
બ્રિટિશ મોટરસાયકલોની ક્લાસિક અંદાજ પસંદ કરનારા લોકો માટે BSAએ તેની ‘Gold Star 650’ના બે નવા સ્પેશિયલ એડિશન લોન્ચ કર્યા છે. કંપનીએ તેને ‘Birmingham Blue’ અને ‘Brooklands Black Legacy’ નામ આપ્યું છે. આ બંને મોટરસાયકલોમાં ખાસ કલર સ્કીમ અને પ્રીમિયમ કોસ્મેટિક ફેરફારો કરવામાં આવ્યા છે, જે તેમને સ્ટાન્ડર્ડ મોડેલથી અલગ બનાવે છે.
આકર્ષક લૂક અને શાનદાર એન્જિનથી લેસ આ સ્પેશિયલ એડિશન બાઇકની શરૂઆતની એક્સ-શૉરૂમ કિંમત રૂ.3.56 લાખ છે. જો કે, બંને બાઇકની અલગ-અલગ કિંમતો મુજબ, ‘Birmingham Blue’ની કિંમત રૂ.3.55 લાખ અને ‘Brooklands Black Legacy’ની કિંમત રૂ.3.64 લાખ છે. ‘Birmingham Blue’ એડિશનને ઘેરા વાદળી રંગમાં રજૂ કરવામાં આવી છે, જેમાં સાઇડ પેનલ પર સિલ્વર બેજ આપવામાં આવ્યું છે, જ્યારે એન્જિનને પણ ખાસ ફિનિશિંગ આપવામાં આવી છે. તેનો ક્લાસિક લૂક એ લોકોને પસંદ આવી શકે છે, જે જૂના સમયની બ્રિટિશ મોટરસાયકલોની ડિઝાઇનો પસંદ કરે છે.

તો, ‘Brooklands Black Legacy’નો અંદાજ વધુ પ્રીમિયમ નજરે પડે છે. તેમાં ગાઢ કાળા રંગ સાથે ક્રોમ ફિનિશવાળા ફેન્ડર આપવામાં આવ્યા છે, જેના પર ગોલ્ડ પિનસ્ટ્રાઇપિંગ આપવામાં આવી છે. આ ઉપરાંત, ક્રોમ-ફિનિશ્ડ ફ્યૂઅલ ટેન્ક, ખાસ ડિઝાઈનવાળી ક્વિલ્ટેડ સીટ અને અન્ય કોસ્મેટિક ડિટેલ્સ આને યુનિક ડિઝાઇન આપે છે.
BSAએ આ બંને સ્પેશિયલ એડિશન્સને પોતાના ઇતિહાસ સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. ‘Birmingham Blue’નું નામ બર્મિંઘમ શહેર પરથી રાખવામાં આવ્યું છે. જ્યાંથી આ બ્રિટિશ મોટરસાયકલ બ્રાન્ડની શરૂઆત થઇ હતી. બીજી તરફ ‘Brooklands’ ઇંગ્લેન્ડના પ્રખ્યાત બ્રુકલેન્ડ્સ રેસિંગ સર્કિટથી પ્રેરિત છે. આ પ્રકારે કંપનીએ બંને મોટરસાયકલો દ્વારા પોતાના સમૃદ્ધ વારસા અને ક્લાસિક ઓળખને સામે રાખી છે.

મિકેનિકલ દૃષ્ટિએ, બંને સ્પેશિયલ એડિશનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં રેગ્યુલર મોડેલની જેમ જ 652cc નું લિક્વિડ-કૂલ્ડ, સિંગલ-સિલિન્ડર એન્જિન મળે છે, જે 45bhpનો પાવર અને 55Nm ટોર્ક જનરેટ કરે છે એટલે કે, આ નવા એડિશનમાં સૌથી મોટો ફેરફાર તેના લુક અને ડિઝાઇનમાં છે. ફીચર્સની વાત કરીએ તો, બંને મોટરસાયકલોમાં બ્રેમ્બો બ્રેક્સ, ડ્યૂઅલ-ચેનલ ABS અને વાયર-સ્પોક વ્હીલ્સ આપવામાં આવ્યા છે.