
આયુષ્માન ભારત યોજનાનો લાભ લેનારા કરોડો લોકો માટે એક સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB-PMJAY) હેઠળ સરકારી હોસ્પિટલોમાં ઉપલબ્ધ સારવાર સુવિધાઓનો વ્યાપ વધારી રહી છે. અહેવાલો અનુસાર, આ યોજના હેઠળ અનામત સારવાર પેકેજોની સંખ્યા 23થી વધારીને 112 કરવાની યોજના છે. આનો અર્થ એ થયો કે લાભાર્થીઓ સરકારી હોસ્પિટલોમાં હવે પહેલા કરતાં વધુ બીમારીઓની સારવાર મેળવી શકશે.
એક સમાચાર એજન્સીના જણાવ્યા મુજબ, રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (NHA)ના સૂત્રોએ જણાવ્યું હતું કે પ્રસ્તાવિત વિસ્તરણ મુખ્યત્વે સામાન્ય બીમારીઓની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેની અસરકારક રીતે સારવાર સરકારી આરોગ્ય કેન્દ્રો, ખાસ કરીને સમુદાય આરોગ્ય કેન્દ્રો (CHC) અને સબ-ડિવિઝનલ હોસ્પિટલો (SDH)માં થઈ શકે છે. આ ફેરફાર એવા લોકોને ફાયદો કરાવી શકે છે જેમને અગાઉ સારવાર માટે મોટા શહેરો અથવા ખાનગી હોસ્પિટલોમાં મુસાફરી કરવી પડતી હતી.

રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, આમાંની ઘણી સારવાર સરકારી હોસ્પિટલોમાં પહેલાથી ઉપલબ્ધ માળખાગત સુવિધાઓ, સાધનો અને પ્રશિક્ષિત તબીબી કર્મચારીઓનો ઉપયોગ કરીને કરી શકાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમારો ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે દર્દીઓને તેમના ઘરની નજીકની સરકારી હોસ્પિટલોમાં અસરકારક રીતે પૂરી પાડી શકાય તેવી સારવાર મેળવવા માટે લાંબા અંતરની મુસાફરી ન કરવી પડે. આ ઉપરાંત, આ હોસ્પિટલોનો વધુ ઉપયોગ તેમના માળખાગત સુવિધાને મજબૂત બનાવવામાં અને સેવાઓની ગુણવત્તા સુધારવામાં મદદ કરશે.’ રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળના સૂત્રોના જણાવ્યા અનુસાર, દરખાસ્તમાં 89 નવા સારવાર પેકેજોનો સમાવેશ થાય છે. આમાં ઘણી સામાન્ય બીમારીઓ અને નાની અને મોટી સર્જરીઓનો સમાવેશ થાય છે જેની સારવાર કોમ્યુનિટી હેલ્થ સેન્ટર્સ (CHC) અને સબ-ડિવિઝનલ હોસ્પિટલ્સ (SDH)માં પણ થઈ શકે છે.
પ્રસ્તાવિત યાદીમાં એવી ઘણી બીમારીઓનો સમાવેશ થાય છે. જેને લઈને સામાન્ય લોકો ઘણી વખત પીડાતા હોય છે. આમાં એનિમિયા (શરીરમાં લોહીનું ઓછું હોવું), હાઈ બ્લડ પ્રેશર, બ્રોન્કાઇટિસ, ઝાડા, મરડો, પેટ અને આંતરડામાં સોજો, યુરિન ઇન્ફેકશન અને કિડનીની પથરીને કારણે થતી તીવ્ર પીડાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, અચાનક તાવ અને ડાયાબિટીસની કેટલીક ગૂંચવણો સાથે સંકળાયેલી બીમારીઓની સારવાર પણ પ્રસ્તાવિત પેકેજમાં શામેલ છે. શસ્ત્રક્રિયાઓ અને અન્ય તબીબી પ્રક્રિયાઓમાં હિસ્ટરેકટમી, હેમોરહોઇડ્સ, હાઇડ્રોસીલ્સ, ગાંઠ અને ચરબીની ગાંઠ (લિપોમાસ)નો સમાવેશ થાય છે. બાયોપ્સી, એટલે કે બીમારીની તાપસ કરવા માટે શરીરના અમુક ભાગોમાંથી લેવામાં આવતા નમૂનાનો પણ સમાવેશ થાય છે. આંખ સંબંધિત સમસ્યાઓમાં ડાયાબિટીક રેટિનોપેથી અને ગ્લુકોમા (કાળો મોતિયો)માટે સ્ક્રીનીંગનો સમાવેશ થાય છે.

રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આયુષ્માન ભારત યોજના હેઠળ, સરકારી હોસ્પિટલોને પાત્ર લાભાર્થીઓને આપવામાં આવતી રોકડ રહિત સારવાર માટે વળતર આપવામાં આવે છે. તેમણે જણાવ્યું કે આ ભંડોળનો ઉપયોગ માળખાગત સુવિધાને મજબૂત કરવા, તબીબી ઉપકરણો ખરીદવા, દવાઓ અને અન્ય સારવાર પુરવઠાની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા, ઓપરેશનલ ખર્ચને આવરી લેવા અને વધારાના આરોગ્ય વ્યાવસાયિકોને ભાડે રાખવા માટે થઈ શકે છે.
અહીં તમને બતાવી દઈએ કે, આયુષ્માન ભારત યોજના હેઠળ, 2019થી સરકારી આરોગ્ય કેન્દ્રો માટે પ્રસૂતિ અને સ્ત્રીરોગવિજ્ઞાન અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત નિષ્ણાત સેવાઓ માટે 23 સારવાર પેકેજો અનામત રાખવામાં આવ્યા છે. ત્યારપછી, ઘણા રાજ્યોએ તેમની આરોગ્યસંભાળ ક્ષમતાના આધારે વધારાના પેકેજો પણ અનામત રાખ્યા છે.