ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે દશેરાની સાંજે એક મહિલાએ રાવણના ચહેરામાં પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદનું પૂતળાંનું દહન કર્યું હતું. ગત શનિવારે આખા ભારતમાં વિજયાદશમીનો પર્વ ખૂબ ધામધૂમથી મનાવવામાં આવ્યો હતો, પરંતુ ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લા સ્થિત મુસ્કરા વિસ્તારમાં એક મહિલાએ પોતાના પતિ, સાસુ, સસરા અને નણંદની તસવીરો ચોંટાડીને પૂતળાઓનું દહન કર્યું હતું. આ અનોખુ દહન મુસ્કરા અને જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યું છે. આ અનોખા રાવણનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
મુસ્કરા વિસ્તારમાં રહેનારી પ્રિયંકાના લગ્ન સજીવ દીક્ષિત સાથે 14 વર્ષ અગાઉ થયું હતું. જો કે, પતિનું અફેર પહેલાથી જ તેની બહેનની સખી પુષ્પાંજલિ સાથે ચાલી રહ્યું હતું એટલે સંજીવની થોડા દિવસ બાદ પ્રિયંકાને છોડીને પુષ્પાંજલિ નામની છોકરી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેવા લાગ્યો. જ્યારે પ્રિયંકાને આ વાતની જાણકારી મળી ત્યારે તેણે વિરોધ કરવાનો શરૂ કર્યો, પરંતુ સાસુ-સસરા અને નણંદની સહમતિ ન મળવાના કારણે તે છેલ્લા 10 વર્ષથી આમ-તેમ ભટકવા મજબૂર થઈ ગઈ હતી.
આ કારણે વિજયાદશમીના દિવસે તેણે પોતાના પતિના ઘર સામે તેમનું પૂતળું બનાવીને દહન કરી દીધું અને સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે સમાજમાં બેઠા રાવણરૂપી લોકોનો બહિષ્કાર કરી દેવો જોઈએ, પીડિતા પ્રિયંકા દીક્ષિતે જાણવ્યું હતું કે તેમના લગ્નના 14 વર્ષ વીતી ગયા છે અને અત્યાર સુધી તેનો વનવાસ ખતમ થયો નથી. પ્રિયંકાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને વિનંતી કરતા કહ્યું હતું કે, યોગી સરકાર ‘બેટી પઢાઓ, બેટી બચાવો’ અભિયાન ચલાવી રહી છે અને આજે એક ભણેલી-ગણેલી દીકરીઓનો બચાવ થઈ શકતો નથી. પીડિતાએ વર્તમાન સરકાર પાસે ન્યાયની માગ કરતા આરોપીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવાની માગ કરી છે.