
ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યારે ક્રિકેટ મેચો હોય છે ત્યારે તે મેચ તેમના ઉત્સાહ અને તીવ્ર હરીફાઈ માટે જાણીતી છે. પરંતુ બંને ટીમો વચ્ચે તાજેતરનો મુકાબલો એક અલગ જ વાતાવરણમાં થયો હતો. આ મેચ હોંગકોંગ સિક્સીસ 2026માં રમાઈ હતી, જે મુખ્ય ICC ટુર્નામેન્ટને બદલે ટીમમાં 6 ખેલાડીઓ વચ્ચે રમાતી એક ખાસ સ્પર્ધા હતી.
પાકિસ્તાને મોંગ કોકના મિશન રોડ ગ્રાઉન્ડ ખાતે ભારતને 4 વિકેટથી હરાવ્યું. જોકે, આ પરિણામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ટોચના સ્તરે બંને ટીમો વચ્ચેની સામાન્ય મેચોથી તદ્દન અલગ હતું.
પાકિસ્તાની ટીમ મેચ જીતી ગઈ પણ આવી નાની ટુર્નામેન્ટ માટે એક દેશનો PM ટ્વીટ કરીને ટીમના વખાણ કરે, એ તો હલકાઈની હદ કહેવાય. ગાંડા PM શાહબાઝ શરીફે પાકિસ્તાનની જીત પર ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા આપી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટીમને અભિનંદન આપીને બુદ્ધિનું પ્રદર્શન કર્યું હતું. ભારતમાં જ નહીં પણ પાકિસ્તાનની જનતાએ પણ સોશિયલ મીડિયા પર શરીફની ઝાટકણી કાઢી હતી.

શરીફે X પર લખ્યું, ‘હોંગકોંગ સિક્સીસ 2026ની પ્રથમ મેચમાં ભારત સામે 4 વિકેટથી શાનદાર જીત મેળવવા બદલ અમારા ખેલાડીઓને અભિનંદન! તે ક્રિકેટની એક શાનદાર રમત હતી.’ તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના ચેરમેન મોહસીન નકવી અને તેમની ટીમની પણ પ્રશંસા કરી. તેમણે ખેલાડીઓની તૈયારી અને તેમને સમર્થન આપવા માટે કરવામાં આવેલા પ્રયાસો માટેની પ્રશંસા કરી.
જોકે, PM દ્વારા જાહેરમાં આ રીતે વિજયની ઉજવણી કોઈને પણ ગમ્યું ન હતું. ક્રિકેટ ચાહકોએ તેમને યાદ અપાવવાની તક ઝડપી લીધી કે તે ફક્ત હોંગકોંગ સિક્સીસ હતી, વર્લ્ડ કપ નહીં.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અજય જાડેજાના પેરોડી એકાઉન્ટમાંથી એક રમુજી પ્રતિભાવ આવ્યો. આ એકાઉન્ટે કટાક્ષમાં પાકિસ્તાનને ‘હોંગકોંગ સિક્સીસ વર્લ્ડ કપ’ જીતવા બદલ અભિનંદન આપ્યા.

પેરોડી એકાઉન્ટમાં લખ્યું, ‘ભારત સામે હોંગકોંગ સિક્સીસ વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન. હવે વિજય પરેડનો સમય છે.’
વરિષ્ઠ રમતગમત પત્રકાર વિક્રાંત ગુપ્તા પણ શરીફની પોસ્ટથી આશ્ચર્યચકિત થયા. તેમણે ફક્ત પૂછ્યું, ‘શું ખરેખર??’
અજમલ ઝદરાન નામના યુઝરે, જે પોતાને અફઘાન તરીકે ઓળખાવે છે, તેણે X પર લખ્યું, ‘એક સમય એવો પણ આવશે જ્યારે તે ટોસ જીતે તો પણ ટ્વિટ કરશે. જ્યારે અન્ય લોકો તેનું જે ખરેખર કામ છે તે કામ સંભાળી રહ્યા હોય, ત્યારે PM પાસે ફક્ત ટોસ અને નાની મેચો વિશે ટ્વિટ કરવાનું જ બાકી છે.’
ભૂતપૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાએ કટાક્ષમાં લખ્યું, ‘તેમણે ‘અમે ભારતને હરાવ્યું’ એવું કહેવાની એટલી ઉતાવળ કરી કે તેમણે સત્ય તપાસવાની પણ તસ્દી લીધી નહીં. પાકિસ્તાન તેની શરૂઆતની મેચમાં UAE સામે હારી ગયું હતું.’
‘અને તમે કલ્પના કરી શકો છો કે પાકિસ્તાન કયા સ્તરનું ક્રિકેટ રમી રહ્યું છે, કે તે દેશના PM હોંગકોંગ સિક્સીસ વિશે ટ્વીટ કરી રહ્યા છે.’
આ દરમિયાન, એક પાકિસ્તાની ચાહકે પણ PM શરીફના અભિનંદનની મજાક ઉડાવી.

