મહારાષ્ટ્રમાં 29 નવેમ્બર થઈ ગઈ પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીને લઈને જાહેરાત કરવામાં આવી નથી. એકનાથ શિંદેએ તો સ્વીકારી લીધું છે કે તેઓ CM નથી બનવાના, પણ એના બદલામાં શું લેશે એના પર ચર્ચા ચાલી રહી છે. ઘણા લોકો કહે છે કે તેઓ નાયબ મુખ્યમંત્રી બનશે, પરંતુ CM બન્યા બાદ નાયબ મુખ્યમંત્રી શિંદે બને તેવું લાગતું નથી. તેમની પાર્ટીના નેતા પણ એવું જ માને છે. શિવસેનાના નેતા સંજય શિરસાટે શુક્રવારે કહ્યું કે જો તેમની પાર્ટીના વડા એકનાથ શિંદે નાયબ મુખ્યપ્રધાન પદ સ્વીકારશે નહીં તો આ પદ તેમની પાર્ટીમાંથી કોઈ અન્ય નેતાને આપવામાં આવશે.
શિરસાટે કહ્યું કે શિંદે કેન્દ્રીય મંત્રી તરીકે ચોક્કસપણે કેન્દ્રમાં નહીં જાય. મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનના અદભુત પ્રદર્શન બાદ, કાર્યવાહક મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે તેઓ આગામી મુખ્યમંત્રીનું નામ આપવાના ભાજપના નેતૃત્વના નિર્ણયને સંપૂર્ણ સમર્થન કરશે અને પ્રક્રિયાને અવરોધશે નહીં. આનાથી શિંદેને નાયબ મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવે અને તેઓ તેનો સ્વીકાર કરશે કે કેમ તે અંગે ચર્ચા શરૂ થઈ છે. શિરસાટે કહ્યું, જો શિંદે નાયબ મુખ્યમંત્રી પદ સ્વીકારશે નહીં તો અમારી પાર્ટીના અન્ય કોઈ નેતાને આ પદ મળશે. તેઓ સાંજ સુધીમાં આ અંગે નિર્ણય લેશે.
ગુરુવારે શિરસાટે કહ્યું હતું કે શિંદે સંભવતઃ મહારાષ્ટ્રની નવી સરકારમાં નાયબ મુખ્યમંત્રીનું પદ સ્વીકારશે નહીં. શિરસાટના પક્ષના સાથીદાર અને પૂર્વ મંત્રી શંભુરાજ દેસાઈએ કહ્યું કે તેમના ચૂંટાયેલા ધારાસભ્યો અને પક્ષના કાર્યકરોને લાગે છે કે શિંદેએ નવી સરકારનો ભાગ બનવું જોઈએ.
દેસાઈ 2022 થી 2024 સુધી શિંદેના ગઢ ગણાતા થાણેના મંત્રી હતા. શિંદેના વિશાળ વહીવટી અનુભવને ધ્યાનમાં લેતા દેસાઈએ કહ્યું કે તેઓ મહારાષ્ટ્રની આગામી સરકારનો હિસ્સો હોવા જોઈએ.
મહાયુતિની આજની બેઠક કેન્સલ, CM શિંદે પોતાના ગામ જવા નીકળી ગયા
મહારાષ્ટ્રમાં આજે યોજાનારી મહાયુતિની બેઠકને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. આજે મળનારી બેઠક હાલ પુરતી મુલતવી રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, CM એકનાથ શિંદે આજે સતારા જિલ્લામાં તેમના ગામ જઈ રહ્યા છે અને તેઓ આવતીકાલે પાછા ફરે તેવી શક્યતા છે.
આ પહેલા, મહાયુતિના ત્રણ મોટા નેતાઓ, CM એકનાથ શિંદે, BJP નેતા દેવેન્દ્ર ફડણવીસ અને NCPના વડા અજિત પવારે દિલ્હીમાં અમિત શાહ સાથે લગભગ 3 કલાકની મેરેથોન બેઠક કરી હતી. બેઠક બાદ ત્રણેય નેતાઓ મોડી રાત્રે જ મુંબઈ પરત ફર્યા હતા અને આજે મુંબઈમાં મહાયુતિના ત્રણેય નેતાઓ વચ્ચે વિભાગોની ચર્ચા માટે મોટી બેઠક યોજાવાની હતી.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, CM એકનાથ શિંદે અચાનક સતારા જિલ્લાના તેમના ગામ જવા રવાના થઈ ગયા છે, તેથી આજની બેઠક સ્થગિત કરવામાં આવી છે. શનિવારે સતારાથી પરત ફર્યા પછી આ બેઠક ફરીથી યોજાશે અને બાકી રહેલા તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે.