fbpx

શું આખી માનવજાતિ ‘કામ વગરની’ થઇ જશે? Anthropic નિષ્ણાતનો દાવો; ‘સુપરહ્યુમન AI દરેકને ‘બેકાર’ કરી દેશે’

Spread the love

શું આખી માનવજાતિ 'કામ વગરની' થઇ જશે? Anthropic નિષ્ણાતનો દાવો; 'સુપરહ્યુમન AI દરેકને 'બેકાર' કરી દેશે'

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અંગે ફરી એક ચેતવણી સામે આવી છે. આ વખતે, એન્થ્રોપિકના એક નિષ્ણાત તરફથી ચેતવણી આવી છે. તેમનું કહેવું છે કે, AI સમગ્ર માનવજાતને બેરોજગાર બનાવી શકે છે અને તેમને સરકારની કલ્યાણકારી યોજનાઓ પર આધાર રાખવા મજબૂર કરી શકે છે.

એન્થ્રોપિકના AI સંશોધક તાઓ લિને પેલિસેડ રિસર્ચ સાથેની એક મુલાકાતમાં આ અવલોકન કર્યું હતું. લિને કહ્યું હતું કે, ‘સુપરહ્યુમન AI’ લોકોની અપેક્ષા કરતાં વહેલા આવી શકે છે. તેમણે કહ્યું હતું કે, ‘મારો અંદાજ છે કે, સુપરહ્યુમન AI આવવામાં લગભગ 1.3 વર્ષ લાગી શકે છે, અથવા તે 2027ના અંત સુધીમાં આવી શકે છે.’

Anthropic Researchers

‘સુપરહ્યુમન AI’ એવી સિસ્ટમોનો ઉલ્લેખ કરે છે કે જે પ્રોગ્રામિંગ, ફિલ્મ નિર્માણ અને રાજકારણ સહિત લગભગ દરેક ક્ષેત્રમાં માનવોને પાછળ છોડી દેશે. AI નિષ્ણાતો જેટલું સારું અથવા તેનાથી પણ સારું પ્રદર્શન કરી શકે છે.

તાઓ લિનની ચેતવણી AIના શ્રેષ્ઠ પ્રદર્શન સુધી મર્યાદિત નથી. તેઓ કહે છે કે, જ્યારે AI મનુષ્યોને પાછળ છોડી દે છે, ત્યારે માનવ રોજગારની જરૂરિયાત અદૃશ્ય થઈ શકે છે. પરિણામે, લોકોને સરકારની કલ્યાણકારી યોજના પર આધાર રાખવો પડશે. તેમણે એક મુલાકાતમાં કહ્યું, ‘મને લાગે છે કે (નોકરી પર AIની) સૌથી મોટી અસર એ થશે કે દરેક વ્યક્તિ પોતાની વર્તમાન નોકરી ગુમાવશે. દરેક વ્યક્તિને થોડા સમય માટે બીજી નોકરીઓ તરફ વળવું પડશે. પછી, એક સમય આવશે જ્યારે તેઓ એ કામ કરવા માટે પણ સંપૂર્ણપણે અસમર્થ થઈ જશે. પછી, તેમને તેમની નાણાકીય જરૂરિયાતો માટે સરકાર પર આધાર રાખવો પડશે. ફરી ક્યારેય કામ મળવાની કોઈ આશા રહેશે નહીં.’

Anthropic Researchers

AI સંશોધક તાઓ લિને જણાવ્યું કે, AI ચોક્કસપણે દરેક કાર્યમાં સારું હોઈ શકે છે, પરંતુ દરેક વ્યક્તિ તરત જ પોતાની નોકરી ગુમાવશે નહીં. ભૌતિક કાર્યની જેમ, મશીનો મોટા પાયે મનુષ્યોનું સ્થાન લઈ શકે તે પહેલાં, કંપનીઓએ વધુ સારા રોબોટ્સ વિકસાવવા પડશે અને પછી અબજો રોબોટ્સનું ઉત્પાદન કરવું પડશે.

લિને એ પણ ચેતવણી આપી હતી કે ભવિષ્યમાં, AI એટલું શક્તિશાળી બની શકે છે કે તે માનવ હાથમાંથી નિયંત્રણ લઈ શકે છે. તેમણે કહ્યું, ‘ભવિષ્યમાં AI સંપૂર્ણપણે માનવોનું સ્થાન લઈ લેશે તેવી લગભગ 20 ટકા શક્યતા છે.’

જોકે, લિન માનતા નથી કે માનવો સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે. તેમણે AI નિયંત્રણ મેળવવાની સંભાવના 50 ટકાથી ઓછી હોવાનો અંદાજ લગાવ્યો. તેમણે કહ્યું કે એ પણ શક્ય છે કે AI નિયંત્રણ લઈ લે, પરંતુ માણસોને ટકી રહેવા દે.

Anthropic Researchers

તાઓ લિને એ પણ ચર્ચા કરી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ નોકરીઓને જોખમમાં ન મૂકે તે માટે AI કંપનીઓએ શું કરવું જોઈએ. તેમણે ઇન્ટરવ્યુમાં કહ્યું કે, કંપનીઓએ તેમના વિકાસની ગતિને ખુબ જ ધીમી કરી દેવી જોઈએ, AI સંશોધનની તેમની વર્તમાન ગતિને આજની ગતિના લગભગ ચોથા ભાગ સુધી ઘટાડવી જોઈએ. લિન દલીલ કરે છે કે, કંપનીઓ પર તેમના મોડેલો ઝડપથી રિલીઝ કરવા માટે ભારે દબાણ રહેતું હોય છે.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, લિન લગભગ દોઢ વર્ષથી એન્થ્રોપિકમાં કામ કરી રહ્યા છે. આ અગાઉ, તેમણે ‘ઓટોમેટેડ એલાઇનમેન્ટ રિસર્ચ’ અને ‘AI કંટ્રોલ’ પર કામ કર્યું હતું. હાલમાં, તેઓ ‘સેફગાર્ડ્સ’ પર કામ કરે છે. આમાં ક્લાઉડ પર વિનંતીઓનું નિરીક્ષણ કરવું અને શસ્ત્રો અથવા હેકિંગ સંબંધિત હાનિકારક વિનંતીઓને રોકવાનું કામ કરવાનો સમાવેશ થાય છે.

Leave a Reply

error: Content is protected !!