લાહોરી ગાય નામના એક યુઝરે લખ્યું, ‘કૃપા કરીને અમને શરમજનક સ્થિતિમાં મુકવાનું બંધ કરો.’ ત્યારપછી તેમણે લખ્યું, ‘પાકિસ્તાનને છેલ્લા 5 વર્ષમાં દરેક ICC મેચમાં ભારત સામે કારમી હારનો સામનો કરવો પડ્યો છે, અને તમે હોંગકોંગ સિક્સર્સની જીતની ઉજવણી કરી રહ્યા છો, જેનું કોઈ મહત્વ નથી.’
હકીકતમાં, બે મુખ્ય પુરુષોના વર્લ્ડ કપમાં ભારતનો પાકિસ્તાન સામે મજબૂત રેકોર્ડ છે. ભારતે ODI વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચેની તમામ 8 મેચ જીતી છે. જ્યારે, ભારત T20 વર્લ્ડ કપમાં 8-1થી આગળ છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાનની એકમાત્ર જીત 2021માં આવી હતી.
રમતગમત પત્રકાર ગૌરવ કાલરાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી. તેમણે આ પ્રતિક્રિયાની સરખામણી 2024 પેરિસ ઓલિમ્પિકમાં પાકિસ્તાનના અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો અને નીરજ ચોપરાને પાછળ છોડી દીધો ત્યારે મળેલી પ્રતિક્રિયા સાથે કરી.
રમતગમતના પત્રકારે લખ્યું, ‘ખૂબ મોટું. એટલું જ મોટું કે અરશદે નીરજને હરાવીને ઓલિમ્પિક ગોલ્ડ જીત્યો હોય. કદાચ તેનાથી પણ મોટું. ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આપણે બધા એક સિમ્યુલેશનમાં જીવી રહ્યા છીએ.’
એક અન્ય પત્રકારે PMના વિજયની ઉજવણી પર પ્રશ્ન ઉઠાવતા લખ્યું, ‘એક PM હોંગકોંગ સિક્સર્સ વિશે વાત કરી રહ્યા છે.’

સ્પોર્ટ્સ ડેટા જર્નાલિસ્ટ, અઝીમ સિદ્દીકીએ લખ્યું, ‘કોઈએ PM શાહબાઝ શરીફને કહેવું જોઈએ કે હોંગકોંગ સુપર સિક્સર્સ કોઈ ગંભીર ટુર્નામેન્ટ નથી. કૃપા કરીને ટીમને અભિનંદન આપવાનું બંધ કરો.’
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના ચાહક, શ્રીની મામાએ લખ્યું, ‘આ તે કેવા પ્રકારના અભિનંદન!’
અંતે, એક ચાહકે મજાકમાં પુષ્ટિ કરી કે, પાકિસ્તાની PMની પોસ્ટ કોઈ પેરોડી નથી. તેમણે લખ્યું, ‘ના, આ પેરોડી એકાઉન્ટ નથી.’
હોંગકોંગ સિક્સીસ કપના સેમિફાઇનલમાં પ્રવેશવા માટે, ભારતે તેમના ગ્રુપમાં પ્રથમ સ્થાન મેળવવું પડશે.
ભારતનો ગ્રૂપ સ્ટેજ મેચ શનિવાર, 31 ઓક્ટોબરના રોજ સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે બાકી છે.
UAE પહેલાથી જ પાકિસ્તાનને એક વિકેટથી હરાવી ચૂક્યું છે, જ્યારે પાકિસ્તાને તે હારમાંથી પાછા ફરીને ભારતને 4 વિકેટથી હરાવ્યું છે. પરિણામે, ગ્રુપ Cમાં ત્રણેય ટીમો અલગ અલગ સ્થાન માટે સ્પર્ધામાં ટકી રહે છે.
UAE સામે જીતવાથી ભારતને 2 પોઈન્ટ મળશે, જેનાથી ત્રણેય ટીમો પોઈન્ટ પર બરાબર રહેશે. ત્યારપછી નેટ રન રેટના આધારે ગ્રુપની અંતિમ સ્થિતિ નક્કી કરવામાં આવશે.

ગ્રૂપમાં ટોચ પર રહેવા માટે, ભારતીય ટીમને આ સમીકરણનો સામનો કરવો પડશે: જો ભારત પહેલા બેટિંગ કરે છે: ભારતે 104/116/128/140 રન બનાવવા પડશે અને UAEને અનુક્રમે 30/40/50/60 રન સુધી મર્યાદિત રાખવા પડશે.
જો ભારત બીજા નંબરે બેટિંગ કરે તો: ભારતે 31/41/51/61/71/81 રનનો લક્ષ્યાંક અનુક્રમે 1.2/1.3/1.4/1.5/1.5 ઓવરમાં હાંસલ કરવો પડશે.
ભારતે UAE સામે પહેલા બેટિંગ કરવી જરૂરી છે. ખાસ વાત એ છે કે, UAE સામે જીત છતાં, ભારત ત્રીજા સ્થાને રહી શકે છે, કારણ કે તેનો નેટ રન રેટ -9.072 પર અત્યંત ખરાબ છે. સ્વાભાવિક છે કે, જો ભારત આ મેચ હારી જાય છે, તો તે ત્રીજા સ્થાને રહેશે અને બાઉલ સેમિફાઇનલમાં રમવું પડશે.