
મુંબઈમાં દિવાળી દરમિયાન વધતા પ્રદૂષણને ઘટાડવાની અપીલ એક રાજકીય વિવાદમાં ફેરવાઈ ગઈ છે. અભિનેત્રી દિયા મિર્ઝાએ લોકોને પર્યાવરણનું ધ્યાન રાખીને તહેવાર ઉજવવા અને ફટાકડાનો ઉપયોગ ઓછો કરવાની અપીલ કરી હતી. પરંતુ, આ મેસેજ ભાજપના કેટલાક નેતાઓને પસંદ ન આવ્યો. મુંબઈ ભાજપ અધ્યક્ષ અમિત સાતમે દિયાના વીડિયો અંગે નારાજગી વ્યક્ત કરી, અને ત્યારબાદ BMCએ પણ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ વીડિયો હટાવી દીધો. કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે સહિત અન્ય ઘણા નેતાઓએ પણ આ મુદ્દે અભિનેત્રી પર નિશાન સાધ્યું છે.
કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ દિયા મિર્ઝાના નિવેદન પર અસંતોષ વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે દિયા અલગ ધર્મમાંથી આવે છે, એટલે તેને દિવાળી વિશે પૂરતી માહિતી નથી હોય. આઠવલેના મતે ભારતમાં તમામ ધર્મોના લોકોને પોતપોતાના તહેવારો ઉજવવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે. તેમણે કહ્યું કે ફટાકડા વિના દિવાળી ઉજવવાનો કોઈ અર્થ નથી.

દિયા મિર્ઝાનું એક નિવેદને તેના પર ભારે પડી ગયું છે. કેન્દ્રીય રાજ્યમંત્રી રામદાસ આઠવલેએ અભિનેત્રીની ટિપ્પણીની ટીકા કરતા કહ્યું કે આવી વાતો હિન્દુ સમુદાયની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે. તેમણે દિયાની ટિપ્પણીનો વિરોધ કર્યો. જોકે, તહેવાર દરમિયાન પ્રદૂષણનું ધ્યાન રાખવું જરૂરી છે; આ માટે પહેલા જ દિશા-નિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં અમુક પ્રકારના ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે. ભાજપ નેતા શ્રીકાંત ભારતીયએ પણ અભિનેત્રી પર નિશાન સાધતા કહ્યું કે, દિયા મિર્ઝાએ અન્ય લોકોને દિવાળી કેવી રીતે ઉજવવી તે અંગે સલાહ આપતા પહેલા વિચારવું જોઈએ. તેમણે સ્પષ્ટ કર્યું કે તેમનો પક્ષ કોઈ ધર્મની વિરુદ્ધ નથી, પરંતુ કે દિયાએ પોતાના ધર્મ અને તેના તહેવારો વિશે જ વાત કરવી જોઈએ.
શ્રીકાંત ભારતીયએ જણાવ્યું કે હિન્દુ સમુદાય હંમેશાં પર્યાવરણ પ્રત્યે સભાન રહ્યો છે. લોકો સારી રીતે જાણે છે કે દિવાળી કેવી રીતે ઉજવવી અને કેવા પ્રકારના ફટાકડાનો ઉપયોગ કરવો જોઈએ. એવામાં, કોઈને પણ આ અભિનેત્રી પાસેથી કંઈ શીખવાની જરૂર નથી. ભાજપના ધારાસભ્ય સંજય ઉપાધ્યાયે પણ દિયા મિર્ઝાના નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે બોલિવૂડના કેટલાક સ્ટાર અને પોતાને બૌદ્ધિક ગણાવનારા લોકો દર વખતે હિન્દુ તહેવારો દરમિયાન કોઈને કોઈ સવાલ ઉઠાવતા હોય છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, હોળી પર પાણીનો બગાડ, દહીં હાંડી વખતે સુરક્ષા, નવરાત્રિ દરમિયાન ઘોંઘાટ અને ગણેશોત્સવમાં પ્લાસ્ટર ઓફ પેરિસ (PoP)ની મૂર્તિઓના ઉપયોગ અંગે મોટાભાગે સવાલ ઉઠાવવામાં આવે છે.
આ પહેલાં, મુંબઈ ભાજપના અધ્યક્ષ અમિત સાતમે પણ આ અંગે વાંધો વ્યક્ત કર્યો હતો. તેમણે X પર એક પોસ્ટમાં, BMCને ટેગ કરતા તેમણે લખ્યું કે, આપણે દિયા મિર્ઝા પાસેથી શીખવાની જરૂર નથી કે, દિવાળી કેવી રીતે ઉજવવી જોઇએ, આપણી પરંપરાઓ આપણી સંસ્કૃતિમાં ઊંડે સુધી વણાયેલી છે.

શિવસેનાનાં રાષ્ટ્રીય પ્રવક્તા શાઇના એન.સી.એ પણ આ વિવાદ પર પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે દિયા મિર્ઝાએ સમજવું જોઈએ કે દિવાળી એ પ્રકાશનો તહેવાર છે. સાથે જ, તેમણે સ્વીકાર્યું કે દરેક નાગરિકે પ્રદૂષણ બાબતે જાગૃત રહેવું જોઈએ. શાઇનાના મતે, લોકોએ ફટાકડા ફોડવાનું ટાળવું જોઈએ જેથી દરેકની સુરક્ષા જળવાઈ રહે, કારણ કે સ્વાસ્થ્ય અને માનવ જીવન સૌથી વધુ જરૂરી છે.
જોકે, દિયા મિર્ઝાનો વીડિયો સામે આવતા રાજકીય વિવાદ સર્જાયો. મુંબઈ ભાજપના અધ્યક્ષ અમિત સાતમે અભિનેત્રીના વીડિયો સામે વાંધો ઉઠાવતા કહ્યું કે, દિવાળી કેવી રીતે ઉજવવી તે અંગે લોકોએ દિયા મિર્ઝા પાસેથી શીખવાની જરૂર નથી. ભારતીય પરંપરાઓમાં દિવાળીનું વિશેષ મહત્ત્વ છે અને લોકો સારી રીતે જાણે છે કે પોતાના તહેવારો કેવી રીતે ઉજવવા. વિવાદ વધ્યા બાદ BMCએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દિયા મિર્ઝાનો વીડિયો હટાવી દીધો. જોકે મ્યુનિસિપલ કોર્પોરેશને આ વીડિયો હટાવવા પાછળનું કોઈ સત્તાવાર કારણ જણાવ્યું નથી.