fbpx

હવે બ્રાહ્મણ, પાટીદાર, કોળી, ક્ષત્રિય, રાજપૂત, ઠાકોર જેવા કોઈપણ જાતિસુચક શબ્દો ગાડી પર દેખાયા તો મોટો દંડ ભરવો પડશે

Spread the love

હવે બ્રાહ્મણ, પાટીદાર, કોળી, ક્ષત્રિય, રાજપૂત, ઠાકોર જેવા કોઈપણ જાતિસુચક શબ્દો ગાડી પર દેખાયા તો મોટો દંડ ભરવો પડશે

ગુજરાતમાં હવે ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો લખીને કે ચિહ્નો લગાવીને પોતાની જ્ઞાતિનું પ્રદર્શન કરનારાઓ માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. ખાનગી વાહનો પર જાતિ દર્શાવતા શબ્દો લખીને કે ચિહ્નો પ્રદર્શિત કરીને જાતિગત ઓળખનું પ્રદર્શન કરવાની પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા રાજ્ય સરકારે મોટું પગલું ભર્યું છે. હવે ટૂ-વ્હીલર, થ્રી વ્હીલર, ફોર વ્હીલર કે બસ અથવા ટ્રક સહિત તમામ પ્રકારના ખાનગી વાહનો પર જાતિસૂચક શબ્દો, જાતિ દર્શાવતા સંકેતો, આકૃતિઓ કે લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં.

સરળ શબ્દોમાં કહીએ તો જાતિ દર્શાવતા (પટેલ, બ્રાહ્મણ, ક્ષત્રિય, ઠાકોર, ભરવાડ વગેરે) સંકેતો કે લખાણ હવે વાહન પર લખી શકાશે નહીં. આ માટે ગુજરાત સરકારે ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં સુધારો કરીને આ અંગે સ્પષ્ટ જોગવાઈ કરી છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, રાજ્ય સરકારે ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર, કાર, બસ અને ટ્રક સહિતના ખાનગી વાહનો પર જાતિ આધારિત ઓળખ દર્શાવતી બાબતોને નિયંત્રિત કરવા મોટર વાહન નિયમોમાં સુધારો કર્યો છે. આ માટે બંદરો અને વાહન-વ્યવહાર વિભાગ દ્વારા ‘ગુજરાત મોટર વાહન (ત્રીજો સુધારો) નિયમો, 2026’ જાહેર કરવામાં આવ્યા છે.

motor vehicles new rules

આ નવી જોગવાઈ મુજબ, રાજ્ય સરકાર દ્વારા સામાન્ય અથવા વિશેષ હુકમથી મંજૂરી આપવામાં આવી હોય તેવા અપવાદ સિવાય કોઈપણ ખાનગી વાહન પર જાહેરાતનું ઉપકરણ, જાતિ દર્શાવતું ચિહ્ન, આકૃતિ કે કોઈપણ પ્રકારનું લખાણ પ્રદર્શિત કરી શકાશે નહીં. આથી વાહનો પર જાતિસૂચક શબ્દો લખવાની અને જાતિ દર્શાવતા સંકેતો કે લખાણ મૂકવાની બાબતને નિયમન હેઠળ આવરી લેવામાં આવી છે.

રાજ્ય સરકારે 17 નવેમ્બર, 2026ના રોજ જાહેર કરેલા આ સુધારા હેઠળ ગુજરાત મોટર વાહન નિયમો, 1989માં નવી જોગવાઈ ઉમેરવામાં આવી છે. આ નિર્ણયથી વાહનો પર અટક, જ્ઞાતિ કે જાતિ દર્શાવતા શબ્દો લખવાની પ્રવૃત્તિ સામે નિયમનાત્મક કાર્યવાહીનો માર્ગ ખુલ્યો છે.

નવા સુધારા હેઠળ નિયમ 125ના પેટાનિયમ (1)માં ‘No advertising device, figure’ શબ્દોની જગ્યાએ ‘No advertising device, caste signage, figure’ શબ્દો ઉમેરવામાં આવ્યા છે. એટલે કે, વાહનો પર જાતિ દર્શાવતા ચિહ્નોનો પણ સ્પષ્ટ રીતે સમાવેશ કરવામાં આવ્યો છે.

motor vehicles new rules

આ નિયમોના મુસદ્દા અગાઉ 11 જૂન, 2026ના રોજ ગુજરાત સરકારના અસાધારણ રાજપત્રમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ અસરગ્રસ્ત લોકો પાસેથી 30 દિવસમાં વાંધા અને સૂચનો મંગાવવામાં આવ્યા હતા. જોકે, નિર્ધારિત સમયગાળા દરમિયાન સરકારને કોઈ વાંધો કે સૂચન પ્રાપ્ત થયું ન હતું. આથી હવે રાજ્ય સરકારે અંતિમ નિયમો જાહેર કર્યા છે.

નવા નિયમોમાં રાજ્ય સરકારને સામાન્ય અથવા વિશેષ હુકમ દ્વારા જરૂરી અપવાદોને મંજૂરી આપવાની સત્તા પણ રાખવામાં આવી છે. આમ, ખાનગી વાહનો પર શું પ્રદર્શિત કરી શકાય અને શું નહીં તે અંગે નિયમન વધુ સ્પષ્ટ બન્યું છે. હવે વાહનો પર જાતિ આધારિત ઓળખનું પ્રદર્શન કરવા પર કાયદાકીય નિયંત્રણ લાગૂ પડશે.

ટૂંકમાં, રસ્તા પર વાહન ચલાવવું છે તો વાહનની ઓળખ રાખો, જાતિનું પ્રદર્શન નહીં! ગુજરાત સરકારના આ નિર્ણયથી વાહનો પર જ્ઞાતિનાં નામ લખાવીને સામાજિક ઓળખનો દેખાડો કરવાની પ્રવૃત્તિ પર બ્રેક લાગવાની શક્યતા છે.

Leave a Reply

error: Content is protected !!