શું ડોનાલ્ડ ટ્રમ્પના ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનવાથી ભારતીય વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે? શું ટ્રમ્પ સરકાર ફરીથી વિદેશી વિદ્યાર્થીઓ માટે વિઝા નિયમોમાં ફેરફાર કરવા જઈ રહી છે? શું ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં અભ્યાસ કરવો મુશ્કેલ બનશે? અમેરિકાની પ્રતિષ્ઠિત મૈસાચુસેટ્સ યુનિવર્સિટી દ્વારા એડવાઈઝરી બહાર પાડવામાં આવ્યા પછી USમાં અભ્યાસને લઈને વિદેશી વિદ્યાર્થીઓ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા છે. ટ્રમ્પ 20 જાન્યુઆરી, 2025ના રોજ શપથ લેશે. જાન્યુઆરીમાં 47માં રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પની ચાર્જ સંભાળવાની તૈયારીઓ વચ્ચે, અમેરિકામાં અભ્યાસ અને કામ કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓ સહિત વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે, ટ્રમ્પના પ્રથમ કાર્યકાળની જેમ જ મુસાફરી પ્રતિબંધો, વિઝા સમસ્યાઓ અને નીતિઓમાં ફેરફાર થઈ શકે છે.
હકીકતમાં, યુનિવર્સિટી ઓફ મૈસાચુસેટ્સ, એમ્હર્સ્ટ, ઓછામાં ઓછી બે અન્ય સંસ્થાઓ સાથે મળીને આ એડવાઈઝરી બહાર પાડી છે, જેમાં સંભવિત મુસાફરી પ્રતિબંધોના ભય વચ્ચે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને શપથ ગ્રહણ સમારોહ પહેલા દેશમાં (અમેરિકા) પાછા ફરવા વિનંતી કરી છે. જેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને સ્ટાફને ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા અમેરિકા પરત ફરવા વિનંતી કરવામાં આવી છે.
ગ્લોબલ અફેર્સ ઓફિસની ટ્રાવેલ એડવાઈઝરી જણાવે છે કે, ‘આ સલાહ ખુબ જ ચોક્કસાઇપૂર્વક ખાતરી કરીને બહાર પાડવામાં આવી રહી છે, કારણ કે નવું રાષ્ટ્રપતિ વહીવટીતંત્ર તેના કાર્યાલયના પ્રથમ દિવસે જ નવી નીતિઓ લાગુ કરી શકે છે.’ જેમ કે 2017માં કર્યું હતું. ટ્રમ્પે તેમના છેલ્લા કાર્યકાળ દરમિયાન (2017માં) ઘણા દેશોના લોકો પર ટ્રાવેલ પ્રતિબંધ લગાવ્યો હતો.
વેસ્લેયન યુનિવર્સિટીના કોલેજ અખબાર, ધ વેસ્લેયન આર્ગસ અહેવાલ આપે છે કે, યુનિવર્સિટીની ઑફિસ ઑફ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અફેર્સ (OISA)એ તેના વિદ્યાર્થીઓ માટે આ જ પ્રકારનું માર્ગદર્શન બહાર પાડ્યું હતું. કથિત રીતે ઓફિસ તરફથી એક ઈમેલ લખવામાં આવ્યો હતો: ‘દેશમાં ફરીથી પ્રવેશવાની મુશ્કેલી ટાળવાનો સૌથી સુરક્ષિત રસ્તો એ છે કે, 19 જાન્યુઆરી અને તેના પછીના દિવસોમાં USમાં હાજર રહેવું.’
મૈસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (MIT)ના સહયોગી ડીન, ડેવિડ એલવેલે વિઝા પ્રક્રિયામાં સંભવિત વિલંબ અને જો નવી નીતિઓ લાગુ કરવામાં આવે તો, USની બહાર રહેવા સાથે સંકળાયેલા જોખમો અંગે ચેતવણી આપી હતી. તેમણે તાજેતરની પોસ્ટમાં લખ્યું કે, ‘દરેક ચૂંટણી સાથે, નીતિઓ, નિયમો અને કાયદાઓમાં ફેરફાર થઈ શકે છે, જે ઉચ્ચ શિક્ષણની સાથે સાથે ઇમિગ્રેશન અને વિઝા સ્થિતિની બાબતોને અસર કરે છે.’
હકીકતમાં, ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન, ઇમિગ્રેશન નીતિમાં ઘણા ફેરફારો જોવા મળ્યા છે, જેના કારણે વિદેશી વિદ્યાર્થીઓ ખૂબ પ્રભાવિત થયા હતા. જાન્યુઆરી 2017માં, તેમના કાર્યકાળના સાતમા દિવસે જ ટ્રમ્પે એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા, જેના દ્વારા સાત મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોના નાગરિકોને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ત્યાર પછી વેનેઝુએલા અને ઉત્તર કોરિયા જેવા દેશોને પણ આ પ્રતિબંધના દાયરામાં સામેલ કરવામાં આવ્યા હતા. જેના કારણે એરપોર્ટ પર અરાજકતા ફેલાઈ ગઈ હતી અને ઘણી યુનિવર્સિટીનો સ્ટાફ વિદેશમાં અટવાઈ ગયો હતો.
ભારતના વિદેશ મંત્રાલયે હજુ સુધી આ સંબંધમાં કોઈ ઔપચારિક એડવાઈઝરી બહાર પાડી નથી, પરંતુ પરિસ્થિતિને સ્વીકારી છે અને USમાં ભારતીય નાગરિકોને મુસાફરીના નિયમો વિશે અપડેટ રહેવા વિનંતી કરી છે.
ઉચ્ચ શિક્ષણ મેળવતા ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકા સૌથી વધુ પસંદગીનો દેશ છે. 2023-2024માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની દ્રષ્ટિએ ચીનને પછાડીને ભારત નંબર વન બની ગયું છે. ઓપન ડોર્સ 2024ના અહેવાલ મુજબ, 331,602 ભારતીય વિદ્યાર્થીઓએ US સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જે ગયા વર્ષની સરખામણીમાં 23 ટકાનો મોટો વધારો દર્શાવે છે.