શેરબજારનું શું થશે? રિટેલ રોકાણકારોના મનમાં આ પ્રશ્ન વધુને વધુ ઉભો થઈ રહ્યો છે. કારણ કે ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં સૌથી વધુ ઘટાડો થઇ રહ્યો છે. સરકારી કંપનીઓના શેર સૌથી વધુ તૂટ્યા છે.
ખરેખર, આ ઘટાડા પાછળ વૈશ્વિક કારણો છે, ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે અને બજાર આ વાત જાણે છે. પરંતુ અન્ય દેશો પર નજર કરીએ તો ત્યાં ગભરાટ ફેલાયેલો છે, જેની અસર હવે ભારતીય બજારો પર જોવા મળી રહી છે.
અહીં તમને જણાવી દઈએ કે, અમેરિકન શેરબજારમાં સૌથી મોટો ઘટાડો ચાલી રહ્યો છે, ત્યારપછી જાપાનના શેરબજારમાં કડાકો બોલી ગયો છે. આ સિવાય તાઈવાનના શેરબજારમાં પણ અરાજકતા છે. તાઈવાનના બેન્ચમાર્ક ઈન્ડેક્સ તાઈપેઈમાં 57 વર્ષમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો છે. તાઈપેઈ 8.4 ટકા ઘટ્યો છે. 1967 પછી એક દિવસમાં આ સૌથી મોટો ઘટાડો છે.
જાપાનના શેરબજાર નિક્કીમાં 12 ટકાથી વધુનો ઘટાડો થયો છે, જે છેલ્લા 37 વર્ષમાં એક દિવસમાં સૌથી મોટો ઘટાડો છે. 1987 પછી આજનો દિવસ અહીંના બજાર માટે સૌથી ખરાબ દિવસ હતો. હકીકતમાં, જાપાનની મધ્યસ્થ બેંક, બેંક ઓફ જાપાને લગભગ 14 વર્ષ પછી બુધવારે (31 જુલાઈ 2024)ના રોજ નીતિગત વ્યાજ દરોમાં 25 બેસિસ પોઈન્ટ (0.25 ટકા) વધારો કર્યો છે.
આ પછી, ડૉલર સામે જાપાની ચલણ યેનમાં વધારો થયો હતો. તેના નીચા વ્યાજ દરોને લીધે, જાપાની ચલણ યેનનો ઉપયોગ ‘કેરી ટ્રેડ’ જેવી ફોરેક્સ વ્યૂહરચના માટે કરવામાં આવતો હતો. આનો અર્થ એ છે કે, યેનને ઓછા વ્યાજ દરે ઉધાર લેવામાં આવ્યું હતું અને ઉચ્ચ ઉપજ ધરાવતી સંપત્તિઓમાં રોકાણ કરવામાં આવ્યું હતું. પરંતુ, હવે દરમાં વધારા પછી ફોરેક્સ ટ્રેડર્સની રણનીતિને ફટકો પડ્યો છે. તેના કારણે વૈશ્વિક બજારોમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે.
વિશ્વની સૌથી મોટી અને મજબૂત અર્થવ્યવસ્થા અમેરિકાની હાલત પણ ખરાબ છે. હાલમાં US ફ્યુચર્સ સંકેત આપી રહ્યા છે કે, બજારનો ઘટાડો હાલ પૂરતો અટકવાનો નથી. ડાઉ જોન્સ ફ્યુચરમાં 400 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. જ્યારે નાસ્ડેક ફ્યુચરમાં 700 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં જાહેર થયેલા નબળા મેન્યુફેક્ચરિંગ (PMI) ડેટાએ ભૂકંપ સર્જ્યો છે. અહીં જુલાઈ માટે મેન્યુફેક્ચરિંગ ઈન્ડેક્સ 46.8 ટકા રહ્યો છે, જે ચિંતાજનક છે. મેન્યુફેક્ચરિંગ ઇન્ડેક્સ 50 ટકાથી ઓછો હોવો સારો સંકેત માનવામાં આવતો નથી.
આ સિવાય અમેરિકામાં બેરોજગારીનો દર અપેક્ષા કરતા વધુ હોવાને કારણે શેરબજાર પર દબાણ વધ્યું હતું. US ડૉલરના દર અને ટ્રેઝરી યીલ્ડમાં પણ વધારો થયો છે. અમેરિકન શેરબજારમાં Nvidia, Intel, Apple, Broadcom Inc જેવી અગ્રણી ટેક્નોલોજી કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
દક્ષિણ કોરિયાના શેરબજારમાં નીચલી સર્કિટ લાગી ગઈ છે, જે 2001 પછી દક્ષિણ કોરિયાના બજાર માટે સૌથી ખરાબ છે. ચીનમાં માંગમાં ઘટાડો પણ મંદીને મજબૂત બનાવી રહ્યો છે. ખાસ કરીને ચીનમાં કાચા તેલની માંગમાં ઘટાડો થયો છે. જેના કારણે કાચા તેલની કિંમતોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, ઇટાલી, હોંગકોંગ અને ફ્રાન્સના બજારોમાં પણ 5 ટકાનો ઘટાડો થયો છે. ગલ્ફ દેશોમાં તવાન પણ બજાર માટે ચિંતાનો વિષય છે.