fbpx

દિવ્યાંગ બાળકની સંભાળ રાખવા ઓફિસમાંથી રજા ન મળતા એક માતા સુપ્રીમ કોર્ટ પહોંચી

Spread the love

દિવ્યાંગ બાળકની માતાએ તેના પુત્રની સંભાળ રાખવા માટે રજા ન મળતાં સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો, જેના પર સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે કહ્યું કે, માતાને બાળ સંભાળ રજા (ચાઈલ્ડ કેર લીવ) આપવાનો ઇનકાર કરવો એ કર્મચારીઓમાં તેમની સમાન ભાગીદારી સુનિશ્ચિત કરવાની સરકારની બંધારણીય ફરજનું ઉલ્લંઘન હશે. ચીફ જસ્ટિસ DY ચંદ્રચુડ અને જસ્ટિસ JB પારડીવાલાની બેંચે દિવ્યાંગ બાળકોની કામ કરતી માતાઓને ચાઈલ્ડ કેર લીવ (CCL) આપવાના મુદ્દે નીતિગત નિર્ણય લેવા હિમાચલ પ્રદેશના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજીમાં ‘ગંભીર’ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે અને કર્મચારીઓમાં મહિલાઓની ભાગીદારી વિશેષાધિકારની બાબત નથી પરંતુ બંધારણીય જરૂરિયાત છે અને સરકાર, એક આદર્શ નોકરીદાતા તરીકે, તેનાથી અજાણ હોઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે આ કેસમાં કેન્દ્રને પક્ષકાર બનાવવાનો પણ આદેશ આપ્યો છે. બેંચે નિર્ણય આપવામાં એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીની મદદ માંગી હતી.

દરમિયાન, તેણે હિમાચલ પ્રદેશના અધિકારીઓને CCLની ગ્રાન્ટ અંગેની અરજી પર વિચાર કરવાનો પણ નિર્દેશ આપ્યો હતો. અરજદાર મહિલા રાજ્યમાં ભૂગોળ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર છે. તેમનો પુત્ર એક આનુવંશિક રોગથી પીડિત છે અને જન્મથી જ તેની અનેક સર્જરીઓ થઈ ચુકી છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘બાળ સંભાળ રજા (CCL) એક મહત્વપૂર્ણ બંધારણીય હેતુ પૂરો પાડે છે, જ્યાં મહિલાઓને વર્કફોર્સમાં સમાન તક આપવાનો ઇનકાર કરવામાં આવતો નથી.’ સુપ્રીમ કોર્ટે કહ્યું કે આવી રજાનો ઇનકાર કરવાથી કામ કરતી માતાને નોકરી છોડવાની ફરજ પડી શકે છે અને ખાસ જરૂરિયાતો ધરાવતા (દિવ્યાંગ) બાળકોની માતાઓ માટે આ વધુ મહત્ત્વપૂર્ણ છે.

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને CCL અંગેની તેની નીતિમાં સુધારો કરવા માટે તેને વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ, 2016ને અનુરૂપ બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે, મુખ્ય સચિવ ઉપરાંત, સમિતિમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ અને સમાજ કલ્યાણ વિભાગના સચિવનો સમાવેશ થશે અને તેણે 31 જુલાઈ સુધીમાં CCL મુદ્દે નિર્ણય લેવાનો રહેશે.

error: Content is protected !!
%d bloggers like this: