ચીને રવિવારે તેની હાઈ-સ્પીડ બુલેટ ટ્રેનનું અપડેટેડ મોડલ રજૂ કર્યું. તેના નિર્માતાઓ દાવો કરે છે કે, પરીક્ષણ દરમિયાન તેની સ્પીડ 450 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી હતી, જેથી તે વિશ્વની સૌથી ઝડપી હાઇ-સ્પીડ ટ્રેન બની ગઈ છે. ચાઇના સ્ટેટ રેલ્વે ગ્રૂપ કંપની (ચાઇના રેલ્વે) અનુસાર, CR450 પ્રોટોટાઇપ તરીકે ઓળખાતું નવું મોડલ, મુસાફરીના સમયમાં વધુ ઘટાડો કરશે અને કનેક્ટિવિટીમાં સુધારો કરશે, જે દેશમાં મોટી સંખ્યામાં મુસાફરો માટે મુસાફરીને વધુ અનુકૂળ અને કાર્યક્ષમ બનાવશે . દુનિયાની સૌથી ઝડપી ટ્રેનની સ્પીડે બધાને ચોંકાવી દીધા છે. મુસાફરીમાં લાગતો સમય હવે નોંધપાત્ર રીતે ઘટશે. વળી, ટ્રેનની મુસાફરી હવે વધુ આરામદાયક બની ગઈ છે.
સરકાર દ્વારા સંચાલિત એક અખબારના અહેવાલમાં જણાવાયું છે કે, CR450 પ્રોટોટાઇપે ઓપરેટિંગ સ્પીડ, ઉર્જા વપરાશ, આંતરિક અવાજ અને બ્રેકિંગ અંતરની સાથે 450 કિલોમીટર પ્રતિ કલાકની ટેસ્ટિંગ સ્પીડ પ્રાપ્ત કરી છે. આ હાલમાં સેવામાં ચાલુ છે તે CR400 Fuxing High-Speed Rail (HSR) કરતાં નોંધપાત્ર રીતે ઝડપી છે, જે 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે. આ દુનિયાની સૌથી ખાસ બુલેટ ટ્રેન કહેવાય છે, જેને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવી છે અને ટ્રેનની સ્પીડને ધ્યાનમાં રાખીને તેની બ્રેકિંગ સિસ્ટમ પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે.
ચાઇના રેલ્વે પ્રોટોટાઇપ માટે શ્રેણીબદ્ધ લાઇન પરીક્ષણો ગોઠવશે અને CR450 શક્ય તેટલી વહેલી તકે ઉદ્યોગ ધંધાની સેવામાં પ્રવેશ કરે તેની ખાતરી કરવા માટે તકનીકી સૂચકાંકોને ઑપ્ટિમાઇઝ કરશે.
નવીનતમ સરકારી માહિતી અનુસાર, ચીનના ઓપરેશનલ HSR ટ્રેક જે દેશના મોટા શહેરોને જોડે છે તે, લગભગ 47,000 કિલોમીટર સુધી પહોંચી ગયા છે. જોકે તેનાથી કોઈ ફાયદો નથી. ચીનનું કહેવું છે કે, HSR નેટવર્કના વિસ્તરણે દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેના કારણે મુસાફરીનો સમય ઘટ્યો છે અને રેલવે માર્ગો પર ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન મળ્યું છે.
આંતરિક સર્વેક્ષણો અનુસાર, બેઇજિંગ-શાંઘાઈ ટ્રેન સેવા સૌથી વધુ ફાયદાકારક હતી, જ્યારે અન્ય શહેરોમાં નેટવર્ક હજી આકર્ષક બન્યું નથી. તાજેતરના વર્ષોમાં, ચીનના HSRએ થાઈલેન્ડ અને ઈન્ડોનેશિયામાં તેના નેટવર્કની નિકાસ કરી અને સર્બિયામાં બેલગ્રેડ-નોવી સેડ HSRનું નિર્માણ કર્યું.