છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાં તૈનાત હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખની પત્ની અને પુત્રીની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ પછી લાશને ઘરથી 5 કિલોમીટર દૂર ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી. આ ઘટનાથી રોષે ભરાયેલા લોકોએ આરોપીના ઘર અને વેરહાઉસની બહાર પાર્ક કરેલા વાહનોને આગ ચાંપી દીધી હતી. ટોળાએ SDMને પણ માર માર્યો હતો અને તેમને રસ્તા વચ્ચે દોડાવ્યા હતા. સૂરજપુર પોલીસ સ્ટેશનને પણ ઘેરી લીધું. તણાવપૂર્ણ પરિસ્થિતિને જોતા શહેરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, આ ઘટનાને આરોપી કુલદીપ સાહુએ અંજામ આપ્યો છે. અહીં તમને જણાવી દઈએ કે, સૂરજપુરમાં આરોપી દ્વારા આચરવામાં આવેલી ઘટના સોમવારે રાત્રે શરૂ થઈ હતી, જ્યારે આરોપી શહેરની ચોપાટીમાં હતો અને ત્યાં તેની પોલીસ કોન્સ્ટેબલ સાથે લડાઈ થઇ હતી. આ પછી કુલદીપ સાહુએ હોટલમાં રાખેલ ગરમ તેલ ભરેલી કડાઈ પોલીસ પર ઠાલવી દીધી, જેમાં પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આ પછી આરોપી પોલીસથી બચવા માટે ત્યાંથી ભાગી ગયો હતો. એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ભાગતી વખતે તેણે હેડ કોન્સ્ટેબલને પોતાની કારથી કચડી નાખવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખ કોઈ રીતે ભાગવામાં સફળ રહ્યો હતો. જ્યારે હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખ આરોપીને પકડવાની તૈયારી કરી રહ્યો હતો અને પોલીસ સ્ટેશનમાં એક ટીમ બનાવવામાં આવી રહી હતી ત્યારે આરોપીએ હેડ કોન્સ્ટેબલ તાલિબ શેખના ઘરમાં ઘુસીને તેની પત્ની અને પુત્રી બંનેને તિક્ષ્ણ હથિયાર વડે મારી નાખ્યા હતા.
જિલ્લા SP M.R.આહિરેએ આરોપી કુલદીપ સાહુને પકડવા માટે પોલીસની ચાર ટીમો બનાવી છે. જેમણે સૂરજપુર જિલ્લાને અડીને આવેલા વિવિધ જિલ્લાઓ અને MP અને UPમાં શોધખોળ શરૂ કરી છે. સાયબરની મદદથી આરોપી સુધી પહોંચવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, આરોપી કુલદીપ સાહુનું એક આઈડી કાર્ડ સામે આવ્યું છે, જેમાં આરોપી કુલદીપ સાહુ કોંગ્રેસ પદયાત્રા દરમિયાન કોંગ્રેસના NSUI સંગઠનનો હોવાનું કહેવાય છે. જ્યારે તે જે કારમાં સવાર હતો અને જેના પર પોલીસે ગોળીબાર કર્યો હતો તેના પર NSUIના જિલ્લા પ્રમુખનું બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે.