fbpx

કયા દેશમાં સૌપ્રથમ ઉજવવામાં આવે છે નવું વર્ષ,ક્યાં સૌથી છેલ્લે,ભારતનો નંબર કેટલો

જેમ જેમ નવું વર્ષ નજીક આવી રહ્યું છે તેમ તેમ વિશ્વભરમાં લાખો લોકો નવા વર્ષની સવારને આવકારવાની તૈયારી કરી રહ્યા છે. 31મી ડિસેમ્બરની રાત્રે ઘડિયાળના કાંટા 12 વાગે કે તરત જ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ જશે. લોકો તેમના મિત્રો અને પરિવાર સાથે નવું વર્ષ ઉજવશે. કોઈ પોતાના મનપસંદ સ્થળની મુલાકાત લઈને નવા વર્ષનું સ્વાગત કરશે. શું તમે જાણો છો કે વિશ્વના જુદા જુદા ભાગોમાં નવા વર્ષની ઉજવણી અલગ-અલગ સમયે કરવામાં આવે છે. કયા દેશમાં નવું વર્ષ પહેલા શરુ થશે અને કયા દેશમાં નવું વર્ષ સૌથી છેલ્લું આવશે. ન્યુઝીલેન્ડમાં નવું વર્ષ ભારતથી 7 કલાક પહેલા શરૂ થશે જ્યારે અમેરિકામાં ભારતથી લગભગ 9 કલાક પછી નવું વર્ષ શરૂ થશે.

2025નું સ્વાગત કરનાર પ્રથમ દેશ કિરીબાતી ગણરાજ્યમાં ક્રિસમસ આઇલેન્ડ (કિરીટીમાટી) હશે. તે પેસિફિક મહાસાગરમાં એક નાનો ટાપુ છે. કિરીબાતીમાં 31 ડિસેમ્બરે ભારતીય સમય અનુસાર સવારે 3.31 વાગ્યે નવું વર્ષ શરૂ થશે. ત્યાર પછીના થોડા સમયમાં જ, ન્યુઝીલેન્ડના ચૈથમ ટાપુઓ પર લોકો નવા વર્ષની ઉજવણી કરવાનું શરૂ કરશે. ત્યાર પછી, ન્યુઝીલેન્ડના અન્ય મોટા શહેરો, ઓકલેન્ડ અને વેલિંગ્ટનમાં લોકો નવા વર્ષની ઉજવણી કરશે.

ન્યુઝીલેન્ડના ઓકલેન્ડ અને વેલિંગ્ટન જેવા શહેરો પછી ઓસ્ટ્રેલિયાના સિડની, મેલબોર્ન અને કેનબેરામાં નવું વર્ષ દસ્તક આપશે. ત્યારપછી અન્ય નાના ઓસ્ટ્રેલિયન શહેરો જેમ કે, એડિલેડ, બ્રોકન હિલ અને સેડુનામાં ઉજવણી કરવામાં આવશે, જ્યારે ક્વીન્સલેન્ડ અને ઉત્તરી ઓસ્ટ્રેલિયામાં 2025ની ઉજવણી પાછળથી શરુ થશે.

જાપાન, દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયામાં લોકો નવા વર્ષની ઉજવણી કરી રહ્યા હશે ત્યારે ભારતમાં 31મી ડિસેમ્બરે રાત્રે 8.30 વાગ્યા હશે. આ પછી ચીન, ફિલિપાઈન્સ અને સિંગાપોરમાં લોકો નવા વર્ષની ઉજવણી કરશે.

ઈન્ડોનેશિયા, થાઈલેન્ડ અને મ્યાનમાર પણ ભારત કરતા પહેલા નવા વર્ષની ઉજવણી કરશે. ત્યાર પછી બાંગ્લાદેશ અને નેપાળનો નંબર આવશે. ભારત અને શ્રીલંકામાં મધ્યરાત્રિના ત્યારે 12 વાગ્યા હશે જ્યારે EST સમય 1 જાન્યુઆરી, 2025ના રોજ સવારે 1.30 વાગ્યાનો હશે. આ પછી નવા વર્ષની ઉજવણી કરનારાઓમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો નંબર આવે છે.

પૃથ્વી પર નવા વર્ષને આવકારવા માટે સૌથી છેલ્લા નંબરે હવાઈના દક્ષિણપશ્ચિમમાં આવેલા બેકર અને હોવલેન્ડના નિર્જન ટાપુઓ હશે. આ ટાપુઓમાં 1 જાન્યુઆરીએ IST (ભારતીય સમય મુજબ) સાંજે 5.30 વાગ્યે નવું વર્ષ શરુ થશે.