ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાના 43 લાખ બાળકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે 1લી સપ્ટેમ્બર 2024થી સવારનો નાસ્તો બંધ કરી દીધો છે. હવે બાળકોને માત્ર બપોરનું ભોજન આપવામાં આવશે. 2017થી બાળકોને સવારે નાસ્તો અપાતો હતો.
મધ્યાહન ભોજન યોજના 1984માં શરૂ થઇ હતી અને તેમાં 25 ટકા ફાળો રાજ્ય સરકાર અને 75 ટકા કેન્દ્ર સરકાર આપે છે. સરકારી તેમજ પંચાયતી સંસ્થા દ્વારા સંચાલિત પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં મફત ભોજન આપવામાં આવે છે.
આ યોજનાના સંયુક્ત સચિવ કે. એન. ચાવડાએ કહ્યું કે, બાળકોને નાસ્તામાં અને બપોરના ભોજનમાં જે કેલરી મળતી હતી તે મિક્સ કરીને નવું મેન્યુ બનાવવામાં આવ્યું છે. એટલે બાળકોને તમામ કેલરી યુક્ત ખોરાક મળશે.