fbpx

CM ભુપેન્દ્ર પટેલનું આદિવાસી વિસ્તારમાં 3 દિવસ રોકાવા પાછળનું BJPનું ગણિત શું છે?

Spread the love

CM ભુપેન્દ્ર પટેલનું આદિવાસી વિસ્તારમાં 3 દિવસ રોકાવા પાછળનું BJPનું ગણિત શું છે?

આગામી વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી અગાઉ જ રાજકીય સમીકરણો અંગે ગણિત ગણાઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તાજેતરની ગુજરાત મુલાકાત અને થયેલી બેઠકો આ વાતના સંકેત છે. ભાજપ આ વખતની ચૂંટણીમાં આદિવાસી મતદારો પર ફોકસ કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.

VTV ગુજરાતીના અહેવાલ મુજબ, પક્ષ અને સરકાર તરફથી પહેલા આદિવાસી જિલ્લાના પ્રભારીઓ અને મંત્રીઓને ફરજિયાત 72 કલાક રહેવાના આદેશ અપાયા અને હવે CM ભૂપેન્દ્ર પટેલ પોતે પણ આગામી દિવસોમાં 72 કલાક આદિવાસી વિસ્તારમાં રોકાણ કરશે. મુખ્યમંત્રી પોતાની આ મુલાકાત દરમિયાન સરકારની કામગીરીની સમીક્ષા કરશે. સાથે જ જે યોજના લાભ હજુ સુધી ન પહોંચ્યા હોય એ બાબતે પણ એક્શન લેવામાં આવશે. રાજકીય નિષ્ણાતોના મતે 2022ની ચૂંટણીમાં ભાજપે ખૂબ ઓછા માર્જિનથી 13 આદિવાસી બેઠકો જીતી હતી. જેને કારણે ઓછા માર્જિનવાળી બેઠક સંકટમાં હોવાથી ભાજપે માઇક્રોપ્લાનિંગ કરવાની ફરજ પડી છે.

ganpat vasava

આદિજાતીની બેઠકોમાં ભાજપે કાર્યકર્તાઓને વિશેષ જવાબદારી સોંપી છે. જ્યારે પ્રભારીઓને ફરજીયાત 4 દિવસ વિસ્તારમાં રહેવાની સૂચના આપવામાં આવી છે અને વિસ્તારમાં રહ્યા બાદ લેખિતમાં અહેવાલ પણ સંગઠનને આપવો પડશે. જે બેઠક પર જે પરિસ્થિતિ હોય તે મામલે લેખિતમાં અહેવાલ પણ આપવો પડશે. જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના નબળા પરફોર્મન્સને કારણે ભાજપે 27 બેઠકો પર ખાસ ફોકસ રાખ્યું છે.

આદિવાસી બેઠકો ભાજપ માટે કેટલી મહત્ત્વની છે તે સમજાવતા રાજકીય નિષ્ણાંત રાજેશ ઠાકરે જણાવ્યું હતું કે, ભાજપ જ્યારે જ્યારે ગુજરાતમાં રાજકીય રીતે પડકાર મળ્યો હોય કે જ્યાં સંઘર્ષ કરવો પડ્યો હોય એવા વિસ્તારમાં આપણે સૌરાષ્ટ્ર, કચ્છ અને આદિવાસી બેલ્ટને ગણી શકીએ. કોંગ્રેસના મોટા નેતાઓને ભાજપમાં લઈ લીધા પછી પણ કોંગ્રેસની જે સ્થિતિ છે એ અત્યારે આખા ગુજરાતમાં એક રીઝન કહેવાય જેની અંદર કોંગ્રેસ જીવતી રાખી છે એ આદિવાસી બેલ્ટે રાખી છે. અને એની સમાંતર જે ત્રીજો પક્ષ ઉભો થયો. એ ત્રીજા પક્ષનું પણ AP સેન્ટર પણ આદિવાસી વિસ્તાર છે. તેમજ ભાજપને તેમના સાંસદ મનસુખ વસાવા તરફથી પણ અવાર નવાર આંતરિક ચેલેન્જ મળતી રહે છે. એટલે કે બહાર અને અંદર બંને બાજુથી. દર્શના દેશમુખનો કિસ્સો જોઈ લો તમે, એટલે કે બહાર અને અંદર બંને બાજુથી ભારતીય જનતા પાર્ટીને પડકાર મળતો રહ્યો છે.

