fbpx

ઠાકોર સમાજના સ્નેહમિલનમાં અલ્પેશ ઠાકોર-ગેનીબેન બોલ્યા- ‘ચૂંટણીઓ આવતી-જતી રહેશે, પરંતુ…’

Spread the love

ઠાકોર સમાજના સ્નેહમિલનમાં અલ્પેશ ઠાકોર-ગેનીબેન બોલ્યા- ‘ચૂંટણીઓ આવતી-જતી રહેશે, પરંતુ…’

વાવ-થરાદ જિલ્લાના દિયોદર સ્થિત ઠાકોર બોર્ડિંગ ખાતે ઠાકોર સમાજના નવા વર્ષના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસનાં સાંસદ ગેનીબેન ઠાકોર, રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોર, દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, ગાંધીનગર મનપાના મેયર રૂપસિંહ ઠાકોર અને કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર સહિત સમાજના આગેવાનોએ હાજરી આપી હતી. આ સંમેલનમાં સમાજની એકતા જાળવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

ગુજરાત ફર્સ્ટના અહેવાલ મુજબ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર રૂપસિંહ ઠાકોરનું વાવ-થરાદમાં ઠાકોર સમાજના આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારોહ દરમિયાન મેયર રૂપસિંહ ઠાકોરે ભાષણની શરૂઆત કરતા પહેલાં જ ઉપસ્થિત લોકોની માફી માગી હતી. તેમણે કહ્યું હતું કે, ભાષણ દરમિયાન બોલવામાં કોઈ ભૂલ થાય તો માફ કરજો. જોકે, ભાષણની શરૂઆતમાં જ તેમની જીભ લપસી હતી. રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરને સંબોધતી વખતે તેમણે ભૂલથી તેમને કેબિનેટ કક્ષાના મંત્રી કહી દીધા હતા. આમ, પોતાની ભૂલ થાય તો અગાઉથી માફી માગવાની વાત કરનાર મેયર ભાષણની શરૂઆતમાં જ સંબોધનમાં ભૂલ કરી બેઠા હતા.

ગુજરાત સમાચાર સબ્સ્ક્રિપ્શન

geniben

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સ્નેહમિલનમાં કાર્યક્રમમાં સમાજને સંબોધતા ગેનીબેન ઠાકોરે રાજ્યના ઠાકોરસમાજના 42 ધારાસભ્યો-સાંસદોને એક હોટલમાં જમવા માટે એકઠા થવાની સલાહ આપી હતી અને આ રીતે સમાજની રાજકીય એકતાની નોંધ લેવડાવવા હાકલ કરી હતી. સાથે એવી પણ ભયસૂચક ચેતવણી આપી હતી કે જો તમે ભેગા નહીં થાવ તો સમાજનો ક્યાંય મેળ પડશે નહી. બીજી તરફ અલ્પેશજી ઠાકોરે પણ ચૂંટણી કરતા સમાજની એકતાને વધુ મહત્ત્વ આપવાનો સંદેશ આપ્યો હતો.

સાંસદ ગેનીબેન ઠાકોરે સમાજ કાયમી એક રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સમાજ એક મંચ પર આવે ત્યારે પરિણામ મળે છે અને અલગ-અલગ રાજકીય પક્ષો સાથે જોડાયેલા સમાજના લોકોને સાથે બેસીને ભોજન કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે ગુજરાતના 42 ધારાસભ્યો અને સાંસદો એક જગ્યાએ ભેગા થાય તો અન્ય સમાજો પણ તેમાંથી શીખ લઈ શકે છે.

photo_2026-11-15_09-20-28

તો ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે ચૂંટણીઓ આવતી-જતી રહેશે, પરંતુ સમાજની એકતા કાયમ રહેવી જોઈએ. સમાજના આગેવાનો સુખ-દુઃખમાં સંઘર્ષ કરે ત્યારે સમાજે પણ તેમને સાથ આપવો જોઈએ, તેમજ તેમણે ગાંધીનગર મનપાના મેયર રૂપસિંહ ઠાકોરને પોતાના ‘બોસ’ ગણાવ્યા હતા.

અલ્પેશ ઠાકોરે સોશિયલ મીડિયા પર સમાજના મુદ્દે વિરોધ અને ટિપ્પણીઓ કરનારાઓને પણ આડેહાથ લીધા હતા. તેમણે યુવાનોને સંબોધતાં કહ્યું હતું કે, યુવાનો પોતાના વિચારો રજૂ કરે તેમાં કોઈ વાંધો નથી, પરંતુ બોલતી વખતે વિવેક જાળવવો જરૂરી છે. સમાજના પ્રશ્નો અંગે ચર્ચા થવી જોઈએ, પરંતુ શબ્દોની મર્યાદા જાળવીને અને એકબીજાનું સન્માન કરીને વાત રજૂ કરવી જોઈએ તેવો સંદેશ તેમણે આપ્યો હતો.

અલ્પેશ ઠાકોરે સોશિયલ મીડિયા પર યુવાનોને સંયમ અને મર્યાદા જાળવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પોતાના AI વીડિયો બને કે તેમના વિશે કોઈ કંઈ પણ બોલે તેનાથી તેમને વાંધો નથી, કારણ કે સમાજનો સર્વાંગી વિકાસ કરવો અને તેની પીડાઓ દૂર કરવી તેમનો ઉદ્દેશ્ય છે. તેમણે યુવાનોને એકબીજાને નીચે પાડવાને બદલે મુશ્કેલીના સમયે મદદ કરવા અપીલ કરી હતી.

photo_2026-11-15_09-20-17

ઠાકોર સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણે આગામી 2027ની ચૂંટણીનો ઉલ્લેખ કરીને સમાજની એકતા જાળવી રાખવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આગામી સમયમાં સમાજની એકતાની કઠિન પરીક્ષા થવાની છે. રાજકીય પક્ષો પોતાના સ્વાર્થ માટે સમાજની એકતા તોડવાના પ્રયાસો કરી શકે છે. આવા સંજોગોમાં સમાજના લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. રાજકીય પક્ષો અને તેમના પ્રભાવથી સમાજમાં ભાગલા ન પડે તે માટે સૌએ એકજૂથ રહેવું પડશે. કેશાજી ચૌહાણે ઠાકોર સમાજના લોકોને એકતા જાળવી રાખવાના શપથ પણ લેવડાવ્યા હતા. તેમના આ નિવેદનથી સ્નેહમિલન કાર્યક્રમમાં રાજકીય ચર્ચા પણ શરૂ થઈ હતી.

સમગ્ર કાર્યક્રમ દરમિયાન સામાજિક એકતા, રાજકીય મતભેદો અને સમાજના હિત જેવા મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા. આમ, નવા વર્ષના સ્નેહમિલનના આ કાર્યક્રમમાં રાજકીય નેતાઓની હાજરીની સાથે તેમના નિવેદનો પણ ચર્ચાનું મુખ્ય કારણ બન્યા હતા.

Leave a Reply

error: Content is protected !!