

યાદ કરો બજેટનો દિવસ, જ્યારે સ્થાનિક કે વિદેશી રોકાણકારો, સૌની નજર સરકાર પર હતી અને તેઓ બજારને અત્યંત જરૂરી વેગ મળવાની આશા રાખી રહ્યા હતા. તે અપેક્ષાઓ પૂરી થઈ નહીં; તેના બદલે, ફ્યૂચર્સ એન્ડ ઓપ્શન્સ ટ્રેડિંગ પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વધારવામાં આવ્યો, જેના કારણે તે જ દિવસે બજારમાં મોટો ઘટાડો થયો. શું STT વધારવાનો નિર્ણય યોગ્ય હતો? વર્તમાન પરિસ્થિતિમાં તો તે યોગ્ય જણાતું નથી.

ત્યારબાદ પણ એવી ઘણી ઘટનાઓ બની, જ્યારે લાગ્યું કે સરકાર શેરબજારને સ્થિર કરવા માટે હસ્તક્ષેપ કરી શકે છે, પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ તે આશાઓ પણ નઠારી નીવડી. જ્યારે આ વર્ષે માર્ચ મહિનામાં બજારમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો, ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે સરકાર ઉદ્યોગના નિષ્ણાતો સાથે પરામર્શ કરી રહી છે. આનાથી રોકાણકારોમાં એવી આશા જાગી કે કેપિટલ ગેઈન્સ ટેક્સ અથવા STT અંગે કોઈ રાહત મળી શકે છે. પરંતુ કમનસીબે, તે બાબતને પણ બાજુ પર મૂકી દેવામાં આવી. ત્યારબાદ, ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ અને ભારતીય ચલણમાં સતત થતા ઘટાડાએ પરિસ્થિતિને વધુ બગાડી નાખી.

દરેક જાણે છે કે બજારમાં શા માટે કડાકો જોવા મળી રહ્યો છે, સરકાર પણ જાણે છે. તેનું માત્ર ખૂબ મોટું કારણ વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવતું વેચાણ છે. વિદેશી રોકાણકારો દરરોજ ભારતીય બજારમાંથી પૈસા ઉપાડી રહ્યા છે. વર્ષ 2026માં અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારો ભારતીય શેરબજારમાંથી રૂ.4 લાખ કરોડથી વધુ રકમ કાઢી ચૂક્યા છે, આ આંકડો એટલો રોકાણકારો માટે ચિંતાજનક છે. માત્ર છેલ્લા 9 દિવસમાં જ તેમણે ભારતીય બજારોમાંથી અંદાજે રૂ.60,000 કરોડ કાઢી લીધા છે.

share-market-crash

વિદેશી રોકાણકારોની આ ઉદાસીનતા વચ્ચે આપણું બજાર કોઇક રીતે જળવાઇ રહ્યું છે. તેનું મુખ્ય કારણ સ્થાનિક છૂટક રોકાણકારોનું મોટું યોગદાન છે, જે તાજેતરના વર્ષોમાં એક તાકત બનીને ઉભરી આવ્યું છે. ડાયરેક્ટ ઇક્વિટી માર્કેચ અને મ્યૂચ્યુઅલ ફંડ્સ દ્વારા સામાન્ય ભારતીયોએ બજારમાં જે વિશ્વાસ દર્શાવ્યો છે, તેના કારણે શેરબજારના સૂચકાંકો મોટા ઝટકાઓ સામે ટકી શક્યા છે. પરંતુ, કઠોર વાસ્તવિકતા એ છે કે વિદેશી રોકાણકારો વિના લાંબા ગાળે ભારતીય શેરબજારને ટકાવી રાખવું મુશ્કેલ છે. એવામાં સરકારની જવાબદારી વધી જાય છે.

ખાસ કરીને, વિદેશી રોકાણકારો દ્વારા કરવામાં આવતી આડેધડ વેચવાલીને રોકવા માટે સરકારે અસરકારક પગલાં લેવાની જરૂર છે. માત્ર વિદેશી રોકાણકારીની ટીકા કરવાથી કંઈ થશે નહીં; વિદેશી રોકાણકારો ત્યાં જ પૈસા લગાવે છે જ્યાં તેમને બહેતર રિસ્ક-ટૂ-રિવોર્ડ અને મજબૂત વળતરની સંભાવના દેખાય છે. આખરે ભારતીય બજાર તેમને પહેલાં જેટલું આકર્ષક કેમ નથી લાગતું? આપણે આ મૂળભૂત પ્રશ્નનો જવાબ શોધવો પડશે અને તેનો ઉકેલ પણ લાવવો પડશે. આ ગંભીર પરિસ્થિતિ પ્રત્યે આંખ આડા કાન કરવાથી સ્થિતિ નહીં સુધરે; ઉલટાનું, તેનાથી પરિસ્થિતિ વધુ બગડી શકે છે. ભારતીય શેરબજારનો મુખ્ય સૂચકાંક ‘નિફ્ટી’ તેની હાઇ સપાટીથી 15% થી વધુ ગગડી ગયો છે. આ આંકડો રોકાણકારોના પોર્ટફોલિયોને ભારે નુકસાન પહોંચાડવા માટે પૂરતો છે.

