પ્રાંતિજમાં શ્રી ખેતરવાળી મા મેલડી માતાજીનો ૧૪મો પાટોત્સવ ભક્તિભાવપૂર્વક ઉજવાયો
બે દિવસીય ધાર્મિક કાર્યક્રમોમાં શોભાયાત્રા, યજ્ઞ, મહાઆરતી, મહાપ્રસાદ અને ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલવે સ્ટેશન વિસ્તારમાં આવેલા શ્રી ખેતરવાળી મા મેલડી માતાજીના મંદિર ખાતે ૧૪મા પાટોત્સવની બે દિવસીય ઉજવણી ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે કરવામાં આવી હતી પાટોત્સવમાં ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં માઈભક્તો ઉમટી પડ્યા હતા અને માતાજીનાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી
પાટોત્સવના ભાગરૂપે શ્રી ખેતરવાળી મા મેલડી માતાજીના મંદિરથી ભાંખરીયા બસ સ્ટેન્ડ સુધી વાજતે-ગાજતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. આ ઉપરાંત યજ્ઞ, મહાઅભિષેક, હોમકર્મ, શ્રીફળ હોમ, મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ભક્તિમય બની ગયું હતું આ ધાર્મિક પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત સ્વામી પ્રાણજીવનદાસજી, મહામંડલેશ્વર શ્રી સુનીલદાસજી મહારાજ તથા અખિલ ભારતીય સંત સમિતિ, ગુજરાત પ્રદેશના સંયુક્ત મહામંત્રી અને વારાહી શક્તિપીઠ પોગલુના મહંત સહિતના સંતો-મહંતો ઉપસ્થિત રહ્યા હતા. રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને આમંત્રિત મહાનુભાવોએ પણ પાટોત્સવમાં હાજરી આપી હતી પાટોત્સવની રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તેજલ ઠાકોર અને તેમના સાથી કલાકારો, રાજલ બારોટ તથા ધીરુભાઈ સોલંકી (ગળું એક, સૂર અનેક)એ પોતાની કલાના સૂર રેલાવી ઉપસ્થિત માઈભક્તોનું મનોરંજન કર્યું હતું. લોકડાયરામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા શક્તિ ઉપાસક પંકજભાઈ રાવલ (જયમાડી) તથા મેલડી માઈ મંડળ દ્વારા પાટોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ, વડોદરા, આણંદ, મહેસાણા, સુરત, હિંમતનગર સહિત પ્રાંતિજ અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી આવેલા માઈભક્તોએ માતાજીનાં દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા આમ, શ્રી ખેતરવાળી મા મેલડી માતાજીના ૧૪મા પાટોત્સવની બે દિવસીય ઉજવણી ધાર્મિક શ્રદ્ધા, ભક્તિભાવ અને લોકસંસ્કૃતિના સંગમ સાથે સંપન્ન થઈ હતી




