ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં અંતરિયાળ તેમજ શહેરી વિસ્તારમાં સમયબદ્ધ અને સલામત મુસાફરી માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની હજારો બસો કાર્યરત છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ‘ડિજિટલ ગુજરાત’ના મંત્રને વેગ આપવા રાજ્યમાં અંદાજિત 8,500 થી વધુ બસ ઓપરેટ કરતું નિગમ હવે કેશલેશ સેવા તરફ આગળ વધી રહ્યું છે.
નાગરિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ગત વર્ષે તા. 25 ઓક્ટોબર 2023ના રોજ સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટીંગ મશીનનું રાજ્યવ્યાપી લોકાર્પણ કર્યું હતું. જેના ભાગરૂપે પ્રથમ તબક્કે અમદાવાદ, રાજકોટ, જામનગર અને જૂનાગઢ વિભાગની કુલ 1,850થી વધુ બસોમાં 3,000થી વધુ ‘એન્ડ્રોઇડ ટિકિટ મશીન’ / ‘સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટીગ મશીન’ ફાળવવામાં આવ્યા છે. ‘ડિજિટલ ગુજરાત’ થકી ડિજિટલ ટ્રાન્જેક્શનને વેગ આપી ગુજરાત એસ.ટીમાં સરેરાશ 15 હજાર જેટલા મુસાફરો ડિજિટલ ટ્રાન્જેક્શનના માધ્યમથી એસ.ટી. નિગમને દૈનિક રૂ. 13 લાખની આવક કરાવી રહ્યા છે. QR પેમેન્ટના માધ્યમથી છેલ્લા એક વર્ષમાં 37 લાખ કરતા વધુ મુસાફરોએ રૂ.30.53 કરોડથી વધુની એસ.ટીને આવક કરાવી ‘ડિજિટલ ટ્રાન્જેક્શન’ પર ભરોસો મુક્યો છે. જેમાં ઉત્તરોતર વધારો થઇ રહ્યો છે.
ગુજરાત એસ.ટી નિગમ દ્વારા નાગરીકોને હવે મુસાફરી કરવામાં રોકડ કે છુટા પૈસા પોતાની જોડે રાખવાની જરૂર રહેશે નહિ. નિગમે ‘ડિજિટલ ઇન્ડિયા – ડિજિટલ ગુજરાત’ને પ્રોત્સાહન આપવા તેમજ રોકડ નાણાંના વિકલ્પ રૂપે મુસાફરો બસની અંદર જ ટિકિટીંગ મશીનમાં ડાયનામિક QRના માધ્યમથી ડિજિટલ ટ્રાન્જેક્શન દ્વારા ટિકિટ મેળવી શકે છે.
ગુજરાત એસ.ટી નિગમ દ્વારા પ્રથમ તબક્કામાં ચાર વિભાગના 3,000 સ્માર્ટ ઈલેક્ટ્રોનિક ટિકિટ મશીનમાં QR આધારિત UPI પેમેન્ટ સ્વીકારવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં મુસાફરો પોતાના ફોનથી UPI અથવા ક્રેડીટ કાર્ડ અને ડેબીટ કાર્ડ મારફતે પોતાની ટિકિટ લઇ શકે છે, જો કોઈ કારણસર મુસાફરનું ટ્રાન્જેક્શન રદ થાય તો માત્ર એક જ કલાકમાં મુસાફરોને તેમની રકમ પરત ડિજિટલ માધ્યમ થકી પોતાના બેંક એકાઉન્ટમાં પરત મળી જાય છે તેમ રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં વધુમાં જણાવાયું છે.