fbpx

સુપ્રીમ કોર્ટનો આદેશ- કસ્ટડીમાં લીધાના 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવા, નહિતર આરોપીની છોડી દેવા, 5 સવાલ અને તેના જવાબો

Spread the love

સુપ્રીમ કોર્ટનો આદેશ- કસ્ટડીમાં લીધાના 24 કલાકમાં કોર્ટમાં રજૂ કરવા, નહિતર આરોપીની છોડી દેવા, 5 સવાલ અને તેના જવાબો

સુપ્રીમ કોર્ટે ગુરુવાર અટકાયત બાદ તેને કોર્ટ સમક્ષ રજૂ કરવા માટેની 24 કલાકની સમયમર્યાદા અંગે સ્પષ્ટતા કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, કોઇ વ્યક્તિને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા માટે 24 કલાકનો તેને કસ્ટડીમાં લેતા જ શરૂ થઇ જશે. આ સમય ઔપચારિક ધરપકડ નોંધવાનો સમય ગણવામાં નહીં આવે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તપાસ એજન્સીઓ કોઈ વ્યક્તિને પહેલા કસ્ટડીમાં લીધા બાદ તેની ધરપક કરવાનો રસ્તો નહીં અપનાવી શકે. સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો ત્રિપુરામાં ધરપકડ કરાયેલા ચાર વ્યક્તિઓ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી સાથે જોડાયેલો છે. તેમનો આક્ષેપ છે કે કસ્ટડીમાં લેવાયા અને તેમની ધરપકડ નોંધાવા વચ્ચે લગભગ 21 કલાકનો તફાવત હતો. આ મામલાની સુનાવણી જસ્ટિસ ઉજ્જલ ભુઇયાં અને જસ્ટિસ અતુલ એસ. ચંદુરકરની ખંડપીઠે કરી હતી.

SC1

24 કલાકમાં કોર્ટ સમક્ષ રજૂ કરવાના નવા નિયમો જાણો:

પ્રશ્ન 1: અત્યાર સુધી શું થતું હતું?

જવાબ: પોલીસ શંકાસ્પદને કસ્ટડીમાં રાખીને જ્યાં સુધી ઇચ્ચે ગે ત્યાં સુધી પૂછપરછ કરે છે. FIRમાં નોંધાવા પર તેમાં જે સમય લખેલો હોય છે, તેના આધારે જ 24 કલાકની અંદર કોર્ટ સમક્ષ રજૂ કરે છે.

પ્રશ્ન 2: હવે શું થશે?

જવાબ: હવે કસ્ટડીના સમયથી 24 કલાકની અંદર કોર્ટ સમક્ષ રજૂ કરવા પડશે.

પ્રશ્ન 3: કોઇ વ્યક્તિને કસ્ટડીમાં લેવાનો અર્થ શું છે? શું પોલીસ કોઈને પોતાની સાથે લઈ જાય તો તેને કસ્ટડી ગણી શકાય?

જવાબ: જ્યારે વ્યક્તિ પોતાની મરજી મુજબ ક્યાંય નહીં જઇ શકે અને પોલીસ કે કોર્ટના નિયંત્રણમાં હોય છે, ત્યારે તેને કસ્ટડીમાં માનવામાં આવે છે. દરેક ધરપકડમાં કસ્ટડી હોય છે, પરંતુ કસ્ટડીને ધરપકડ ન ગણી શકાય.

પ્રશ્ન 4: કસ્ટડીમાં લેવાયાનો સમય કેવી રીતે નક્કી થશે?

જવાબ: LiveLaw અનુસાર, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે પોલીસે અરેસ્ટ મેમો અને કેસ ડાયરીમાં અટકાયતનો સમય સ્પષ્ટપણે બતાવશે. પરંતુ, મેજિસ્ટ્રેટે આ બાબતની તપાસ કરવી જોઈએ. જરૂર પડે તો, CCTV અને અન્ય પુરાવાઓની પણ જોઇ શકાય છે.

