
2026માં SIRને લગતા વિવાદ વચ્ચે, યોગ્ય દસ્તાવેજોના અભાવે દેશભરમાં લાખો નામો મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા, ફરીપાછી અરજી કર્યા પછી તેને ઉમેરવામાં આવ્યા હતા. દરમિયાન, પશ્ચિમ બંગાળના કૂચ બિહારથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક નવજાત બાળકી 2 મહિનાથી વધુ સમયથી તેના જન્મ પ્રમાણપત્રની રાહ જોઈ રહી છે. પરિવારનો આરોપ છે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ દરમિયાન તેના પિતાનું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવામાં આવતા જન્મ નોંધણી પ્રક્રિયા અટકી ગઈ છે. છોકરીના પિતા અબ્દુલ હબીબે જણાવ્યું હતું કે, અધિકારીઓએ તેમને રહેઠાણ પ્રમાણપત્ર આપવા માટે ઇનકાર કર્યો છે, આમ તેમની પુત્રીનું જન્મ પ્રમાણપત્ર બની શક્યું નથી.
અબ્દુલ હબીબની પત્ની, અમીના ખાતુને 8 સપ્ટેમ્બરના રોજ દિનહાટાની સરકારી હોસ્પિટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો, પરંતુ પરિવારને હજુ સુધી તેનો સત્તાવાર જન્મ રેકોર્ડ મળ્યો નથી. હબીબે જણાવ્યું હતું કે, સમસ્યા ત્યારે શરૂ થઈ જ્યારે તે સ્થાનિક પંચાયતમાં રહેઠાણ પ્રમાણપત્ર મેળવવા ગયો, જ્યાં અધિકારીઓએ SIR ઝુંબેશ અને મતદાર યાદીમાંથી તેનું નામ દૂર થવાને કારણે દસ્તાવેજ બનાવવાની ના પાડી હતી.
પરિવારનો આરોપ છે કે પિતાનું નામ SIRમાંથી દૂર થયા પછી, તેઓ રહેઠાણ પ્રમાણપત્ર મેળવી શક્યા નહીં, અને આનાથી છોકરીની જન્મ નોંધણી અટકી ગઈ હતી.

ઘણી દોડાદોડ કર્યા પછી, તેમને સ્થાનિક ધારાસભ્યનો સંપર્ક કરવાની સલાહ આપવામાં આવી. સરકારી કચેરીઓની અનેક મુલાકાતો છતાં, તેમની સમસ્યા ઉકેલાઈ નથી. અહેવાલો અનુસાર, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BDO) લમ્હુ Y. વાંગડીએ જણાવ્યું હતું કે વહીવટીતંત્ર આ બાબતની તપાસ કરશે.
કૂચ બિહાર ભાજપના પ્રમુખ અભિજીત બર્મને કહ્યું કે જો હબીબ સાચા મતદાર છે, તો તેનું નામ ચોક્કસપણે દેખાશે. તેમણે ટ્રિબ્યુનલમાં અપીલ કરવી જોઈએ. જો તે સાચા રહેવાસી છે, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. નિયમો મુજબ છોકરીનું જન્મ પ્રમાણપત્ર બનાવી આપવામાં આવશે.
કૂચ બિહાર કોંગ્રેસના જિલ્લા પ્રમુખ વિશ્વજીત સરકારે આરોપ લગાવ્યો હતો કે SIR ઝુંબેશ દરમિયાન સાચા મતદારોના નામ પણ કાઢી નાખવામાં આવ્યા હતા, જેના કારણે પરિવારોને જરૂરી દસ્તાવેજો મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
આ બાબતના ટેકનિકલ પાસાઓ ઉપરાંત, ચાલો ભારતમાં જન્મ પ્રમાણપત્ર બનાવવા માટેના નિયમો શું કહે છે.
આમ તો સામાન્ય રીતે દેશભરમાં જન્મ પ્રમાણપત્ર માટે એક સરખા જ નિયમો છે, પરંતુ તેને મેળવવાની પ્રક્રિયા અને સ્થાનિક નિયમો રાજ્ય/સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા અલગ અલગ હોઈ શકે છે. ભારતમાં જન્મ અને મૃત્યુ નોંધણીને નિયંત્રિત કરતો મુખ્ય કાયદો જન્મ અને મૃત્યુ નોંધણી અધિનિયમ, 1969માં સમાવિષ્ટ છે. જો કે, 2023માં તેમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારની નાગરિક નોંધણી પ્રણાલી અનુસાર, બાળકના જન્મની નોંધણી ફરજિયાત છે. બાળકનો જન્મ જે વિસ્તારમાં થયો હતો ત્યાં સ્થાનિક સંસ્થા (મ્યુનિસિપલ કોર્પોરેશન, મ્યુનિસિપાલિટી) સાથે નોંધણી કર્યા પછી જન્મ પ્રમાણપત્ર બનાવી આપવામાં આવે છે.
બીજી બાજુ, રાજ્ય સરકારો, કેન્દ્રીય કાયદા હેઠળ પોતાના નિયમો અને વહીવટી પ્રક્રિયાઓ બનાવે છે. રાજ્ય સરકારો પાસે પોતાના અલગ પોર્ટલ હોય છે. સરકાર વારંવાર જરૂરિયાત મુજબ આ નિયમોમાં ફેરફાર કરતી રહે છે.
કેન્દ્ર સરકારના કાયદામાં એવી કોઈ આવશ્યકતા નથી કે જો બાળકના પિતાનું નામ મતદાર યાદીમાં ન હોય તો તેનું જન્મ પ્રમાણપત્ર બનાવી શકાય નહીં. જન્મ અને મૃત્યુ નોંધણી કાયદાની કલમ 8 સ્પષ્ટ કરે છે કે રજિસ્ટ્રારને જન્મ માહિતી કોણ પૂરી પાડશે અને કઈ માહિતી નોંધવામાં આવશે. કાયદામાં માતાપિતા/અન્ય સબંધિત વ્યક્તિઓએ જન્મની જાણ કરવી જરૂરી છે, જન્મ પ્રમાણપત્ર બનાવવા માટે પિતાનું મતદાર દરજ્જો હોવું ફરજિયાત નથી.
કૂચ બિહાર કેસ પશ્ચિમ બંગાળનો છે. છોકરીના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રીનો જન્મ કૂચ બિહારની એક સરકારી હોસ્પિટલમાં થયો હતો, જ્યાં પશ્ચિમ બંગાળ જન્મ અને મૃત્યુ નોંધણી નિયમો લાગુ પડે છે. પશ્ચિમ બંગાળ સરકારના 2022ના આદેશ અનુસાર, સરકારી હોસ્પિટલોમાં જન્મ માટે જન્મ/મૃત્યુ પ્રમાણપત્ર તે હોસ્પિટલ દ્વારા બનાવવામાં આવે છે.

