પ્રાંતિજ અવર ઓન હાઈસ્કૂલ ખાતે સુરક્ષિત બચપણ અભિયાન અંતર્ગત કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ
– પોક્સો કાયદો, ગુડ ટચ–બેડ ટચ અને મફત કાનૂની સહાય અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA)ના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, હિંમતનગર અને પ્રાંતિજ તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સુરક્ષિત બચપણ અભિયાન અંતર્ગત અવર ઓન હાઈસ્કૂલ ખાતે કાનૂની જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું


આ શિબિરમાં પ્રાંતિજ સિવિલ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ તથા તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેન આઈ.એમ. શેખ, સિવિલ જ્યુડિશિયલ ન્યાયાધીશ એસ.એમ. શુક્લા સહિત ફ્રન્ટ ઓફિસર વૈશાલીબેન રાવલ, લીગલ આસિસ્ટન્ટ, પેરા લીગલ વોલન્ટિયર (PLV) મહેશભાઈ પંડ્યા, અમિતભાઈ રાવલ તથા અન્ય PLV મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય, શિક્ષકગણ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ શિબિરમાં ભાગ લીધો હતોશિબિરનો મુખ્ય હેતુ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને બાળકોના જાતીય શોષણથી રક્ષણ માટેના પોક્સો (POCSO) અધિનિયમ, 2012 અંગે સમજ આપવાનો તથા બાળકોમાં કાનૂની જાગૃતિ કેળવવાનો હતો. બાળકોની સુરક્ષા, સંરક્ષણ અને તેમના અધિકારો અંગે માહિતી આપીને તેમને કોઈપણ અયોગ્ય વર્તન સામે જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન ફ્રન્ટ ઓફિસર વૈશાલીબેન રાવલે પોક્સો કાયદા અંગે વિગતવાર સમજ આપી હતી. PLV મહેશભાઈ પંડ્યાએ વિદ્યાર્થીઓને ગુડ ટચ અને બેડ ટચ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને પોતાના શરીરની સુરક્ષા પ્રત્યે જાગૃત રહેવા સમજાવ્યું હતું. જ્યારે PLV અમિતભાઈ રાવલે મફત કાનૂની સહાય અંગે માહિતી આપી હતી. જરૂરિયાતમંદ વ્યક્તિઓ કાનૂની સહાય કેવી રીતે મેળવી શકે તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ શિબિરના માધ્યમથી વિદ્યાર્થીઓને બાળ સુરક્ષા, કાનૂની અધિકારો અને મુશ્કેલ પરિસ્થિતિમાં યોગ્ય મદદ મેળવવા અંગે ઉપયોગી માહિતી મળી હતી. કાર્યક્રમના અંતે શાળાના આચાર્યએ ઉપસ્થિત ન્યાયાધીશશ્રીઓ, કાનૂની સેવા સમિતિના પ્રતિનિધિઓ અને તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો