
.કોઈ પણ દીકરી માટે તેનું ઘર સૌથી સુરક્ષિત જગ્યા હોવી જોઈએ, પરંતુ જ્યારે રક્ષણ આપનાર પિતા જ ભક્ષક બની જાય ત્યારે શું થાય? ત્યારે સંબંધો તાર-તાર થઇ જાય. પોરબંદરમાં આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 17 વર્ષીય સગીરાને તેના જ પિતાએ દુષ્કર્મનો ભોગ બનાવીને ગર્ભવતી બનાવી દીધી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ મામલે વધુ ચોંકાવનારી વાત ત્યારે સામે આવી જ્યારે આરોપી પિતાએ પોતાની પત્નીની સહમતીથી ફરિયાદ રદ કરાવવા ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. જોકે, કોર્ટમાં રજૂ થયેલા DNA રિપોર્ટે સમગ્ર મામલાની હકીકત સામે લાવી દીધી હતી. ત્યારબાદ હાઈકોર્ટે પીડિતાની માતા અને બંને પક્ષના વકીલોની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ વર્ષે પોરબંદરના મરીન પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ નોંધાવી હતી કે, તેની 17 વર્ષીય સગીર દીકરી ઉપર તેના પતિએ દુષ્કર્મ ગુજાર્યું છે. મહિલાની ફરિયાદ બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. આરોપીએ ગુજરાત હાઇકોર્ટમાં ફરિયાદી એટલે કે પોતાની પત્નીની સહમતિથી ફરિયાદ રદ કરવા માટે અરજી દાખલ કરી હતી. એટલું જ નહીં મહિલાએ એફિડેવિટમાં જણાવ્યું હતું કે, ‘આવી કોઈ ઘટના બની જ નથી.’

જોકે, સુનાવણી દરમિયાન પોલીસ તરફથી સગીરાના ગર્ભનો DNA રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં સગીરાના ગર્ભના DNA તેના પિતા સાથે મેચ થયા હોવાનું સામે આવ્યું હતું. એટલે કે, પિતા જ સગીરાના ગર્ભનું કારણ હોવાની હકીકત DNA રિપોર્ટથી સામે આવી હતી. એક તરફ માતા આવી કોઈ ઘટના બની જ ન હોવાનો દાવો કરી રહી હતી, જ્યારે બીજી તરફ વૈજ્ઞાનિક પુરાવા સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી રહ્યા હતા. આ રિપોર્ટ સામે આવતા જ હાઈકોર્ટનો મિજાજ બદલાયો હતો અને કોર્ટે સમગ્ર મામલે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી.
હાઇકોર્ટે ફરિયાદી મહિલાની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા કહ્યું કે, ખરેખરમાં ફરિયાદી મહિલા ઉપર જ પોલીસે ફરિયાદ કરવાની જરૂર છે. સાથે જ એમ પણ કહ્યું હતું કે, ‘તેના જેવી માતા એક દીકરીને મળે તેના કરતાં તેની મા જ ના હોય તે વધારે સારું છે. બીજી તરફ અરજદાર વતી અને ફરિયાદી વતી ઉપસ્થિત થયેલા વકીલોની પણ ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, ‘ફક્ત પૈસા મેળવવા માટે કોઈપણ કામ કરાય નહીં’. એક વકીલ તરીકે તમારી પણ કેટલીક જવાબદારીઓ હોય છે.
અરજદાર અને ફરિયાદીના વકીલોએ આ અરજી પરત ખેંચવા માટે ઘણી રજૂઆતો કરી હતી. પરંતુ હાઇકોર્ટ સખત મિજાજ અપનાવતા આ અરજી ફગાવી દીધી હતી. તો સરકારી વકીલ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી સામે કુલ 16 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તે GUJCTOCમાં પણ આરોપી છે. આખરે ફરિયાદી માતા નીચું મોઢું નાખીને ઝડપથી કોર્ટ રૂમમાંથી બહાર નીકળી ગઇ હતી.

અમદાવાદના કૃષ્ણનગર પોલીસ મથકે 43 વર્ષીય આરોપી સામે ચાલુ વર્ષે BNS અને પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધાયો હતો. જેનો કેસ અમદાવાદ સીટી સેશન્સ કોર્ટ ખાતે આવેલી પોક્સોની વિશેષ અદાલતમાં ચાલી જતા જજ એ.બી.ભટ્ટે સરકારી વકીલ કે.જી.જૈનની દલીલો, 07 સાહેદ અને 27 પુરાવા ધ્યાને લઈને આરોપીને આરોપીને 20 વર્ષ કેદની સજા ફટકારી છે.
ટ્રાયલ દરમિયાન પીડિતા અને તેની માતા બંને પોતાના મૂળ નિવેદનથી ફરી ગયા હતા. માતાએ દાવો કર્યો કે પતિ-પત્ની વચ્ચે ઘરગથ્થુ ઝઘડો અને મારામારી થતી હતી અને તે બાબતે જ હેલ્પલાઈન બોલાવાઈ હતી. બાળકીએ પણ માત્ર માતા-પિતા વચ્ચેના ઝઘડાની વાત કરી હતી. જો કે, કોર્ટે સાયન્ટિફિક પુરાવાને ધ્યાન પર રાખી સજા ફટકારી હતી. આ સમગ્ર મામલે હાઈકોર્ટે આપેલો સંદેશ સ્પષ્ટ છે કે, સગીર દીકરી સાથે થયેલા ગંભીર ગુનામાં પુરાવા અને ન્યાયની પ્રક્રિયાને અવગણીને માત્ર ફરિયાદ રદ કરાવવાની માંગ સ્વીકારી શકાય નહીં.