કૈલાશ ગેહલોતના રાજીનામા બાદ AAPનું સત્તાવાર નિવેદન બહાર આવ્યું છે, ગેહલોતના રાજીનામા પર AAP નેતા અને સાંસદ સંજય સિંહે કહ્યું હતું કે કૈલાશ ગેહલોત ભાજપ દ્વારા લખવામાં આવેલી સ્ક્રિપ્ટ વાંચી રહ્યા છે. ભાજપ પોતાના ષડયંત્ર અને નિમ્ન સ્તરની રાજનીતિમાં સફળ થયું છે.
રાજીનામામાં કૈલાશ ગેહલોત દ્વારા લગાવવામાં આવેલા આરોપો પર AAP સાંસદ સંજય સિંહે કહ્યું કે કૈલાશ ગેહલોત ભાજપના દબાણમાં હતા. ED દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. CBI-ED સહિતની કેન્દ્રીય એજન્સીઓ ગેહલોતની તપાસ કરી રહી હતી. ગેહલોત દ્વારા લગાવવામાં આવેલા આરોપો આ રીતે ન લગાવી શકાય, કારણ કે તેઓ 5 વર્ષ સુધી સરકારનો હિસ્સો હતા. ભાજપે ગેહલોતને સ્ક્રિપ્ટ સોંપી છે, તેમણે તે મુજબ કામ કરવું પડશે.
જ્યારે AAP સૂત્રોએ જણાવ્યું હતું કે કૈલાશ ગેહલોત પર ED-ઇન્કમ ટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા, તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. AAP સૂત્રોએ જણાવ્યું કે કૈલાશ ગેહલોત પાસે ભાજપમાં જોડાવા સિવાય કોઈ વિકલ્પ નથી.
દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે, તેમની પાર્ટીના વરિષ્ઠ નેતા અને મંત્રીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. દિલ્હીના પરિવહન મંત્રી અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા કૈલાશ ગેહલોતે આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે રાજીનામું આપવાનું કારણ લોકોને આપેલા વચનો પૂરા ન કરવાનું જણાવ્યું છે. આ અંગે તેમણે પૂર્વ CM અરવિંદ કેજરીવાલને એક લેટર લખ્યો છે.
રાજીનામામાં તેમણે યમુનાની સફાઈ અને કેજરીવાલના બંગલાના નિર્માણનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. ગેહલોતે કહ્યું કે અમે ગત ચૂંટણીમાં યમુનાને સાફ કરવાનું વચન આપ્યું હતું પરંતુ અમે યમુનાને સાફ કરી શક્યા નથી.
વધુમાં કૈલાશ ગેહલોતે લખ્યું છે કે, નવા બંગલા જેવા ઘણા શરમજનક અને વિચિત્ર વિવાદો છે, જે હવે દરેકને શંકામાં નાખી રહ્યા છે કે શું અમે હજુ પણ આમ આદમીમાં વિશ્વાસ કરીએ છીએ. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જો દિલ્હી સરકાર પોતાનો મોટાભાગનો સમય કેન્દ્ર સરકાર સામે લડવામાં વિતાવે છે તો તેની વાસ્તવિક પ્રગતિ નહીં થાય. મારી પાસે AAPથી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ નહોતો બચ્યો અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું.
આ લેટરમાં તેમણે આગળ કહ્યું કે ‘હું તમારી સાથે એ પણ શેર કરવા માગું છું કે આજે પાર્ટી ગંભીર પડકારોનો સામનો કરી રહી છે, આ એ જ મૂલ્યોના પડકારો જેણે અમે એક સાથે લઈને આવ્યા છે. રાજકીય મહત્વાકાંક્ષાઓ લોકો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાઓથી આગળ નીકળી ગઈ છે અને ઘણા વચનો અધૂરા રહ્યા છે. ઉદાહરણ તરીકે યમુના જેને અમે સ્વચ્છ નદી બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ અમે તે ક્યારેય ન કરી શક્યા, હવે યમુના પહેલા કરતા વધુ પ્રદૂષિત થઈ ગઈ છે.
કૈલાશ ગેહલોતે AAP પર મોટા આરોપો લગાવતા કહ્યું કે, ‘બીજી પીડાદાયક વાત એ છે કે લોકોના અધિકારો માટે લડવાને બદલે અમે ફક્ત અમારા રાજકીય એજન્ડા માટે લડી રહ્યા છીએ, તેના કારણે દિલ્હીના લોકોને પ્રાથમિક સેવાઓ પણ પૂરી પાડવી મુશ્કેલ છે. મેં મારી રાજકીય સફર દિલ્હીની જનતાની સેવા કરવાની પ્રતિબદ્ધતા સાથે શરૂ કરી હતી અને હું આમ કરવાનું ચાલુ રાખવા માગું છું, તેથી મારી પાસે કોઈપણ પક્ષ સાથે અલગ થવાનો કોઈ વિકલ્પ નથી અને હું પ્રાથમિક પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.