fbpx

BYDએ ભારતમાં 7-સીટર ફેમિલી EV કાર લોન્ચ કરી, 530 Kmની રેન્જ, જાણી લો કિંમત

Spread the love

ચીનની અગ્રણી ઓટોમોબાઈલ ઉત્પાદક BYD (બિલ્ડ યોર ડ્રીમ)એ આજે સત્તાવાર રીતે નવી ફેમિલી ઈલેક્ટ્રિક કાર BYD eMAX7 વેચાણ માટે લોન્ચ કરી છે, જે ભારતીય બજારમાં તેના વાહન પોર્ટફોલિયોમાં મોટું વિસ્તરણ આપે છે. આકર્ષક દેખાવ, શક્તિશાળી બેટરી પેક અને અદ્યતન સુવિધાઓથી સજ્જ, આ MPV ઇલેક્ટ્રિક કારની પ્રારંભિક કિંમત 26.90 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) નક્કી કરવામાં આવી છે.

કંપનીએ આ ઇલેક્ટ્રિક કારને બે અલગ-અલગ વેરિએન્ટમાં રજૂ કરી છે. જેની કિંમત સીટીંગ લેઆઉટ પ્રમાણે એકબીજાથી અલગ છે. આ કારને પ્રીમિયમ અને સુપીરિયર વેરિઅન્ટમાં માર્કેટમાં લોન્ચ કરવામાં આવી છે. જેની કિંમત નીચે મુજબ છે. આ તમામ કિંમતો રૂપિયામાં એક્સ-શોરૂમ છે.

BYD eMAX7-પ્રીમિયમ-6-સીટર-26.90 લાખ-7-સીટર-27.50 લાખ, BYD eMAX7-સુપિરિયર-6-સીટર-29.30 લાખ-7-સીટર-29.90 લાખ

અહીં તમને જણાવી દઈએ કે, કંપનીએ BYD eMAX7ને બે અલગ-અલગ સીટિંગ લેઆઉટ એટલે કે 6-સીટર અને 7-સીટર વિકલ્પોમાં રજૂ કર્યું છે. તેનો દેખાવ અને ડિઝાઇન પરંપરાગત મલ્ટી પર્પઝ વ્હીકલ (MPV) જેવી જ છે. તેના આગળના ભાગમાં ક્રોમ સ્ટ્રીપ્સ સાથે LED હેડલાઇટ અને બોનેટ પર ક્રીઝ લાઇન આપવામાં આવી છે. કંપનીએ આ કારને કુલ ચાર રંગ વિકલ્પોમાં રજૂ કરી છે: કોસ્મોસ બ્લેક, ક્રિસ્ટલ વ્હાઇટ, હાર્બર ગ્રે અને ક્વાર્ટઝ બ્લુ. તેમાં ડ્રેગન ફેસ ડિઝાઇન અને 17 ઇંચ એલોય વ્હીલ સાથે ક્રિસ્ટલ ડાયમંડ ફ્લોટિંગ હેડલાઇટ છે.

તેની લંબાઈ 4710 mm, પહોળાઈ 1820 mm, ઊંચાઈ 1690 mm અને તેનું વ્હીલબેઝ 2800 mm છે. 170 mmના ગ્રાઉન્ડ ક્લિયરન્સ સાથે આવતી આ કારમાં ત્રીજી પંક્તિ સાથે 180 લિટરની બૂટ સ્પેસ અને ત્રીજી પંક્તિને ફોલ્ડ કર્યા પછી 580 લિટરની બૂટ સ્પેસ છે. કંપનીએ કારની અંદરની જગ્યાનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે કે, BYD દાવો કરે છે કે અંદરના ભાગમાં સમગ્ર પરિવાર માટે જગ્યા છે, જે અદ્યતન સુવિધાઓ સાથે આવે છે.

