
કેથોલિક ચર્ચમાં એક પાદરીનું માથા પર ભારે ક્રોસ પડતાં તેનું મૃત્યુ થયું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે પાદરી પેટ્રિક આલ્ફ્રેડો સાંચેઝ મોલિનારી ધાર્મિક ઉપદેશ આપી રહ્યા હતા. અચાનક, તેમની પાછળ દિવાલ પરનો એક ભારે ક્રોસ તેમના માથા પર પડ્યો. તેમને માથામાં ગંભીર ઈજાઓ થઈ અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. આ ઘટના દક્ષિણ અમેરિકાના ઇક્વાડોરના ગુઆયાકિલમાં બની.

ચર્ચ દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ, શનિવારે પાદરી ચર્ચની વેદી નજીક ઉભા હતા અને શ્રદ્ધાળુઓને સંબોધન કરી રહ્યા હતા. આ દરમિયાન તેમની પાછળની દિવાલ પરનો એક ભારે લાકડાનો ક્રોસ અચાનક તેની જગ્યાએથી નીકળી ગયો અને સીધો તેમના પર પડ્યો. ક્રોસ સીધા પાદરીના માથા પર વાગ્યો, જેના કારણે ગંભીર ઈજાઓ થઈ. આ ઘટના દરમિયાન ચર્ચમાંથી પાદરીનું પ્રવચન લાઈવ પ્રસારિત થઈ રહ્યું હતું.
આ દુ:ખદ ઘટના પહેલા, પાદરી જીવન અને મૃત્યુ પર પ્રવચન આપી રહ્યા હતા. તેમના ધર્મોપદેશ દરમિયાન, તેમણે કહ્યું, ‘અહીં હાજર આપણા દરેકનું એક દિવસ મૃત્યુ પણ થઇ જશે, તેથી, ક્યારેક આપણે જે વસ્તુઓ પર આપણો સમય વિતાવીએ છીએ તેનું મહત્વ એટલું વધુ નથી હોતું જેટલું મહત્વ આપણે ઈશ્વર સાથે વિતાવેલા સમયનું હોય છે.’

તેમના ઉપદેશમાં, તેમણે ઈસુ ખ્રિસ્તના ઉપદેશોનો ઉલ્લેખ કર્યો. ચર્ચમાં ઉપસ્થિત શ્રદ્ધાળુઓને સંબોધતા, તેમણે તેમને વિનંતી કરી કે, તેઓ તેમના મોબાઇલ ફોન પર સ્ક્રોલ કરવામાં પોતાનો સમય બગાડે નહીં. તેના બદલે, તેઓએ ભગવાનની પૂજા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.
ગ્વાયાક્વિલના આર્ચડાયોસીસે રવિવારે પાદરીના મૃત્યુની પુષ્ટિ કરી અને ઇન્સ્ટાગ્રામ પર એક સંદેશ પ્રકાશિત કર્યો, જેમાં જણાવ્યું હતું કે, પર્પેટુઓ સોકોરો ચર્ચમાં પાદરી તરીકે સેવા આપતા ફાધર પેટ્રિક આલ્ફ્રેડો સાંચેઝ હવે ભગવાનના ઘરે ચાલ્યા ગયા છે. આર્ચડાયોસીસે પણ દિવંગત પાદરીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી.
શોક સંદેશમાં લખ્યું હતું, ‘પ્રભુ, તેમને શાશ્વત શાંતિ આપો અને તમારી અનંત કૃપાથી તેમને આશીર્વાદ આપો. તેમના આત્માને શાંતિ મળે. એવી અમે પ્રાર્થના કરીએ છીએ.’ સ્થાનિક કેથોલિક સમુદાય આ ઘટના પર શોક વ્યક્ત કરી રહ્યો છે. જીવંત પ્રસારણ દરમિયાન આ ઘટના જોનારા વિશ્વભરના લોકોએ પણ પાદરીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો અને શ્રદ્ધાંજલિ આપી.