અંકલેશ્વર મુકામે આવેલ રંગ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકને સ્વપ્ન જોતાં તેમજ સ્વપ્ન જોઈ તેને સાકાર કરતાં શીખવવામાં આવે છે. શાળામાં ભૌતિક, શૈક્ષણિક અને બૌદ્ધિક સુવિધાઓ સાથે જીવન ઘડતર, નૈતિક મૂલ્યો અને સંસ્કારોનું જીવનલક્ષી ભાથું પીરસવામાં આવે છે. વિદ્યાર્થીઓના ઘડતરમાં હજુ વધારે શું આપી શકાય? તે અંગેની સતત તૈયારીઓ શાળા દ્વારા થતી રહે છે. આવનાર પેઢીને નવી ટેકનોલોજી સાથે અનુભવોનું જ્ઞાન પણ આપવામાં આવે તો બાળક ખીલી ઉઠે. આ સ્વનુભવોને અભિવ્યક્ત કરી શકાય તે હેતુથી રંગ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા અનોખી પહેલના ભાગરૂપે “સંવાદ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં અંકલેશ્વર-હાંસોટ વિસ્તારના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, જાણીતા લેખક તથા અનુભવી શિક્ષણવિદ્ શ્રી હરેકૃષ્ણ શાસ્ત્રી તેમજ અતિથિ વિશેષ ડૉ. સુનિલભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત, અંકલેશ્વર-ભરૂચ જિલ્લાના તમામ શિક્ષક-મિત્રોએ સહ પરિવાર ઉપસ્થિતિ આપી એક વિશેષ “સંવાદ” સ્થાપિત કર્યો હતો. વધુમાં આ કાર્યક્રમમાં આપણા અનુભવી શિક્ષકોની સાથે-સાથે ભવિષ્યના આદર્શ શિક્ષકોએ પણ વિશેષ હાજરી આપી હતી. આ કાર્યક્રમ થકી દરેક વ્યક્તિએ પોતાના શિક્ષણને લગતા અનુભવો વ્યક્ત કર્યા હતા. ત્યારબાદ ઘણી બધી રસપ્રદ રમતો અને પ્રવૃત્તિઓ બાદ ગરબા સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.