mansukh vasava

તેમણે કહ્યું કે, મનસુખ વસાવાના વિકલ્પ તરીકે ભાજપ કોઈને શોધે તો એ તેમને પરવડે એમ નથી. એટલે આંતરિક ચેલેન્જ છે. ચૈતર વસાવાને જેલમાં ગયા પછી જે આમ આદમી પાર્ટી     (AAP)નું સિમ્પથી પોલિટિક્સ અત્યારે ચાલી રહ્યું છે. જેના કારણે ચૈતર વસાવાનો જેલમાં હોવાનો ગેરફાયદો ભાજપને થતો હોય એવું તેમનું આંતરિક વિશ્લેષ્ણ પણ છે અને બહારથી એ દેખાય પણ છે. સંસદની ચૂંટણીમાં તમે જુઓ તો ચૈતર વસાવા અને અનંત પટેલ જે પ્રમાણે વોટ લઈ ગયા હતા. ભલે સીટો ભાજપે જીતી હતી. પણ જે વોટ પાછલી લોકસભા કરતા વધારે લઈ ગયા હતા. એ વિપક્ષનો જે વોટ છે એ ભાજપ માટે ચોક્કસ ચેલેન્જ છે.

આમ ભાજપે આદિજાતીની બેઠકો જાળવી રાખવા માટે અત્યારથી આયોજન કરી લીધું છે. બિરસા મુંડાની જન્મજયંતી પણ જોરશોરમાં ઉજવવામાં આવશે અને નેતાઓ, મંત્રીઓને ઘરે ઘરે ફરવાની સૂચના આપી દેવામાં આવી છે. ત્યારે હવે ભાજપનો ટાર્ગેટ આદિજાતિ બેઠકો પર પૂર્ણ થશે કે નહીં તે જોવુ રહ્યું.

bhupendra patel

ભાજપના પ્રવક્તા ડૉ. અનિલ પટેલનું કહેવું છે કે, ભાજપર્ટી હંમેશાં પ્રજાની વચ્ચે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના જન કલ્યાણના કામો લઈને જાય છે. અમારા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે અમારા સંગઠનના પ્રતિનિધિ હોય. ભાજપ ક્યારેય વોટ બેંક લક્ષી કે ચૂંટણી લક્ષી કોઈ પણ કામ કે કોઈપણ કાર્યક્રમો કરતી નથી. ભાજપનો હેતુ પંડિત દીનદયાળજીની જે વિચારધારા છે.

તેમણે કહ્યું કે, અંતિમ વ્યક્તિના જીવનમાં પરિવર્તન લાવવા એના જીવનમાં ઉત્થાન લાવવું. એ પ્રમાણે સતત કામ કરતી હોય છે. તેમજ 27 બેઠકોની જે વાત કરી તે દલિત સમાજની રિઝર્વ બેઠક હોય, ટ્રાયબલ સમાજની રિઝર્વ બેઠક હોય બધા જ સમાજના સશક્તિકરણના સંદર્ભમાં સરકાર કામ કરતી હોય છે. ભાજપનો મૂળ મંત્ર સામાજિક સશક્તિકરણ છે અને એ સશક્તિકરણના આધારે કામ કરીએ છીએ. અમારા માટે મત બેંકથી ઉપર ઉઠીને લોકોનો વિશ્વાસ કેળવવો અને લોકોને ભાજપ અને એમાં વિશ્વાસ વધે એ પ્રકારના કાર્યક્રમોનું આયોજન હોય છે.

Leave a Reply

error: Content is protected !!