મહારાષ્ટ્રમાં ફરી એકવાર મહાયુતિની સરકાર બનવા જઈ રહી છે. અત્યાર સુધીના વલણો મુજબ, મહાયુતિ ગઠબંધન વિધાનસભાની 288 બેઠકોમાંથી બે તૃતીયાંશથી વધુ બેઠકો પર જીતી લીધી છે.
સાંજે 6 વાગ્યા સુધીની મતગણતરીમાં ભાજપ 133 સીટો પર, શિવસેના 54 અને NCP 41 સીટો પર આગળ છે. જ્યારે મહા વિકાસ અઘાડી ગઠબંધનના પક્ષો ખરાબ રીતે હારી ગયા છે. શિવસેના (UBT) 21 બેઠકો પર, કોંગ્રેસ 17 અને NCP (SP) 10 બેઠકો પર આગળ છે.
જો આ વલણો પરિણામમાં પરિવર્તિત થશે તો ઉદ્ધવ ઠાકરેને સૌથી મોટો ફટકો પડશે. કારણ કે આ ચૂંટણી એક રીતે ઠાકરે અને તેમની શિવસેનાના અસ્તિત્વ માટેની ચૂંટણી છે. CM શિંદેની તરફેણમાં પરિણામ આવવાનો સીધો અર્થ એ થાય છે કે, શિવસેનાનો અર્થ હવે માત્ર ‘ઠાકરે’ નથી રહ્યો.
મહારાષ્ટ્રમાં ઠાકરેની બીજી સેના પણ ચૂંટણી લડી રહી છે અને તે છે રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે MNS. પરંતુ MNSની હાલત પણ ખરાબ છે. છેલ્લી ચૂંટણીમાં MNSએ ઓછામાં ઓછી એક સીટ જીતી હતી. પરંતુ આ વખતે પક્ષનું ખાતું પણ ખૂલતું જણાતું નથી.
એકંદરે, મહારાષ્ટ્રમાં ઠાકરે પરિવારનું હવે પહેલા જેવું વર્ચસ્વ નથી રહ્યું જે આગળ હતું. કારણ કે પાર્ટી સતત રાજકીય મેદાન ગુમાવી રહી છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, શું ઉદ્ધવ ઠાકરેની હાલત પણ ભાઈ રાજ ઠાકરે જેવી જ થઇ જશે?
જ્યાં સુધી શિવસેના અને ઠાકરે પરિવાર સાથે હતા ત્યાં સુધી તેઓ સારી રીતે આગળ વધ્યા. પરંતુ જેવા તેઓ અલગ થયા, તેઓ રાજકીય મેદાન ગુમાવવા લાગ્યા.
રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે પિતરાઈ ભાઈ છે. એક સમય એવો હતો જ્યારે શિવસેનામાં રાજ ઠાકરેને બાળ ઠાકરેના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવતા હતા. પરંતુ પછી જ્યારે બાળ ઠાકરેએ તેમના પુત્ર ઉદ્ધવને પ્રમોટ કરવાનું શરૂ કર્યું, ત્યારે રાજ ઠાકરે નારાજ થઈ ગયા અને પાર્ટી છોડી દીધી.
વર્ષ 2006માં રાજ ઠાકરેએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)નામની તેમની પાર્ટીની શરૂઆત કરી હતી. તેમની પાછળ ‘ઠાકરે’ જેવું શક્તિશાળી કુટુંબનું નામ હતું. નવી પાર્ટીની રચના પછી, જ્યારે MNSએ 2009માં પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી હતી, ત્યારે તેણે 13 બેઠકો જીતી હતી. આ ચૂંટણીમાં તેમણે ‘મરાઠી માણસો’ના મુદ્દાને આગળ કર્યો હતો.
પરંતુ 2014માં તે ઘટીને 2 અને 2019માં 1 સીટ થઇ ગઈ હતી. આ વખતે તો પક્ષનું ખાતું પણ ખૂલતું જણાતું નથી. આ ચૂંટણીમાં રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરે માહિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. અમિત હાલમાં ત્રીજા નંબર પર છે.
