fbpx

સરકાર 4 સરકારી બેંકોમાં પોતાનો હિસ્સો ઘટાડવાની તૈયારીમાં, 25% શેર વેચશે

Spread the love

સરકાર 4 સરકારી બેંકોમાં પોતાનો હિસ્સો ઘટાડવાની તૈયારીમાં, 25% શેર વેચશે

મોદી સરકાર ચાર સરકારી બેંકોમાં પોતાની હિસ્સેદારી ઘટાડીને 75% કરવાની તૈયારી કરી રહી છે. આ બેંકોમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો સમાવેશ થાય છે. સરકારના આ પગલાથી આ બેંકોના 25% શેર સામાન્ય રોકાણકારો અને બીજા શેરધારકો માટે ઉપલબ્ધ થશે. SEBIના નવા નિયમો અનુસાર, શેર બજારમાં લિસ્ટેડ કંપનીઓ માટે ઓછામાં ઓછા 25% શેર સામાન્ય રોકાણકારો પાસે હોવા આવશ્યક છે. આ નિયમનું પાલન કરવા માટે સરકાર આ બેંકોમાં પોતાનો હિસ્સો ઘટાડવાની યોજના બનાવી રહી છે.

‘ધ ઈકોનોમિક ટાઈમ્સ’ના અહેવાલ મુજબ, આગામી એક વર્ષમાં આ ચાર બેંકોમાં સામાન્ય રોકાણકારોની હિસ્સેદારી વધારવામાં આવશે. બેંકો પોતે બજારમાંથી મૂડી એકત્ર કરી શકે છે, અથવા બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને સરકાર ‘ઓફર ફોર સેલ’ (OFS) દ્વારા પોતાના કેટલાક શેર વેચી શકે છે. બેંકોએ નાણાં મંત્રાલય પાસે વધુ એક વર્ષનો સમય માંગ્યો છે. બેંકોનું કહેવું છે કે વર્તમાન પરિસ્થિતિમાં, QIP દ્વારા 10% થી વધુ ઈક્વિટી વેચવી મુશ્કેલ છે.

banks1

સરકાર જે ચાર બેંકોમાં પોતાની હિસ્સેદારી ઘટાડવા માંગે છે તેમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, યુકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકનો સમાવેશ થાય છે. હાલમાં, આ બેંકોમાં સરકારની હિસ્સેજારી ખૂબ જ વધારે છે. ઈન્ડિયન ઓવરસીઝ બેંકમાં સરકારની હિસ્સેદારી લગભગ 92.44% છે, યુકો બેંકમાં 90.95%, પંજાબ એન્ડ સિંધ બેંકમાં લગભગ 93.85% અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 81.19% શેર સરકાર પાસે છે. આ બેંકોમાં સરકારની હિસ્સેદારી ઘટાડીને 75% કરવામાં આવી શકે છે, જ્યારે બાકીના 25% શેર જાહેર રોકાણકારો અને અન્ય શેરધારકો પાસે રહેશે. જોકે, શેર વેચવાનો સમય અને પદ્ધતિ હજુ નક્કી થવાની બાકી છે.

શું આ બેંકોનું ખાનગીકરણ પણ કરવામાં આવશે?

સરકારની હિસ્સેદારી ઘટાડવાની યોજનાને આ બેંકોના ખાનગીકરણ સાથે જોડીને જોવી જોઈએ નહીં. હિસ્સો વેચવાનો અર્થ એ નથી કે બેંકની માલિકી ખાનગી સંસ્થાઓને સોંપી દેવામાં આવશે. જોકે, સરકારી બેંકોના ખાનગીકરણને લઇને અગાઉ પણ ચર્ચા થતી રહી છે. નીતિ આયોગે સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસીઝ બેંકના નામ ખાનગીકરણ માટે સંભવિત વિકલ્પો તરીકે સૂચવ્યા હતા, પરંતુ આ બેંકોના ખાનગીકરણ અંગે કોઈ અંતિમ નિર્ણય લેવાયાની પુષ્ટિ થઇ નથી.

શેર વેચવાથી ફાયદો શું થશે?

સરકારના શેર વેચવાથી બજારમાં આ બેંકોના ઉપલબ્ધ શેરની સંખ્યામાં વધારો થઈ શકે છે. આનાથી સામાન્ય રોકાણકારોને આ બેંકોમાં રોકાણ કરવાની વધુ તકો મળશે. આ શેરના વેચાણ દ્વારા સરકાર પૈસા પણ મળશે.

Leave a Reply

error: Content is protected !!