fbpx

IPL ઓક્શનના કાર્યક્રમથી પોન્ટિંગ નાખુશ, કહ્યું- મારા અને લેંગર માટે ખરાબ સ્થિતિ

Spread the love

IPL 2025 માટે ખેલાડીઓની મેગા ઓક્શન 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં થવાની છે. આ દરમિયાન ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં રમાશે. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ ટેસ્ટ મેચ દરમિયાન જ થઈ રહેલી IPL હરાજીથી નારાજ છે. તેણે તેને સૌથી ખરાબ સ્થિતિ ગણાવી. ઘણા ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો IPL ફ્રેન્ચાઇઝી સાથે સંકળાયેલા છે અને હરાજીના કારણે રિકી પોન્ટિંગ, જસ્ટિન લેંગર અને ઓસ્ટ્રેલિયાના બોલિંગ કોચ ડેનિયલ વેટ્ટોરીએ કોઈપણ ભોગે IPL ઓક્શનનો ભાગ બનવું પડી રહ્યું છે.

રિકી પોન્ટિંગ પંજાબ કિંગ્સના કોચ તરીકે, લેંગર લખનઉ સુપર જાયન્ટ્સના કોચ તરીકે અને ડેનિયલ વેટોરી સનરાઈઝર્સ હૈદરાબાદના કોચ તરીકે 24 અને 25 નવેમ્બરે જેદ્દાહમાં યોજાનારી હરાજીમાં હાજર રહેશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થ ટેસ્ટના પહેલા દિવસે રિકી પોન્ટિંગ અને જસ્ટિન લેંગર કોમેન્ટ્રી કરતા જોવા મળશે.

એક રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયન આસિસ્ટન્ટ કોચ ડેનિયલ વેટોરી પણ IPLની હરાજીમાં ભાગ લેવા માટે ઓસ્ટ્રેલિયન ટીમ વહેલી છોડી શકે છે. વેટોરી સનરાઇઝર્સ હૈદરાબાદનો મુખ્ય કોચ છે. વેટોરીનું આ રીતે છોડીને જવું ઓસ્ટ્રેલિયા માટે એક પડકાર છે, કારણ કે ભારત સામેની ટેસ્ટ શ્રેણી દરમિયાન સહાયક કોચ તરીકે તેની હાજરી નિર્ણાયક માનવામાં આવે છે.

રિકી પોન્ટિંગે શેડ્યૂલ વિશે કહ્યું, ‘મારા અને ‘JL’ (જસ્ટિન લેંગર) માટે આ સૌથી ખરાબ સ્થિતિ છે. અમે છેલ્લા કેટલાક મહિનાઓથી વિચારી રહ્યા હતા કે, ટેસ્ટ મેચ અને IPL હરાજી વચ્ચે કદાચ અંતર હશે. આનાથી બંને ટીમના ખેલાડીઓ પરથી દબાણ દૂર થઇ જશે, હરાજીમાં બંને ટીમોના ઘણા ખેલાડીઓ છે.’

તેણે વધુમાં ઉમેર્યું, ‘તેથી મને હંમેશાં લાગતું હતું કે, આ બંને વચ્ચે અંતર હશે, કારણ કે તે દરેક માટે સારું રહેતે. પરંતુ મને એ ખબર નથી કે તેઓએ આ તારીખો શા માટે પસંદ કરી છે, હોય શકે કે કદાચ તેનો રમત સાથે કંઈક સંબંધ છે. હકીકતમાં રમત સમાપ્ત થયા પછી તરત જ હરાજી શરૂ થાય છે. તેથી તેનો પ્રસારણ સાથે કંઈક સંબંધ હોઈ શકે છે.’

અહેવાલો સૂચવે છે કે, ભારતીય ક્રિકેટ અધિકારીઓનો આ મામલે ઘણો પ્રભાવ છે. ગયા વર્ષે પણ રિકી પોન્ટિંગ IPL ઓક્શનમાં ભાગ લેવા માટે પર્થ ટેસ્ટ મેચ વહેલો છોડી ગયો હતો, જ્યારે જસ્ટિન લેંગર મેચના અંત સુધી ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે રહ્યો હતો. મીડિયા સૂત્રોના અહેવાલમાં જણાવાયું છે કે, ‘બુધવાર સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો કે શું વેટોરી સમગ્ર ટેસ્ટ સિઝન માટે ટીમ સાથે રહેશે કે હરાજી માટે વહેલા જશે.’ આ સ્થિતિ પોન્ટિંગ, લેંગર અને વેટોરી જેવા મુખ્ય ખેલાડીઓ માટે મૂંઝવણ ઊભી કરે છે. જેમણે તેમની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પ્રતિબદ્ધતાઓ અને તેમની ફ્રેન્ચાઇઝી જવાબદારીઓ વચ્ચે સંતુલન રાખવું પડશે.

Leave a Reply

error: Content is protected !!