Itelએ ભારતીય બજારમાં નવો ફોન લોન્ચ કરી દીધો છે, જે એક બજેટ ફ્લિપ ફોન છે. કંપનીએ itel Flip One લોન્ચ કરી દીધો છે, જે એક કી-પેડ ફીચર ફોન છે. આ ફોન આકર્ષક ડિઝાઇન સાથે આવે છે. તેમાં પ્રીમિયમ લેધર બેક અને ગ્લાસ કી-બોર્ડવાળી ડિઝાઇન મળે છે. ફોનમાં 2.4 ઇંચની ડિસ્પ્લે આપવામાં આવી છે. તેને પાવર આપવા માટે 1200mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીના જણાવ્યા મુજબ, હેન્ડસેટ સિંગલ ચાર્જમાં 7 દિવસ સુધીની બેટરી લાઇફ ઓફર કરે છે. આવો જાણીએ itel Flip Oneની કિંમત અને બીજી ડિટેલ્સ.
કિંમત અને ઉપલબ્ધતા:
itel Flip One માત્ર એક કોન્ફિગ્રેશનમાં આવે છે. આ હેન્ડસેટની કિંમત 2,499 રૂપિયા છે. જેને તમે લાઇટ બ્લૂ, ઓરેન્જ અને બ્લેક કલર ઑપ્શનમાં ખરીદી શકો છો. આ ફીચર ફોનને તમે કંપનીના ઓથોરાઇઝ્ડ રિટેલ સ્ટોર પરથી ખરીદી શકો છો. તેની સાથે એક વર્ષની વૉરંટી મળી રહી છે. આ ફોન જોવામાં ખૂબ આકર્ષક લાગી રહ્યો છે. એક સમય હતો જ્યારે આ પ્રકારના ફોન્સ ખૂબ ટ્રેન્ડમાં રહેતા હતા. હાલમાં ફ્લિપ સ્માર્ટફોન્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. એવામાં કંપનીએ એ લોકોને ટારગેટ કર્યા છે, જે બજેટ ઑપ્શનમાં ફ્લિપ ફોન ઇચ્છે છે.
શું છે સ્પેસિફિકેશન્સ?
itel Flip One ફ્લિપ ડિઝાઇન સાથે આવે છે. તેના બેક સાઇડમાં લેધર ટેક્સચરનો ઉપાયોગ કરવામાં આવ્યો છે. જ્યારે ફ્રન્ટમાં ગ્લાસ કીપેડ મળે છે. આ અફોર્ડેબલ ફોનમાં USB Type-C ચાર્જિંગ પોર્ટ આપવામાં આવ્યું છે. ફોનમાં 2.4 ઇંચની ડિસ્પ્લે મળે છે. તેમાં કિંગ વોઇસનું ફીચર મળે છે જે ફોનનું વોઇસ આસિસટેન્ટ છે. ડિવાઇસ બ્લૂટૂથ કોલિંગ ફીચર સાથે આવે છે એટલે કે તમે આ ફોનથી પોતાના સ્માર્ટફોનને કનેક્ટ કરી શકો છો અને કોલિંગ કરી શકો છો.
આ ડિવાઇસ 13 ભારતીય ભાષાઓના સપોર્ટ સાથે આવે છે. itel Flip Oneમાં ડબલ સીમ સ્પોર્ટ મળે છે. ફોનમાં સિંગલ VGA કેમેરા આપવામાં આવ્યો છે. તેમાં FM Radio પણ મળે છે. ફીચર ફોનમાં 1200mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનું કહેવું છે કે સિંગલ ચાર્જમાં આ ડિવાઇસ 7 દિવસ સુધી ચાલી શકે છે.