નિષ્ણાતો માને છે કે ભારતીય બજારમાં જટિલતાઓ અને ટેક્સ જાળને કારણે વિદેશી રોકાણકારો નિરાશ અને હતાશ છે. ભારતમાં લોંગ-ટર્મ કેપિટલ ગેઇન્સ (LTCG) 12.5% અને શોર્ટ-ટર્મ કેપિટલ ગેઇન્સ (STCG) 20%છે. જે ટેક્સ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) માટે ચિંતાનો વિષય છે. આ ઉપરાંત, F&O ટ્રેડ્સ પર વધારવામાં આવેલો સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) વિદેશી ફંડ્સના માર્જિનને વધુ ઘટાડે છે. રહેલી કસર રૂપિયો પૂરી કરી રહ્યો છે.

જો શેરબજાર સ્થિર રહે અથવા તેમાં નજીવો ઘટાડો થાય અને રૂપિયો ઝડપથી ગગડી જાય, તો વિદેશી રોકાણકારોને ડોલરના સંદર્ભમાં સીધા નુકસાન એટલે કે નેગેટિવ રિટર્નનો ભય સતાવવા લાગે છે. અસલી વાત એ છે કે જ્યાં સુધી રૂપિયો સ્થિર નહીં થાય ત્યાં સુધી વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં મોટી ખરીદી કરવા માટે ખચકાતા રહેશે. આ દરમિયાન, અમેરિકામાં ઊંચા વ્યાજ દરો અને વધતી જતી બોન્ડ યીલ્ડને કારણે વિદેશી રોકાણકારોને ડોલરના સંદર્ભમાં 5% થી વધુનું સુરક્ષિત રિટર્ન ડોલર મળી જાય છે. આવી સ્થિતિમાં નબળા થતા રૂપિયાવાળા ઇમર્જિંગ માર્કેટના રિસ્કી ઇક્વિટી માર્કેટમાં તેમને પૈસા લગાવવું એ ફાયદાનો સોદો લાગતો નથી.

share-market-crash1

બજારમાં ચાલી રહેલી અસ્થિરતા વચ્ચે એ પ્રશ્ન ઊભો થાય છે કે વિદેશી રોકાણકારોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી પગલાં લેવામાં સરકાર આટલો વિલંબ કેમ કરી રહી છે? સૌપ્રથમ તો સરકારે એ પ્રાથમિક કારણોની મૂળ સુધી જવાની જરૂર છે કે શા માટે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી બહાર નીકળી રહ્યા છે. તેમની વાસ્તવિક ફરિયાદો શું છે? શું LTCG  દરો ચિંતાનો વિષય છે, કે પછી F&O પર વધેલો STT  અને બાયબેક પર બદલેલા નિયમો, તેમના વળતરમાં ઘટાડો કરી રહ્યા છે? ટેક્સ સંરચનામાં ક્યાં કપાત કે કે છૂટછાટ આપીને રોકી શકાય છે, તેના પર ટે તાત્કાલિક નીતિગત નિર્ણયો લેવાની જરૂર છે.

બીજી તરફ, જો છૂટક રોકાણકારો આજના બજારમાં અસલી તાકત બનીને ઉભરી આવ્યા છે, તો પછી તેમને અનિશ્ચિતતાની મઝધારમાં કેમ છોડવામાં આવી રહ્યા છે? લગભગ બે વર્ષથી બજાર એક સીમિત દાયરામાં ફસાયેલું છે અને સતત નીચેની તરફ સરકી રહ્યું છે. ઉપરથી, દરેક સ્તરે લાદવામાં આવતો ટેક્સનો બોજ નાના રોકાણકારોના નફાને ઘટાડી રહ્યો છે.

હવે તો રિટેલ રોકાણકારોને પણ આ ઘટાડેથી ખૂબ દર્દ થઇ રહ્યું છે. પોતાની મહેનતની કમાણી, બચતના પૈસા દેશની અર્થવ્યવસ્થા પર ભરોસો કરીને બજારમાં લગાવી છે. ચારે બાજુ પ્રવર્તતી અનિશ્ચિતતા વચ્ચે, સરકાર પાસેથી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે અને વર્તમાન પરિસ્થિતિ કહી રહી છે કે નક્કર પગલાં લેવામાં આવે. ટેક્સથી લઇને અન્ય સુધારાઓ અંગે માત્ર સમીક્ષા નહીં, પરંતુ નિર્ણયો લેવાનો સમય આવી ગયો છે. જો અત્યારે મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં નહીં આવે, તો રિટેલ રોકાણકારોનો વિશ્વાસ ડગમગવા લાગશે, જે ભારતીય નાણાકીય બજારના માળખા માટે મોટો ઝટકો સાબિત થશે.

Leave a Reply

error: Content is protected !!