શિવસેના (UBT) નેતા સંજય રાઉતે ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેમનું કહેવું છે કે ભાજપ લાલબાગચા રાજાને પણ ગુજરાત લઇ જઇ શકે છે. તેમણે ભાજપ પર શિવસેના અને NCPને તોડવાનો પણ આક્ષેપ લગાવ્યો. ખાસ વાત છે કે મહારાષ્ટ્રમાં વર્ષના અંત સુધીમાં વિધાનસભાની ચૂંટણીની જાહરાત થઇ શકે છે. શિવસેના (UBT)એ ચૂંટણીની જાહેરાત કરવાનો પડકાર આપ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ સંજય રાઉતે કહ્યું કે, તેઓ (ભાજપ) બધુ કરી શકે છે. લાલબાગચા રાજાનું મોટું નામ છે, લોકો દેશભરમાંથી આવે છે.
તેઓ કહી શકે છે ચાલો તેમને ગુજરાત લઇ જઇએ. એવું થઇ શકે છે. તેઓ લાલબાગચા રાજાને ગુજરાત લઇ જવા માટે પ્રસ્તાવ રજૂ કરી શકે છે. તેઓ વેપારી લોકો છે. હું તમને બતાવી રહ્યો છું. હું ખૂબ વિચારીને આ વાત કહી રહ્યો છું. આ લોકો મહારાષ્ટ્રને દુશ્મન માને છે. ભાજપના ઘણા લોકો મુંબઇને લૂંટવા માગે છે. તેમણે નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પર પ્રહાર કરતા કહ્યું કે, જો ફડણવીસ 100 વખત પણ જન્મ લઇ લે તો પણ તેઓ એ નહીં સમજી શકે કે NCP પ્રમુખ શરદ પવારના મનમાં શું ચાલી રહ્યું છે.
રાઉતની આ ટિપ્પણીના થોડા દિવસ અગાઉ ફડણવીસે દાવો કર્યો હતો કે શરદ પવારે રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ અગાઉ મુખ્યમંત્રી પદ માટે 3-4 નામો પસંદ કર્યા હતા, પરંતુ ઉદ્ધવ ઠાકરે તેમાં સામેલ નહોતા. શું 2019માં ફડણવીસને ખબર હતી કે શરદ પવાર શું વિચારી રહ્યા હતા અને શું યોજના બનાવી રહ્યા હતા? ફડણવીસ 100 વખત જન્મ લઇ લે તો પણ તેઓ એ સમજી નહીં શકે કે શરદ પવારના મનમાં શું ચાલી રહ્યું છે. જો રાજ્યમાં સત્તાધારી સરકારમાં થોડી પણ હિંમત બચી હોય તો તેમણે ચૂંટણીનું આહ્વાન કરવું જોઇએ.
તેમણે આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે હાલમાં જ રાજકીય પાર્ટીઓ અને આ પાર્ટીઓનું નેતૃત્વ કરનારા પરિવારો વચ્ચે વિભાજનની ષડયંત્ર રચ્યું. આ આક્ષેપ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારના હાલના નિવેદન બાદ આવ્યો છે, જેમાં તેમણે કહ્યું કે, સમાજ એ લોકોને નફરત કરે છે જે પોતાના પરિવાર તોડે છે. અજીતે આ નિવેદન ગઢચિરોલીમાં એક રેલી દરમિયાન આપ્યું, જ્યાં તેમણે પાર્ટીના નેતા અને રાજ્યમંત્રી ધર્મરાવ બાબા આત્રામની દીકરી ભાગ્યશ્રીને શરદ પવારના નેતૃત્વવાળી NCPમાં સામેલ થવાથી હતોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો.
રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં રાજકીય પાર્ટીઓ અને પરિવારોને કોણે તોડ્યા? મોદી અને શાહે રાજકીય પાર્ટીઓ અને અહી સુધી કે પરિવારોમાં પણ વિભાજન ઉત્પન્ન કર્યું. તેઓ (એકનાથ શિંદે અને અજીત પવાર) તેમના શિકાર થયા. તેમણે એ સ્વીકારવું જોઇએ કે તેમને ધમકાવવામાં આવ્યા, દબાવમાં નાખવામાં આવ્યા કે પોતાની પાર્ટીઓથી અલગ થવા માટે પ્રલોભન આપવામાં આવ્યું. તેમણે દાવો કર્યો કે, પછી તે ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વવાળી શિવસેના હોય કે શરદ પવારની NCP, બંને પાર્ટીઓએ ઘણા વર્ષો સુધી શિંદે અને અજીત પવારને પૂરતી તક આપી, પરંતુ તેમને પક્ષ પલટો કરવાનું જ યોગ્ય સમજ્યું.
સંજય રાઉતે મણિપુરમાં ફરીથી ભડકેલી હિંસાને લઇને પણ અમિત શાહની નિંદા કરી અને તેમના પર પૂર્વોત્તર રાજ્યની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવ્યો. શાહ મહત્ત્વપૂર્ણ ગણેશ પંડાલ અને એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઇ પહોંચ્યા છે. રાઉતે કહ્યું કે,મણિપુરમાં ફરીથી થઇ રહેલા હુમલા અને મહિલાઓની નિરંતર પીડા છતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ મુંબઇમાં ચે. તેમણે મણિપુર, જમ્મુ-કાશ્મીર જવું જોઇએ. તેમનું મુંબઇમાં શું કામ છે? તેમણે મણિપુર જવાનું સાહસ દેખાડવું જોઇએ. છેલ્લા 5 દિવસમાં મણિપુરમાં હિંસાની ઘટનાઓમાં ઓછામાં ઓછા 7 લોકોના મોત થયા છે અને 15થી વધુ લોકોના મોત થયા છે.