
સુરત. ‘ગરવી વારસો’ નવરાત્રિ મહોત્સવ 2026માં દુર્ગા મહાષ્ટમીના દિવસે પણ ગરબા મેદાનમાં ખેલૈયાઓની ભારે ભીડ ઉમટી પડી હતી. વિશ્વ રેકોર્ડમાં તાજેતરમાં સ્થાન પામેલી 50 ફૂટ ઊંચી ડાંડિયાની જોડી સાથે સેલ્ફી લેવા માટે યુવાનોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ગુજરાતની લોકસંસ્કૃતિ અનુસાર વડોદરાની તર્જ પર યોજાતા પરંપરાગત ગરબામાં ભાગ લેવા માટે સુરતવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

‘ગરવી વારસો’માં અષ્ટમીના દિવસે આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત દત્તાશ્રય આશ્રમના સ્થાપક આચાર્ય પૂ.ભાવિનભાઈ પંડ્યા, આચાર્ય પૂ. મનનભાઈ પંડ્યા, ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી, સુરતનાં મેયર માયાબેન માવાણી, સુરતના ઇન્કમ ટેક્સના ચીફ કમિશનર ડૉ. એન.સી. સ્વાઈન, અમદાવાદનાં ઇન્કમ ટેક્સનાં ચીફ કમિશનર સ્વાતિ જોશી તથા ગુવાહાટીના એસએસબીના ડીઆઈજી રજનીશ લાંબાના હસ્તે માતાજીની મહાઆરતી કરવામાં આવી હતી. આ તમામ મહાનુભાવોએ મેદાનમાં ઉપસ્થિત ખેલૈયાઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે દત્તાશ્રય આશ્રમના સ્થાપક આચાર્ય પૂ. ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય પૂ. મનનભાઈ પંડ્યાએ 1008 હનુમંત યજ્ઞનો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આધ્યાત્મિક અને સામાજિક ક્ષેત્રે તેમના યોગદાન બદલ લંડનની બ્રિટિશ સંસદમાં તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત પણ કરવામાં આવ્યા છે.
મહોત્સવનાં મુખ્ય આકર્ષણો
– 50 ફૂટ ઊંચો વિશ્વ રેકોર્ડધારી ડાંડિયો
– ગાયક સમીર અને વૈશાલી પ્રજાપતિના ઓર્કેસ્ટ્રા દ્વારા વડોદરા જેવા પરંપરાગત ગરબાની પ્રસ્તુતિઓ
– પરંપરાગત ગરબા અને નવરાત્રિના ખેલૈયાઓનો ઉત્સાહ
– હેરિટેજ થીમ અને ગુજરાતની સમૃદ્ધ સંસ્કૃતિની ભવ્ય ઝલક