જૂન 2022માં CM એકનાથ શિંદેએ બળવો કર્યો. CM શિંદે પોતાની સાથે 39 ધારાસભ્યોને પણ લાવ્યા હતા. આ રીતે મહા વિકાસ આઘાડીની સરકાર પડી અને ઉદ્ધવ ઠાકરેને CM પદ પરથી હટી જવું પડ્યું. ત્યાર પછી CM શિંદેએ BJP સાથે મળીને સરકાર બનાવી અને CM બન્યા.
મહારાષ્ટ્રમાં BJP હંમેશા શિવસેનાના ‘મોટો ભાઈ’ બનીને રહી છે. 2019ની ચૂંટણી એકસાથે લડી હતી. પરંતુ CM પદ પર સર્વસંમતિના અભાવે ઉદ્ધવ ઠાકરેએ NDA છોડીને કોંગ્રેસ-NCP સાથે સરકાર બનાવી.
શિવસેના જ્યારે તૂટી ત્યારે તેની સીધી અસર ઠાકરે પર પડી. જ્યારે ઠાકરેએ NCP-કોંગ્રેસ સાથે સરકાર બનાવી ત્યારે તેમના પર માત્ર તકવાદી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો ન હતો, પરંતુ તેમના પર હિંદુત્વ સાથે દગો કરવાનો પણ આરોપ લાગ્યો હતો. તેના કારણે શિવસેનાના હિંદુ મતો ઘટ્યા. મુસ્લિમો અને દલિતોએ ખુલ્લેઆમ ઠાકરેની શિવસેનાને મત આપ્યો, કારણ કે તે 2024ની લોકસભા ચૂંટણીમાં NCP અને કોંગ્રેસ સાથે મળીને લડી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણીમાં થયું તેનાથી વિપરીત થઇ ગયું.
મહારાષ્ટ્ર વિધાનસભામાં ઠાકરેની શિવસેના પાસે હાલમાં 16 ધારાસભ્યો હતા. હાલમાં તેમની પાર્ટી 21 સીટો પર આગળ છે. છેલ્લી ચૂંટણીમાં, જ્યારે શિવસેના એક હતી, ત્યારે તેણે 126 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેમાંથી તેણે 56 પર જીત મેળવી હતી. આ વખતે, ઠાકરેની શિવસેનાએ લગભગ 90 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે અને તેને 25 બેઠકો પણ મળે તેવું લાગતું નથી.
હવે અહીં પ્રશ્ન એ ઊભો થાય છે કે, શું ચૂંટણીમાં ભંગાણ અને છૂટાછેડાના પરિણામો દેખાઈ રહ્યા છે. આ વાત રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે બંનેને લાગુ પડે છે.
જ્યાં સુધી રાજ ઠાકરે શિવસેના સાથે હતા, ત્યાં સુધી મહારાષ્ટ્રના રાજકારણ પર તેમની પકડ હતી. મરાઠી લોકો અને ઉત્તર ભારતીયોના વિરોધે તેમને શક્તિશાળી નેતા બનાવી દીધા હતા. પરંતુ ઠાકરે પરિવારથી અલગ થયા પછી તેઓ રાજનીતિમાં ખાસ કઈ કરી શક્યા નથી. તેમણે આ ચૂંટણીમાં પોતાના પુત્રને લોન્ચ કર્યો હતો, પરંતુ એક શક્તિશાળી પરિવાર સાથે સંકળાયેલા હોવા છતાં, અમિત ઠાકરેને જનતાનું સમર્થન મળી રહ્યું નથી.
તેવી જ રીતે, ઉદ્ધવ ઠાકરે પણ શિવસેનાના તૂટવાનું નુકસાન ભોગવી રહ્યા છે. શિવસેનાના મુખ્ય મતદાર હવે વિભાજિત છે. વિધાનસભા ચૂંટણીના પરિણામો પરથી લાગે છે કે, જનતાએ હવે CM શિંદે જૂથને ‘અસલ શિવસેના’ તરીકે સ્વીકારી લીધું છે.
પરંતુ, જો આજે શિવસેના એક હોત અને ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે પણ સાથે હોત, તો કદાચ પરિણામો કંઇક અલગ હોત.