fbpx

દિવાળીના પર્વે પ્રાંતિજ-તલોદના લોકોને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની વિકાસની ભેટ: 9 ગ્રામ્ય રસ્તાઓ માટે રૂ.10.07 કરોડ મંજૂર

Spread the love

ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની રજૂઆત રંગ લાવી, મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ 9 રસ્તાઓના રીસરફેસિંગ કામોને મંજૂરી

  • પ્રાંતિજ અને તલોદ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓનો થશે વિકાસ
  • દિવાળીના પર્વ પૂર્વે વિકાસકાર્યોની ભેટ મળતાં ગ્રામજનોમાં ખુશીનો માહોલ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ અને તલોદ તાલુકાના ગ્રામજનો માટે દિવાળીના પર્વ પૂર્વે વિકાસની મોટી ભેટ મળી છે. પ્રાંતિજ-તલોદ વિધાનસભાના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારની રજૂઆત રંગ લાવતાં રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના વર્ષ 2026-27 અંતર્ગત બંને તાલુકાના કુલ 9 નોન પ્લાન રોડના રીસરફેસિંગ કામો માટે અંદાજે રૂ.10 કરોડ 7 લાખની માતબર રકમ મંજૂર કરવામાં આવી છે.

પ્રકાશના પર્વ દિવાળીના આગમન પૂર્વે મળેલી આ વિકાસલક્ષી ભેટથી પ્રાંતિજ અને તલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ કામો પૂર્ણ થતાં વર્ષોથી રસ્તાની સુવિધામાં સુધારાની આશા રાખતા ગ્રામજનોને રાહત મળશે તેમજ વાહનચાલકો અને રાહદારીઓની અવરજવર વધુ સરળ બનશે.

તલોદ તાલુકામાં જગતાપુરા ગામેથી સ્મશાન વાવને જોડતા ડામર રોડ માટે રૂ.85 લાખ, રાણીપુરા રોડથી ખીલોડિયા તરફ જોડતા ડામર રોડ માટે રૂ.110 લાખ, સ્ટેટ હાઇવેથી ડેગામાર તળાવ થઈ દેવિયા સુધીના ડામર રોડ માટે રૂ.150 લાખ, રાણાસણ ગામથી દેના બેંક થઈ ભરતભાઈના ઘર પાસેથી નવા એપ્રોચને જોડતા ડામર રોડ માટે રૂ.70 લાખ તેમજ નારાજીના મુવાડા ગામથી આંબલિયા વિસ્તાર વાવડી તરફના ડામર રોડ માટે રૂ.100 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

પ્રાંતિજ તાલુકામાં ભોલા ગામે ભોલા માધ્યમિક શાળા પાસેના વાવ-નાળિયા તરફના ડામર રોડ માટે રૂ.70 લાખ, સોનારાયા ગામના મુખ્ય ગામતળના આર.સી.સી. રોડ માટે રૂ.132 લાખ, કરોલ પંચાયત ઘરથી ગામના ચોરા સુધીના ડામર રોડ માટે રૂ.110 લાખ તેમજ સલાલ ગામના ગામતળના મુખ્ય આર.સી.સી. રોડ માટે રૂ.180 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે.

દિવાળીના દીપોત્સવ પૂર્વે મળેલી આ વિકાસની ભેટ ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધા અને સમૃદ્ધિનો નવો પ્રકાશ પાથરશે. રસ્તાઓનું રીસરફેસિંગ થતાં ગામડાંઓને મુખ્ય માર્ગો સાથે વધુ સારી કનેક્ટિવિટી મળશે અને સ્થાનિક લોકોની રોજિંદી અવરજવરમાં પણ સરળતા રહેશે. ધારાસભ્યની રજૂઆતને પગલે મંજૂર થયેલા આ વિકાસકાર્યોને લઈને પ્રાંતિજ-તલોદ વિસ્તારના લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!