fbpx

સુપ્રીમના નિર્ણય બાદ ચૂંટણી પંચે કહ્યું- હવે કોઈને EVMને લઈને શંકા નહીં રહી હોય

Spread the love

સુપ્રીમ કોર્ટે લોકસભા ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીના મતદાન વચ્ચે EVM અને VVPAT અંગે ફેસલો આપ્યો હતો, જેમાં VVPAT વેરિફિકેશનની માગ કરનારી તમામ અરજીઓને ફગાવી દેવામાં આવી હતી. સાથે બેલેટ પેપરના ઉપયોગની અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. આ અંગે ચૂંટણી પંચે જણાવ્યું હતું કે, અમે સુપ્રીમ કોર્ટના નિર્ણયનું સન્માન કરીએ છીએ. ચૂંટણી કરવી એક લાંબી પ્રક્રિયા છે અને અમે આને સંપૂર્ણ ગંભીરતા અને ઈમાનદારીથી કરીએ છીએ. અમને આશા છે કે આ ફેસલા બાદ દેશમાં કોઈને પણ હવે EVMને લઈને શંકા નહીં રહી હોય અને આ પ્રકારના જૂના સવાલો હવે નહીં પૂછવામાં આવે. હવે સમય આવી ગયો છે કે  અવિશ્વાસથી આ જૂના અધ્યાયને ખતમ કરવામાં આવે, આપણે બધા મળીને ભવિષ્યમાં વધુને વધુ સુધારવાદી પગલાઓની આશા રાખીએ.

સુપ્રીમ કોર્ટે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાંથી વોટિંગ કર્યા પછી જનરેટ થતી દરેક VVPAT સ્લિપને ગણવાની માંગને ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે આ મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો છે. આ સાથે ચૂંટણી પ્રક્રિયાને લઈને ઉભા થતા તમામ પ્રશ્નોનો અંત આવી ગયો છે. લાંબી સુનાવણી પછી બુધવારે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. અરજીઓ પર સુનાવણી દરમિયાન, કોર્ટે ચૂંટણી પંચને પૂછ્યું હતું કે, શું EVMમાં પડેલા મત અને તેમાંથી નીકળતી તમામ VVPAT સ્લિપ્સનો મેળ થઈ શકે છે. ચૂંટણી પંચે આ અંગે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો અને કહ્યું હતું કે, જો આમ કરવામાં આવે તો પરિણામ આવવામાં 12 દિવસનો સમય લાગી શકે છે.

સુપ્રીમ કોર્ટે માત્ર EVM દ્વારા જ મતદાન કરવાનું ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે, પરંતુ એમ પણ કહ્યું છે કે, ચૂંટણીમાં બીજા કે ત્રીજા સ્થાને રહેલો કોઈપણ ઉમેદવાર 5 ટકા EVM ચેક કરાવી શકે છે. આની તપાસમાં થયેલો ખર્ચ ફરિયાદ કરનાર ઉમેદવારે જ ઉઠાવવાનો રહેશે. કોર્ટે એમ પણ કહ્યું છે કે, VVPAT સ્લિપને વોટિંગ પછી ઓછામાં ઓછા 45 દિવસ સુધી સાચવવી પડશે. આ એટલા માટે છે કે, કોઈપણ વિવાદના કિસ્સામાં, તેને EVMમાં પડેલા મત સાથે મેચ કરી શકાય છે.

ચૂંટણી પંચે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, દરેક EVM સાથે VVPAT મેચ કરવું શક્ય નથી. પંચે કહ્યું કે, પહેલાથી જ એવો નિયમ છે કે, VVPAT ને કોઈપણ 5 ટકા EVM સાથે મેચ કરી શકાય છે. આવી સ્થિતિમાં, આ એક ખૂબ જ નક્કર નિયમ છે અને કોઈપણ શંકા દૂર કરે છે. ચૂંટણી પંચે એ પણ ખુલાસો કર્યો કે, આજ સુધી કોઈ EVM હેક થયું નથી. આવી સ્થિતિમાં તેના પર સવાલ ઉઠાવવા ટેક્નિકલ દૃષ્ટિકોણથી યોગ્ય નથી.

કોર્ટે ચૂંટણી પંચના પક્ષને સાંભળ્યા પછી નિર્ણય અનામત રાખ્યો હતો. હવે કોર્ટે પોતાનો નિર્ણય એવા સમયે આપ્યો છે, જ્યારે દેશની 88 લોકસભા સીટો માટે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. કોર્ટે કહ્યું કે, EVMમાં તમામ સિમ્બોલ લોડિંગ સીલ કરવામાં આવે. આ કામ ઉમેદવારોની હાજરીમાં થવું જોઈએ. કોર્ટે બેલેટ પેપર દ્વારા મતદાનની માંગને પણ સંપૂર્ણપણે ફગાવી દીધી છે. સુનાવણી દરમિયાન, કોર્ટે ત્યાં સુધી કહ્યું હતું કે, અમે બેલેટ પેપર દ્વારા મતદાન પણ જોયું છે, તે સમયે શું થતું હતું.

કોર્ટે એમ પણ કહ્યું છે કે, મતગણતરી પછી પણ કન્ટ્રોલ યુનિટ, બેલેટ યુનિટ અને VVPATને સુરક્ષિત રાખવા જોઈએ. પરિણામ જાહેર થયાના 7 દિવસની અંદર, બીજા કે ત્રીજા સ્થાને આવેલા ઉમેદવાર દ્વારા મેચિંગ અથવા વેરિફિકેશન માટે અરજી કરી શકાય છે. તેમની અરજીની મેન્યુફેક્ચરિંગ કંપનીઓના એન્જિનિયરો દ્વારા તપાસ કરવામાં આવશે.

error: Content is protected !!
%d bloggers like this: