fbpx

છોટા યોગી સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, જાણો શું છે આખો મામલો

Spread the love

છોટા યોગી સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, જાણો શું છે આખો મામલો

સુરતમાં પોતાને ‘છોટા યોગી’ તરીકે ઓળખાવતા એક શખ્સ સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સે હાલમાં જ કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર. પાટીલ સાથે ફોન પર કરેલી વાતચીતનો વીડિયો અને તેમનો મોબાઈલ નંબર સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. વીડિયોમાં તેણે બદનક્ષી થાય તે હેતુથી ધમકીભર્યા શબ્દોમાં ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી હતી, જેનાથી લોકોમાં નાહક ઉશ્કેરાટ અને અરાજકતા પેદા થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ન્યૂઝ18 ગુજરાતી અનુસાર, ‘છોટા યોગી’ સામે સુરતમાં જાહેર સુલેહશાંતિ ડહોળવાનો પ્રયાસ કરવા સહિતના આક્ષેપો હેઠળ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સાથે ફોન પર થયેલી વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા, મંત્રીનો મોબાઈલ નંબર જાહેર કરવા અને ગુજરાતમાં ઉગ્ર આંદોલનની ધમકી આપવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મામલે ગોડાદરા પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

CR-Patil1

શ્રમિકો પર પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાની ઘટના બાદ સંબંધિત શખ્સે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલનો સંપર્ક કર્યો હોવાની માહિતી સામે આવી છે. ત્યારબાદ મંત્રી સાથે ફોન પર થયેલી વાતચીતનો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, મંત્રીનો મોબાઈલ નંબર પણ સોશિયલ મીડિયા પર જાહેર કરવામાં આવ્યો હોવાની ફરિયાદમાં રજૂઆત કરવામાં આવી છે.

આ સમગ્ર મામલાની શરૂઆત શ્રમિકો પર થયેલી પોલીસ કાર્યવાહીથી થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાપ્તાહિક રજાના દિવસે એકત્ર થયેલા શ્રમિકોને પોલીસે બળપ્રયોગ કરીને ત્યાંથી હટાવ્યા હતા. આ ઘટનાથી નારાજ થઈને ‘છોટા યોગી’ તરીકે ઓળખ આપતા આ શખ્સે સીધા કેન્દ્રીય મંત્રીને કોલ કર્યો હતો. તેણે આ મુદ્દાને લઈને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તે રીતે વૈમનસ્ય અને દ્વેષની લાગણીઓને પ્રોત્સાહિત કરી હતી.

ફરિયાદ અનુસાર, iamchotayogijimaharaj નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી વીડિયો પોસ્ટ કરીને ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ધમકી આપવામાં આવી હતી. આ પ્રકારની પોસ્ટના કારણે જાહેર શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ સામાજિક કાર્યકર પ્રમોદકુમાર સિંહે કર્યો છે. તેમણે આ મામલે ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

godadara-police-station2

પોલીસે ફરિયાદના આધારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 192, 353(1)(B) અને 353(3) હેઠળ ગુનો નોંધ્યો છે. સમગ્ર મામલાની તપાસ સાયબર પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.સી. નાયકને સોંપવામાં આવી છે. સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરનાર એકાઉન્ટના ધારકની ઓળખ અને ઘટનાને લગતી અન્ય વિગતો મેળવવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

ગોડાદરા પોલીસમાં FIR નોંધાયા બાદ હવે આ કેસની વધુ તપાસ સુરત શહેરના સાયબર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર.એમ.સી. નાયકને સોંપવામાં આવી છે. પોલીસ હવે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને તેના URLનો ઉપયોગ કરીને આરોપીની સઘન શોધખોળ કરી રહી છે. શ્રમિકોના નામે ધમકીભર્યો વીડિયો વાયરલ કરનાર આ ‘છોટા યોગી’ને ઝડપી લેવા માટે સાયબર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ચક્રો ગતિમાન કર્યા છે.

Leave a Reply

error: Content is protected !!