કંપનીએ આ કારના ઈન્ટિરિયરને તેના અન્ય મોડલ્સની જેમ એડવાન્સ ફીચર્સથી સજ્જ કર્યું છે. તેમાં 1.42 ચોરસ મીટર વિસ્તારનું પેનોરેમિક સનરૂફ છે. જે કેબિનની અંદરથી ખુલ્લા આકાશનો નજારો આપવા માટે પૂરતો છે. કંપનીએ તેના 6-સીટર કન્ફિગરેશનમાં કેપ્ટન સીટ આપી છે. જ્યારે 7-સીટર વેરિઅન્ટમાં કેપ્ટન સીટ સાથે મધ્યમાં બેન્ચ સીટનો વિકલ્પ છે, જે મધ્યમાં હેન્ડરેસ્ટ અને કપ હોલ્ડર ફીચર સાથે આવે છે.

BYD eMAX7માં, કંપનીએ 71.7 kWhની ક્ષમતા સાથે શક્તિશાળી બેટરી પેક આપ્યો છે. જે આ કારને સિંગલ ચાર્જમાં 530 Kmની ડ્રાઈવિંગ રેન્જ આપે છે. તેની ઇલેક્ટ્રિક મોટર 94 BHPનો પાવર અને 180 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. કંપનીનું કહેવું છે કે, આ કાર બ્લેડ બેટરી ટેક્નોલોજીથી સજ્જ છે, જે અન્ય ઈલેક્ટ્રિક કારની સરખામણીમાં ઘણી સુરક્ષિત છે. આ બેટરીએ નેઇલ પેનિટ્રેશન ટેસ્ટ સફળતાપૂર્વક પાસ કરી છે. BYD કહે છે કે, નેઇલ પેનિટ્રેશન ટેસ્ટ બેટરી સેફ્ટી ટેસ્ટિંગના ક્ષેત્રમાં માઉન્ટ એવરેસ્ટ જેવું છે.

આ ઈલેક્ટ્રિક કારની બેટરી ચાર્જ થવામાં વધુ સમય નહીં લાગે. BYD અનુસાર, તેને DC ફાસ્ટ ચાર્જર વડે માત્ર 37 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. આ કારનું પિક-અપ પણ ખૂબ જ શાનદાર છે. સાઈઝમાં મોટી હોવા છતાં, આ કાર માત્ર 8.6 સેકન્ડમાં 0 થી 100 Km પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં સક્ષમ છે.

BYD eMAX7માં, કંપનીએ 12.8-ઇંચ (32.5 cm) રોટેબલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પ્રદાન કરી છે, જે Android Auto અને Apple Car-Play કનેક્ટિવિટીને સપોર્ટ કરે છે. આ ઉપરાંત 3-સ્પોક મલ્ટી-ફંક્શન સ્ટીયરિંગ વ્હીલ, એડવાન્સ્ડ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એડવાન્સ ગિયર-શિફ્ટિંગ નોબ સિસ્ટમ, પાછળના મુસાફરો માટે પાછળના AC વેન્ટ્સ (છત પર સ્થિત), NFC કાર્ડ કી, વાયરલેસ ચાર્જિંગ સિસ્ટમ, કાર કનેક્ટેડ ટેક્નોલોજી, તે ઉપરાંત વેન્ટિલેટેડ સીટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે.

કંપનીએ આ ઈલેક્ટ્રિક કારમાં સુરક્ષાનું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે. તેમાં 6 એરબેગ્સ, એડવાન્સ્ડ ડ્રાઇવિંગ આસિસ્ટન્સ સિસ્ટમ (ADAS લેવલ-2), સ્પીડ લિમિટ એલર્ટ, રીઅર સેન્સિંગ વાઇપર્સ, રીઅર કેમેરા, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS), ઇલેક્ટ્રોનિક બ્રેકફોર્સ ડિસ્ટ્રિબ્યુશન (EBD), ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક (EPB), ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC), વ્હીકલ ડાયનેમિક કંટ્રોલ સિસ્ટમ, હિલ હોલ્ડ કંટ્રોલ (HHC), બ્રેક ડિસ્ક વાઇપિંગ સિસ્ટમ (BDW) જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ સિવાય એડપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ, 360-ડિગ્રી કેમેરા, ઓટો-હોલ્ડ, ડોર ઓપનિંગ વોર્નિંગ જેવા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.

This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0132-1024x290.jpg



This image has an empty alt attribute; its file name is IMG-20240818-WA0135-1.jpg

Leave a Reply

error: Content is protected !!