
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (એડીશનલ) દ્વારા એક જ પરિવારના ત્રણ ગ્રાહકોની ફરિયાદો, ગ્રાહક સુરક્ષા ધારામાં ઠરાવેલી 2 વર્ષની નિયત સમય મર્યાદા વીતી ગયા બાદ દાખલ કરાયેલ હોવાથી, સમય મર્યાદાનો બાધ નડતો હોવાનું ઠરાવી ત્રણેય કાયદાકીય સમયમર્યાદાને ધ્યાને રાખીને બેંક સામેની ગ્રાહક ફરિયાદ ના મંજૂર કરતો હુકમ કર્યો છે.
કેસની વિગત મુજબ સુરતના રહીશે બેન્ક ઓફ બરોડા (સુરત) સામે ગ્રાહક કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદીએ વર્ષ 2014માં રૂ. 80,480/- ના બે ચેક પોતાના ચાલુ ખાતામાં જમા કરાવ્યા હતા, જે તે સમયે ક્લિયર થઈને ખાતામાં જમા થઈ ગયા હતા. પરંતુ 4 વર્ષ બાદ બેંકે કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વગર આ રકમ ખાતામાંથી ઉધારી (ડેબિટ કરી) લીધી હતી. જેથી ફરિયાદીએ સેવામાં ખામીનો આક્ષેપ મૂકી વ્યાજ સાથે રકમ પરત મેળવવા તથા માનસિક ત્રાસ અને પ્રતિષ્ઠાની હાની બદલ વળતરની માંગણી સાથે ફરિયાદ નોંધાવી હતી.

એ જ રીતે બીજા રહીશે વર્ષ 2014માં રૂ. 88,820/- ના બે ચેક પોતાના બેન્ક ઓફ બરોડામાં ચાલતા ચાલુ ખાતામાં જમા કરાવ્યા હતા, જે તે સમયે જે તે રકમ ફરિયાદીના ખાતામાં જમા થઈ ગયા હતા. પરંતુ 4 વર્ષ બાદ બેંકે કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વગર આ રકમ ખાતામાંથી ઉધારી (ડેબિટ કરી) લીધી હતી. જેથી ફરિયાદીએ સેવામાં ખામીનો આક્ષેપ મૂકી વ્યાજ સાથે રકમ પરત મેળવવા તથા માનસિક ત્રાસ અને પ્રતિષ્ઠાની હાની બદલ વળતરની માંગણી સાથે બેન્ક ઓફ બરોડા વિરુદ્ધ ગ્રાહક કમિશનમાં ફરિયાદ નોંધાવી હતી.
એ જ રીતે સુરતના રહીશે વર્ષ 2014માં રૂ. 8,૦૦૦/- ના બે ચેક બેન્ક ઓફ બરોડા ચાલતા પોતાના ચાલુ ખાતામાં જમા કરાવ્યા હતા, જે તે સમયે ચેક રકમ ફરિયાદીના ખાતામાં જમા થઈ ગયા હતા. પરંતુ ૪ વર્ષ બાદ બેંકે કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વગર આ રકમ ખાતામાંથી ઉધારી (ડેબિટ કરી) લીધી હતી. જેથી ફરિયાદીએ સેવામાં ખામીનો આક્ષેપ મૂકી વ્યાજ સાથે રકમ પરત મેળવવા તથા માનસિક ત્રાસ અને પ્રતિષ્ઠાની હાની બદલ વળતરની માંગણી સાથે ફરિયાદ નોંધાવી હતી.
બેન્ક ઓફ બરોડા તરફથી ઉપરોક્ત ત્રણેય કેસોમાં એડવોકેટ શ્રેયસ દેસાઈ તથા એડવોકેટ ઈશાન દેસાઈ તથા પ્રાચી અર્પિત દેસાઈ મુખ્યત્વે રજૂઆત કરી હતી કે:
1. ફરિયાદી વેપાર/કોમર્શિયલ હેતુ માટે ચાલુ ખાતું ધરાવે છે, તેથી તેઓ ગ્રાહક સુરક્ષા ધારા હેઠળ ‘ગ્રાહક’ની વ્યાખ્યામાં આવતા નથી.
2. ચેક ટ્રાન્ઝેક્શન સિસ્ટમ (CTS) માં યાંત્રિક ખામીના કારણે જે તે સમયે પ્રોસેસ થઈ શક્યો ન હતો, જેના કારણે ફરિયાદીને રકમ યાંત્રિક ખામીને કારણે ચેકની રકમ ખોટી રીતે જમા મળી હતી.
3. પાછળથી ઓડિટ સમયે જે તે ચેકની રકમ બેન્ક ને જમા મળી ન હોવાથી ચેકની રકમ ડેબિટ તા. 03/05/2018 ના રોજ કરવામાં આવી હતી.
૪. વધુમાં, ઉપરોક્ત ત્રણેય ફરિયાદ જે તે ચેકના રકમ ડેબિટ બેન્ક દ્વારા ઉધારવામાં આવી તેના બે વર્ષમાં ગ્રાહક ફરિયાદ કરવામાં આવી ન હતી કાયદાએ ઠરાવેલી. 2 વર્ષની મુદત મર્યાદા વીતી ગયા બાદ ત્રણેય ફરિયાદો ગ્રાહક ફરિયાદમાં દાખલ કરવામાં આવી હોવાથી ફરિયાદોને મુદત મર્યાદાનો બાધ નડતો હતો અને તેથી ફરિયાદો રદ થવાને પાત્ર હતી તેવી પણ રજૂઆત થઈ હતી.

સુરત જિલ્લા ગ્રાહક કમિશન (એડીશનલ)માં પ્રમુખ આર. એલ. ઠક્કર અને સભ્ય પૂર્વીબેન વી. જોષી ની બેન્ચે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 2019ની કલમ-69 અનુસાર ફરિયાદનું કારણ ઉપસ્થિત થયાના 2 વર્ષની અંદર ફરિયાદ દાખલ કરવી અનિવાર્ય છે.
ફરિયાદવાળા જે તે ચેકની રકમ તા. 03/05/2018ના રોજ ડેબિટ થઈ હોવાથી ફરિયાદ તા. 02/05/2020 સુધીમાં દાખલ થવી જોઈતી હતી. પરંતુ ફરિયાદીએ તા. 19/08/2020ના રોજ એટલે કે સમયમર્યાદા વીતી ગયાના લગભગ અઢી માસ પછી ફરિયાદ દાખલ કરી હતી અને વિલંબ માફી માટે કોઈ અરજી પણ કરી ન હતી આમ જણાવી સમયમર્યાદાનું પાલન ન થયેલ હોવાથી આ ત્રણેય ફરિયાદ ના મંજૂર કરવાનો આખરી હુકમ ગ્રાહક કમિશને કર્યો છે.