હરિયાણામાં BJPએ સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા પછી એવું કહેવામાં આવી રહ્યું છે કે પક્ષની ટોચની નેતાગીરીએ સત્તાવાર રીતે નાયબ સિંહ સૈનીના નામને CM પદ માટે મંજૂરી આપી દીધી છે, પરંતુ રવિવારે બે મોટા ઘટનાક્રમ પછી હરિયાણામાં રાજકીય પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. BJPના વરિષ્ઠ નેતા અને હરિયાણાના ભૂતપૂર્વ ગૃહ અને આરોગ્ય પ્રધાન અનિલ વિજે રવિવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ J.P. નડ્ડાને મળ્યા. અનિલ વિજ અંબાલા કેન્ટ વિધાનસભા બેઠક પરથી સાતમી વખત જીત્યા છે. આ બેઠક પછી હરિયાણાના રાજકીય વર્તુળોમાં હલચલ વધી ગઈ છે. હાલમાં જ અનિલ વિજે પણ CM બનવાનો દાવો કર્યો હતો, પરંતુ ત્યાર પછી તેમણે પીછેહઠ કરી હતી.
તેમણે કહ્યું હતું કે, જો ટોચનું નેતૃત્વ તેમને CM બનાવવા વિશે ચર્ચા કરશે, તો તેઓ ચોક્કસપણે હરિયાણાને દેશનું શ્રેષ્ઠ રાજ્ય બનાવશે. આ દરમિયાન, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, શું તેઓ આ સંદર્ભે કોઈની સાથે વાતચીત કરી રહ્યા છે, ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું કે, આ સંદર્ભે કોઈની સાથે વાતચીત થઈ નથી. પાર્ટીની ટોચની નેતાગીરી દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે, તેઓ તેનો સહર્ષ સ્વીકાર કરશે. તેમણે કહ્યું કે, ‘ટોચના નેતૃત્વ દ્વારા મને જે પણ જવાબદારી આપવામાં આવશે, હું તેને નિષ્ઠાપૂર્વક નિભાવીશ.’
આ સાથે કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજીત સિંહે રવિવારે BJP વિરુદ્ધ તેમના બળવાના સમાચારને નકારી કાઢ્યા અને કહ્યું કે, તેઓ તેમની પાર્ટી સાથે મજબૂતીથી ઉભા છે. સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કર્યું આ બધા તથ્યહીન, પાયાવિહોણા સમાચાર છે. હું અને મારા તમામ સાથી ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટી સાથે મજબૂતીથી ઉભા છીએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહિરવાલ પ્રદેશમાં BJPએ અગિયારમાંથી દસ બેઠકો જીતી હતી. દક્ષિણ હરિયાણામાંથી જીતનારાઓમાં રાવ ઈન્દ્રજીત સિંહની પુત્રી આરતી સિંહ રાવ પણ સામેલ છે, જેઓ અટેલી વિસ્તારમાંથી જીતી છે. અહિરવાલ પ્રદેશમાંથી જીતેલા મોટાભાગના અન્ય ઉમેદવારો ગુરુગ્રામ લોકસભાના સભ્ય રાવ ઈન્દ્રજીત સિંહના નજીકના માનવામાં આવે છે. ગયા મહિને ચૂંટણી પ્રચાર દરમિયાન જ્યારે એક પત્રકારે પૂછ્યું હતું કે, શું તેઓ હરિયાણાના CM બનવા ઈચ્છે છે, તો રાવ ઈન્દ્રજીત સિંહે કહ્યું હતું કે તે તેમની ઈચ્છા નથી પરંતુ લોકોની ઈચ્છા છે કે, તેઓ CM બને. તેમણે કહ્યું, ‘આજે પણ લોકો ઈચ્છે છે કે હું (રાવ) CM બનું.’
રાવ ઈન્દ્રજીત સિંહ દક્ષિણ હરિયાણાના આહિર સમુદાયના અગ્રણી નેતા છે અને દાયકાઓથી તે પ્રદેશનો ચહેરો છે. તેઓ છઠ્ઠી વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા છે, જેમાંથી તેઓ ત્રણ વખત BJPના સભ્ય રહી ચૂક્યા છે. સિંહને છેલ્લા ઘણા વર્ષોથી આહિરોનો અતૂટ ટેકો છે. 2014ની સામાન્ય ચૂંટણી પહેલા BJPમાં જોડાતા પહેલા સિંહ કોંગ્રેસમાં હતા અને ગુરુગ્રામથી સાંસદ હતા.
હરિયાણામાં સરકારની રચના અંતર્ગત BJPએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને મધ્યપ્રદેશના CM મોહન યાદવને સંસદીય બોર્ડના નિરીક્ષક બનાવ્યા છે. આ બંનેની પાસે વિધાયક દળના નેતાની પસંદગીની જવાબદારી રહેશે. પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે આ જાહેરાત કરી હતી. હરિયાણામાં ધારાસભ્ય દળની બેઠકનો પ્રસ્તાવ છે. જેમાં બંને નેતાઓ ભાગ લેશે. આ બંનેની પાસે રાજ્યના CMની પસંદગીની જવાબદારી રહેશે. BJPએ પહેલીવાર CM મોહન યાદવને કોઈ રાજ્યના નિરીક્ષક બનાવ્યા છે.
તાજેતરમાં પૂર્ણ થયેલી હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં, BJPએ 48 બેઠકો જીતીને અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જે કોંગ્રેસ દ્વારા જીતેલી બેઠકો કરતાં 11 વધુ છે. જ્યારે, જનનાયક જનતા પાર્ટી (JJP) અને આમ આદમી પાર્ટી (AAP) જેવા પક્ષો ખતમ થઈ ગયા અને ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)ને માત્ર બે બેઠકો મળી. ત્રણ અપક્ષ ઉમેદવારો પણ જીત્યા હતા. હરિયાણામાં નવી BJP સરકારનો શપથ ગ્રહણ સમારોહ પંચકુલામાં 17 ઓક્ટોબરે યોજાશે. CM નાયબ સિંહ સૈની ચૂંટણીમાં પાર્ટીના CM પદના ઉમેદવાર હતા.