પ્રશ્ન 5: કસ્ટડીમાં લેવા અને ઔપચારિક ધરપકડ વચ્ચે શું તફાવત છે?

જવાબ: ચાલો તેને એક ઉદાહરણ દ્વારા સમજીએ.

આ કેસ ત્રિપુરામાં 11.03 કિલો યાબા ગોળીઓ જપ્ત કરવા સાથે સંબંધિત છે. 29 સપ્ટેમ્બર, 2025ના રોજ બપોરે 2:00 વાગ્યે તપાસ અને જપ્તીની કાર્યવાહી દરમિયાન ચાર વ્યક્તિઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા; પરંતુ, પોલીસે તેમની ઔપચારિક ધરપકડ બીજા દિવસે એટલે કે 30 સપ્ટેમ્બરના રોજ સવારે 11:00 વાગ્યે નોંધી હતી. મતલબ કે કસ્ટડીમાં લેવાયા અને ધરપકડની નોંધણી વચ્ચે લગભગ 21 કલાકનો સમયગાળો હતો.

આરોપીઓનું કહેવું હતું કે તેમને કસ્ટડીમાં લીધાના 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા જોઈતા હતા. આ મામલો ત્રિપુરા હાઈકોર્ટમાં પહોંચ્યો, જેણે તેમની જામીન અરજીઓ ફગાવી દીધી. ત્યારબાદ, આરોપીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી.

SC2

કસ્ટડી કે ધરપકડ કરવામાં આવે ત્યારે તમારા અધિકારો શું છે?

24 કલાકનો નિયમ: અનુચ્છેદ 22 હેઠળ, ધરપકડ કરાયેલ વ્યક્તિને 24 કલાકની અંદર મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવા જરૂરી છે.

ધરપકડના કારણો જાણવાનો અધિકાર: સુપ્રીમ કોર્ટે ઘણાં ચૂકાદાઓમાં જણાવ્યું છે કે ધરપકડના આધાર લેખિતમાં આપવા પડશે. અહેવાલ અનુસાર, કોર્ટે ગયા મહિને કહ્યું હતું કે અનુચ્છેદ 22ના સુરક્ષા ઉપાયોનું ઉલ્લંઘન કરનારી ધરપકડ ગેરબંધારણીય ગણાશે.

વકીલનો અધિકાર: પોતાની પસંદગીના વકીલ સાથે મળવા અને તેમની મદદ લેવાનો અધિકાર છે. જો તમે વકીલનો ખર્ચ ન ઉઠાવી શકો, તો મફત કાનૂની સહાય મળે છે. BNSSની કલમ 38માં પૂછપરછ દરમિયાન વકીલ સાથે મળવાની વાત છે, પરંતુ પૂછપરછ દરમિયાન સાથે રહેવાની નહીં.

મહિલાઓ માટે વિશેષ જોગવાઈઓ: BNSSની કલમ 43(5) મુજબ, સૂર્યાસ્ત પછી અથવા સૂર્યોદય પહેલાં કોઈ મહિલાની ધરપકડ કરી શકાતી નથી. અપવાદમાં આના માટે જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની પૂર્વ મંજૂરી જોઇએ છે.

ડી.કે. બસુ ગાઇડલાઇન (1997): આ ધરપકડ અને કસ્ટડી બંને પર લાગૂ પડે છે. પોલીસ અધિકારીનું નેમ ટેગ સ્પષ્ટપણે દેખાવું જોઈએ. એક સાક્ષીની હાજરીમાં અરેસ્ટ મેમો બનાવવો જોઈએ. જો કોઈ ઈજાઓ થઈ હોય તો તેની નોંધ હોવી જોઈએ અને પરિવારને જાણ કરવી જોઈએ. કોર્ટે જણાવ્યું હતું કે આ માત્ર સૂચન નથી; તેનું પાલન ન કરવા પર વિભાગીય કાર્યવાહી અથવા અવમાનનાનો કેસ પણ બની શકે છે.

Leave a Reply

error: Content is protected !!