કૂચ બિહાર કેસમાં, છોકરીનો જન્મ સરકારી હોસ્પિટલમાં થયો હતો, અને હોસ્પિટલ પાસે જન્મ વિશેની તબીબી માહિતી છે. તેથી, મતદાર યાદીમાંથી તેના પિતાનું નામ ન હોવાને કારણે તેના જન્મ પ્રમાણપત્ર બનાવી આપવામાં તકનીકી રીતે કોઈ અવરોધ ન આવવો જોઈએ, સિવાય કે તે સાબિત થાય કે સબંધિત વ્યક્તિ દેશની નાગરિક નથી અને તેણે નકલી ફોર્મનો ઉપયોગ કરીને તેના દસ્તાવેજો મેળવ્યા છે.
છોકરીના પિતાએ મીડિયાને જણાવ્યું કે, તેમની પાસે પહેલા રહેઠાણ પ્રમાણપત્ર માંગવામાં આવ્યું હતું. તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે, SIRમાંથી નામ કાઢી નાખવાને કારણે પંચાયત/ધારાસભ્ય કાર્યાલયે તેમને પ્રમાણપત્ર બનાવી આપ્યું નથી.
SIRનો હેતુ મતદાર યાદીમાં સુધારો કરવાનો છે, એટલે કે તેને ફરીથી ચકાસવાનો છે, જન્મ પ્રમાણપત્ર બનાવી આપવાનો નથી. પશ્ચિમ બંગાળમાં હાથ ધરવામાં આવેલી SIR પ્રક્રિયામાં, બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર (BLO)ને નામ/ઓળખની માહિતીને જૂના SIR રેકોર્ડ્સ સાથે મેચ કરવા માટે કહેવામાં આવ્યું હતું, એટલે કે, 2003થી ચાલી રહેલા મતદાર રેકોર્ડ્સ સાથે. જેમની માહિતી જૂના રેકોર્ડ્સ સાથે મેળ ખાતી ન હતી તેમને વધુ ચકાસણી માટે નોટિસ મોકલી આપવામાં આવી હતી. જે લોકો શરૂઆતમાં દસ્તાવેજો સબમિટ કરવામાં નિષ્ફળ ગયા હતા તેમને કાઢી નાખવામાં આવ્યા હતા. ત્યાર પછી, ચૂંટણી પંચે નિયમો હળવા કર્યા, અને ઘણા રાજ્યોમાં, કાઢી નાખેલા નામોને ડ્રાફ્ટ મતદાર યાદીમાં ઉમેરવામાં આવ્યા.

પશ્ચિમ બંગાળના મુખ્ય ચૂંટણી અધિકારીના સત્તાવાર SIR દસ્તાવેજમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, માત્ર લાયક મતદારોના નામનો સમાવેશ કરવા માટેની અરજીઓ દાવા અને વાંધા પ્રક્રિયા દ્વારા કરી શકાય છે. નામનો સમાવેશ કરવા માટે ફોર્મ 6 અને કાઢી નાખવા/વાંધો ઉઠાવવા માટે ફોર્મ 7નો ઉપયોગ થાય છે. 16 ડિસેમ્બર, 2025ના રોજની સત્તાવાર પ્રેસ નોટમાં જણાવાયું છે કે, સૂચના વિના ડ્રાફ્ટ યાદીમાંથી કોઈપણ નામ દૂર કરી શકાતું નથી.
કૂચ બિહાર કેસમાં, છોકરીની માતા, અમીના ખાતુનનું નામ મતદાર યાદીમાં રહેલું છે, અને પરિવાર પાસે માતાપિતાના જન્મ પ્રમાણપત્રો પણ છે. તેથી, જો અપીલ માન્ય હોવાનું જણાય, તો છોકરીના પિતાનું નામ પાછું ઉમેરી શકાય છે.
કૂચ બિહાર કેસમાં, છોકરીના પિતાને અપીલ કરવાનો અધિકાર છે. તેઓ તેનું જન્મ પ્રમાણપત્ર મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે આ બાબતમાં ભલે વિલંબ થઈ રહ્યો છે, પરંતુ કેસ હજુ પણ પેન્ડિંગ છે.