
ACC મેન્સ અંડર-19 એશિયા કપ 2026ની ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતને યાદગાર જીત અપાવનાર મોહિત ઉલ્વાની સફળતા પાછળ વર્ષોનો સંઘર્ષ અને સખત મહેનત છુપાયેલી છે. જ્યારે ભારતીય ટીમ 338 રનના લક્ષ્યનો પીછો કરી રહી હતી ત્યારે 252 રનમાં 8 વિકેટ ગુમાવી ચૂકી હતી, ત્યારે 10મા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા મોહિતે માત્ર 26 બોલમાં અણનમ 49 રન ફટકાર્યા. તેની આ ઇનિંગે મેચનું પાસું પલટી નાખ્યું; તેણે છેલ્લા બોલ પર બાઉન્ડ્રી ફટકારીને ભારતને એક વિકેટથી જીત અપાવી.
મોહિતની ઇનિંગ જોઇને તેમના કોચ, મહેન્દ્રસિંહ ચૌહાણ ખુશી ઝૂમી ઉઠ્યા હતા. જામનગરમાં ક્રિકેટ એકેડમી ચલાવતા ચૌહાણે મોહિતમાં રહેલો જુસ્સો ત્યારે જ પારખી લીધો હતો જ્યારે તે માત્ર સાત વર્ષનો હતો. 2015માં, મોહિતના પિતા મહેશભાઈ તેને લઈને એકેડમીમાં આવ્યા હતા. તે સમયે, મહેન્દ્ર સિંહ લગભગ 300 બાળકોને તાલીમ આપી રહ્યા હતા, પરંતુ રમત પ્રત્યે મોહિતનું સમર્પણ જોઈને તેમણે તેને અભ્યાસ માટે તક આપી હતી.
જામનગરમાં ઉછરેલો મોહિત ઉલ્વા બાળપણથી જ ભારતીય ટીમના અનુભવી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો મોટો પ્રશંસક રહ્યો છે. તે પણ જાડેજાની જેમ ભારતીય ક્રિકેટમાં પોતાનું નામ બનાવવા માંગે છે. રસપ્રદ વાત એ છે કે, રવિન્દ્ર જાડેજાએ પણ જામનગરના ક્રિકેટ બંગલો ગ્રાઉન્ડ પર મહેન્દ્રસિંહ ચૌહાણ પાસે જ તાલીમ લીધી હતી.

મોહિતે તૈયાર કરવા માટે તેના કોચે તેની ફિટનેસ અને માનસિક મજબૂતી પર વિશેષ ભાર મૂક્યો હતો. તાલીમ દરમિયાન મોહિત અઠવાડિયાના છ દિવસ મેદાનના પાંચ ચક્કર લગાવવાના રહેતા હતા, જ્યારે સાતમા દિવસે 25 ચક્કર પૂરા કરવા પડતા હતા. ચૌહાણ આ અભ્યાસને મિલિટરી ટ્રેનિંગ કહેતા હતા. તેમનું માનવું છે કે સફળ ક્રિકેટર બનવા માટે ટેકનિક સાથે શારીરિક અને મજબૂતી હોવી પણ જરૂરી છે.
મોહિત ઉલ્વાએ તેની ક્રિકેટ જર્નીની શરૂઆત ઓફ-સ્પિન બોલર તરીકે કરી હતી. જોકે, તેની ઊંચાઈ અને શારીરિક બાંધાને ધ્યાનમાં રાખીને, ચૌહાણે તેને ફાસ્ટ બોલિંગ તરફ વળવાની સલાહ આપી. ત્યારબાદ તેણે પોતાની બોલિંગમાં ફેરફાર કર્યા. જો કે, તેની બેટિંગ પ્રતિભા પણ શરૂઆતથી જ કોચની નજરમાં હતી. મહેન્દ્રસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર, મોહિત ઉલ્વા પોતાની ક્ષમતાના હિસાબે નંબર-10નો ખેલાડી નથી. જ્યારે તે બેટિંગ કરવા મેદાનમાં ઉતરે છે, ત્યારે તે પોતાને વિશેષજ્ઞ બેટ્સમેન માનીને રમે છે. પાકિસ્તાન સામેની ફાઈનલ મેચમાં તેણે રમેલી ઈનિંગ આ વિચારસરણીનું પરિણામ હતી.
BCCIની જુનિયર સિલેક્શન સમિતિના ભૂતપૂર્વ અધ્યક્ષ શ્રીધરન શરતે પણ મોહિત ઉલ્વાના વખાણ કર્યા. તેમણે જણાવ્યું કે સિલેક્શન સમિતિ અને સેન્ટર ઓફ એક્સિલેન્સ (CoE)ના પ્રમુખ VVS લક્ષ્મણે એવી ટીમ તૈયાર કરવા પર કામ કર્યું હતું જેમાં નીચલા ક્રમના ખેલાડીઓ પણ બેટિંગ કરી શકે.
શ્રીધરન શરતના મતે, ઘરેલૂ ક્રિકેટમાં સૌરાષ્ટ્ર માટે રમતા મોહિત ઉલ્વાએ બેટિંગમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. તેના શાંત અને સંયમિત સ્વભાવે પણ પસંદગીકારોને પ્રભાવિત કર્યા હતા. પોતાના સારા પ્રદર્શન બાદ પણ પોતાનો સંયમ ગુમાવતો નહોતો અને ખરાબ પ્રદર્શન બાદ પણ શાંત રહે છે.

જીત બાદ પણ મહેન્દ્રસિંહ ચૌહાણની દિનચર્યામાં ખાસ કોઈ ફેરફાર ન થયો. તેમણે જણાવ્યું કે તેઓ મોહિત માટે મંદિરમાં પ્રાર્થના કરશે અને પછી પોતાની પાઉંભાજીની દુકાન પર કામ સંભાળશે, જેને તેઓ કોચિંગની સાથે સાથે ચલાવે છે. એક તરફ તેમનો શિષ્ય પાકિસ્તાન સામેની ઐતિહાસિક ઈનિંગ રમીને ચર્ચામાં હતો, ત્યારે બીજી તરફ કોચ પોતાની રોજિંદી જવાબદારીઓ સંભાળવા માટે તૈયાર થઈ રહ્યા હતા.